- સેન્સક્સમાં 900થી વધુ અને નિફ્ટીમાં 270 પોઇન્ટથી વધુનો તોતીંગ ઉછાળો
- નિફ્ટી મિડકેપ-100 પણ 1100 પોઇન્ટ અપ: રોકાણકારોને લાભ પાંચમ ફળી
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઐતિહાસિક વિજયના ભારતીય શેરબજારે વધામણા કર્યા હતા. આજે લાભ પાંચમનો દિવસ રોકાણકારો માટે અતિ લાભદાયી રહ્યો હતો. સેન્સેક્સમાં 900થી વધુ અને નિફ્ટીમાં 270 પોઇન્ટથી વધુનો ઉછાળા જોવા મળતા રોકાણકારોમાં હરખની હેલી વ્યાપી જવા પામી હતી.
આજે ભારતીય શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સ સેન્સેક્સ તથા નિફ્ટી ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા. દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થતાં ભારતીય શેરબજારમાં તેજી વધુ મજબૂત બની હતી. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સે ફરી એકવાર 80,000 પોઇન્ટની સપાટી ઓળંગી હતી અને 80,424.55નો ઇન્ટ્રાડે હાઇ બનાવ્યો હતો. જ્યારે સરકીને 79,459.12 સુધી આવી ગયો હતો. નિફ્ટીમાં પણ ભારે તેજી જોવા મળી હતી. નિફ્ટીએ આજે ઇન્ટ્રાડેમાં 24,496.35નો હાઇ બનાવ્યો હતો. સરકીને 24,204.05 સુધી આવી ગઇ હતી. નિફ્ટી મિડકેપ-100માં આગ ઝરતી તેજી જોવા મળી હતી. 1100થી વધુ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. જ્યારે બેન્ક નિફ્ટી પણ આજે ગ્રીન ઝોનમાં કામકાજ કરતી નજરે પડી હતી. આજની તેજીમાં ડીક્ષોન ટેકનોલોજી, ભારત ઇલેક્ટ્રોનીક્સ, ગેલ, ઓરેકલ ફાયનાન્સ, રિલાયન્સ, વોડાફોન-આઇડીયા, પીએનબી, ટાટા સ્ટીલ, પીરામલ ફાર્મા અને દિપક ફર્ટીલાઇઝર સહિતની કંપનીઓના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે આઇસીઆઇસીઆઇ પ્રૂડેન્સીયલ, ઇન્ડુસઇન્ડ બેંક, એમસીએક્સ ઇન્ડિયા, મેક્સ ફાયનાન્સ સહિતની કંપનીઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારમાં તેજી હતી. જ્યારે બૂલીયન બજારમાં નરમાશ જોવા મળી હતી. અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયો 14 પૈસા સુધી તુટ્યો હતો.
લાભ પાંચમના શુકનવંતા દિવસે જ ભારતીય શેરબજારમાં તેજીનો ટોન જોવા મળતાં રોકાણકારોમાં ભારે રાજીપો વ્યાપી જવા પામ્યો હતો. સતત બીજા દિવસે આજે બજાર ગ્રીન ઝોનમાં રહ્યું હતું. હવે ધીમેધીમે તેજી પરત ફરી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 911 પોઇન્ટના ઉછાળા સાથે 80,403 અને નિફ્ટી 278 પોઇન્ટના ઉછાળા સાથે 24491 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 14 પૈસાની નરમાશ સાથે 84.25 પર ટ્રેડ કરી રહ્યો છે.