એક ડઝન ટીમો વચ્ચે રેસકોર્સના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડ પર જામશે જંગ: વિજેતા ટીમને, રનર-અપને તેમજ મેન ઓફ ધ સિરિઝને લાખેણા ઈનામો શ્રેષ્ઠ ખેલાડીઓને ગીર ગાયના તથા અતિ મૂલ્યવાન મધ પણ મળશે!
દર વર્ષની માફક આ વર્ષે પણ રાજકોટ મીડિયા ક્લબ દ્વારા મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનું ધમાકેદાર આયોજન થવા જઈ રહ્યું છે. રાજકોટના માધવરાવ સિંધિયા ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી આ ટુર્નામેન્ટમાં અનેક દૈનિકો, સામયિકો, ઇલેક્ટ્રોનિક મીડિયા, રેડિયો તથા વિવિધ મીડિયાના પત્રકારો તથા અન્ય કર્મીઓ ભાગ લઈ રહ્યાં છે. બુધવારે આ સ્પર્ધનો ડ્રો યોજવામાં આવશે. આ આયોજનમાં રાજકોટ મહાનગરપાલિકા પણ સહ આયોજક તરીકે સામેલ છે.
રાજકોટના સમગ્ર મીડિયાના પત્રકારો તથા મીડિયાકર્મીઓ માટેની આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં એક ડઝન કરતા વધુ ટીમો ભાગ લઈ રહી છે જેમાં શહેરના લગભગ તમામ સવારના અને સાંજના અખબારોની ટીમ તો ઉતરી જ રહી છે, એ ઉપરાંત ઇલેક્ટ્રોનિક મીડિયા, રેસ્ટ ઓફ પ્રેસ (જેમાં મેગેઝિન્સ તથા અંગ્રેજી છાપાંઓનો બ્યુરો સ્ટાફ તેમ જ એફ. એમ. રેડિયોના RJવગેરે સામેલ હોય છે) જેવી ટીમોએ પણ હોંશેહોંશે ભાગ લીધો છે. આ વખતે ટુર્નામેન્ટના ઇતિહાસમાં પ્રથમ વખત અખબારી એજન્ટ મિત્રોની ટીમ પણ ઉતરી રહી છે.
આ મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર ગમ્મત ખાતર નથી હોતી. બધી જ ટીમના પ્લેયર્સ દોઢ-બે મહિના સખ્ત પ્રેક્ટિસ કરે છે. બધા જ ગંભીરતાથી રમે છે. આ ટુર્નામેન્ટ પૂર્ણત: આંતરરાષ્ટ્રીય નિયમોથી રમાય છે. રાજકોટના ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાતી આ ટુર્નામેન્ટમાં સીઝન બોલનો જ ઉપયોગ થાય છે, સ્ટેટ પેનલના અમ્પાયર્સ, સ્ટેટ પેનલના સ્કોરર્સની સેવાઓ લેવામાં આવે છે. બે ઇનિંગ વચ્ચેના બ્રેકમાં ચા-નાસ્તો અપાય છે. વિજેતા ટીમને ૨૧,૦૦૦ તથા રનર-અપને ૧૧,૦૦૦ તેમજ મેન ઓફ ધ સિરિઝને ૫૧૦૦ રૂપિયાના ઈનામો આપવામાં આવનાર છે. ઉપરાંત નવા પ્રયોગરૂપે ત્રણ શ્રેષ્ઠ ખેલાડીઓને રાજકોટના ગોપાલક દિલીપ સખીયા દ્વારા એક મહિના સુધી રોજ બે લિટર ગીર ગાયનું દૂધ ઘેર પહોંચાડવામાં આવશે. તેમજ શ્રેષ્ઠ ખેલાડીને વેદિક પદ્ધતિથી બનેલું, ગીર ગાયનું અતિ શુદ્ધ મૂલ્યવાન ઘી અપાશે. ઉપરાંત મધ ઉત્પાદક દર્શન ભાલારા દ્વારા ભારતનું સૌથી શુદ્ધ અને મૂલ્યવાન મધ અપાશે. ફાઈનલ મેચ પછી એક જમણવારનું આયોજન હોય છે જેમાં ઉપસ્થિત મહેમાનો ઉપરાંત દરેક ટીમના લોકો અને મીડિયાના અન્ય અનેક મોભીઓ હાજરી આપવાના છે.
આ ટુર્નામેન્ટ ભૂતકાળમાં અનેક વખત યોજાઈ છે પરંતુ કોઈને કોઈ કારણોસર નિયમિત થતી નહોતી. છેવટે વિવિધ મીડિયા ગ્રુપમાંથી વીસેક લોકોની એક કમિટી બનાવી છેલ્લા બે વર્ષથી આ ટુર્નામેન્ટનું નિયમિત આયોજન થઈ રહ્યું છે. કારણ કે, સતત સ્ટ્રેસ નીચે કામ કરતા મીડિયાકર્મીઓ માટે આ આયોજન કોઈ તહેવારથી કમ નથી. સૌ ઉત્સાહભેર ભાગ લે છે અને ખેલભાવનાથી રમે છે.
ટુર્નામેન્ટની બે સેમી ફાઈનલ અને ફાઈનલ મેચને રાત્રીના સમયે ફ્લડ લાઇટમાં રમાડવા માટેનાં પ્રયત્નો ચાલી રહ્યા છે. આ આયોજનને સફળ બનાવવા રાજકોટ મીડિયા કલબના તુષાર રાચ્છ, કિન્નર આચાર્ય તથા સંદિપ રાવલ સહિત અનેક આયોજકો જહેમત ઉઠાવી રહ્યાં છે. સહ આયોજક તરીકે રાજકોટ મહાનગરપાલિકા પણ ઉમદા સહકાર આપી રહી છે.