Ahmedabad : નરોડામાં પિતરાઈ ભત્રીજી પર કાકાએ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે દુષ્કર્મ આચરીને માતા બનાવનાર કાકાને સ્પેશિયલ પોક્સો કોર્ટે 20 વર્ષની આકરી સજા ફટકારી છે. આ દરમિયાન કોર્ટે આરોપી કાકાના ઘૃણાસ્પદ કૃત્યની ચુકાદામાં ગંભીર આલોચના કરી હતી.
પીડિતા દુષ્કર્મ બાદ ગર્ભવતી બની
પીડિતા દુષ્કર્મ બાદ ગર્ભવતી બની હતી, અને ત્યારબાદ તેણે એક સંતાને જન્મ આપ્યો હતો. જોકે આરોપીને સમાજની બીક લાગી અને બાળકને અન્ય કોઈને દત્તક આપી દીધું હતું. તેમજ કોર્ટે આ બાબતની પણ ગંભીર નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે, ગુનો આચર્યા બાદ જો આરોપી દ્વારા ભોગ બનનારી પીડિતા સાથે લગ્ન કરી લેવાથી ગુનાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય તો સમાજમાં તેની વિપરીત અસરો પડે. તેથી આવા ગંભીર ગુનામાં આરોપીને સખતમાં સખત સજા ફટકારવી જરૂરી છે.
આરોપી 17 વર્ષની સગીર ભત્રીજીને લલચાવી ફોસલાવીને ભગાડી ગયો
સમગ્ર મામલાની વાત કરીએ તો શહેરના શાહીબાગમાં રહેતા આરોપીએ નરોડામાં રહેતી પોતાની 17 વર્ષની સગીર ભત્રીજીને લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો. ત્યારબાદ અલગ અલગ જગ્યાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારપછી આરોપી કાકા વિરુદ્ધ નરોડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
પીડિતા ગર્ભવતી બનતા ગુનો છુપાવવા કાકાએ કર્યા લગ્ન
કેસનો ટ્રાયલ ચાલી જતાં એક ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે આરોપીના ગુનાહિત કૃત્યના કારણે પીડિતા ગર્ભવતી બની ગઈ હતી, જેથી આરોપી કાકાએ તેની સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ પીડિતાએ એક સંતાનને જન્મ આપ્યો હતો. જોકે સમાજની બીકે બાળકને કોઈને દત્તક આપી દીધું હતું.