વડોદરા શહેરમાં નવેમ્બર મહિના દરમિયાન કુલ 10 વખત ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે. આ ભરતી મેળામાં કોણ કોણ ભાગ લઈ શકશે. અને ભરતી મેળો ક્યાં યોજાશે તે અહીં તમને જણાવીશું.
મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લામાં નવેમ્બર માસ દરમિયાન લગભગ 10 જેટલા રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે. જેનાથી આગામી સમયમાં ખૂબ મોટી માત્રામાં રોજગારીની તક ઊભી થશે. આ રોજગારી ભરતી મેળામાં કેવી રીતે યુવાનો ભાગ લઈ શકશે અને કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે તે અહીં જાણો…
ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરેલા ઉમેદવારો મદદનીશ નિયામક રોજગારની કચેરી, તરસાલી, જ્યારે ટેકનિકલ ગ્રેજ્યુએટ કે માસ્ટર કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો કચેરી, ચમેલી બાગ, MSU કેમ્પસ ખાતે ભરતી મેળો યોજાશે.
ઉક્ત બંને રોજગાર કચેરી દ્વારા કંપની (સંસ્થા) કે નોકરીદાતા અને રોજગાર વાંચ્છુની રોજગારીની જરૂરિયાત પૂર્ણ કરવા “અનુબંધમ” અને “NCS” પોર્ટલ મારફતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળા યોજવાનું સેતુરૂપ કાર્ય કરવામાં આવ્યું છે, તેમજ રોજગાર અને સ્વરોજગાર લક્ષી તેમજ વિદેશમાં શિક્ષણ અને રોજગારી માટે સેફ લીગલ માઈગ્રેશન અંગે માહિતી અને માર્ગદર્શન આપવાનું તેમજ રોજગારી, તાલીમ તેમજ એપ્રેન્ટિસ મેળવવા માટે ઓનલાઈન નામ નોંધણી તેમજ કારકિર્દી કાઉન્સેલિંગ કાર્યનું પણ આયોજન છે.
નવેમ્બર માસ દરમિયાન બંને રોજગાર કચેરી દ્વારા વડોદરા જિલ્લાના એમ્પ્લોયર કંપની કે સંસ્થા (નોકરીદાતા)ને યોગ્ય સ્થાનિક ઉમેદવારો (માનવબળ) મળે અને અભ્યાસ કરેલ જોબસીકર (ઉમેદવારો)ને જિલ્લામાં લાયકાત મુજબની રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટે રોજગાર કચેરી ખાતે અને તાલુકા મથકો પર કુલ 10 જેટલા રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળા નીચે મુજબની તારીખે યોજવામાં આવશે. જેમાં, તા. 08, 12, 13, 14, 19, 21, 22, 26, 28 અને 29મી નવેમ્બર 2024 ના દિવસોમાં આયોજન કરવામાં આવ્યું છે.
આગામી યોજાનાર રોજગાર એપ્રેન્ટિસ ભરતી મેળાનું સ્થળ, સમય અને તારીખ, તેમજ કેવા પ્રકારની વેકન્સી છે તેમજ ભરતી મેળામાં ભાગ લેનાર નોકરીદાતાની વિગતો જોવા માટે “અનુબંધમ” પોર્ટલ (www.anubandham.gujarat.gov.in) અને “NCS” પોર્ટલ www.ncs.gov.in પર ફ્રીમાં રજિસ્ટ્રેશન અને લોગીન કરીને આગામી જોબફેરની વિગતો મેળવી શકાશે.
અહીં આપેલા બંને પોર્ટલ પર સરકારી અને ખાનગી ક્ષેત્રના નોકરીદાતા અને તમામ ટેકનિકલ અને નોન-ટેકનિકલ લાયકાતના અનુભવી અને બિનઅનુભવી ઉમેદવારો ભરતી મેળામાં ઓનલાઈન અને ઓફલાઈન ભાગ લઈને તેમજ ઓનલાઈન જોબ પોસ્ટ કરીને અરજી કરીને ફ્રીમાં રોજગાર સેવાનો લાભ લઈ શકશે.
તેમજ વધુ માહિતી માટે મદદનીશ રોજગારની કચેરી, ITC બિલ્ડીંગ, ITI કેમ્પસ, તરસાલી, તેમજ UEB, ચમેલી બાગ, યુનિવર્સિટી ગેસ્ટ હાઉસની બાજુમાં, કમાટી બાગની સામે, વડોદરાનો રૂબરૂ સંપર્ક કરી શકો છો.