- હત્યા, અકસ્માત, આપઘાત અને આકસ્મિક મોતના બનાવોથી અનેક પરિવારોના માળા વિખાયા
- સર્વેશ્વર ચોકમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી રકઝક બાદ બજરંગવાડીના
- યુવકને છરી ઝીંકી પતાવી દેવાયો : હત્યારા બાલીની ધરપકડ
રાજકોટ શહેર-જિલ્લામાં દિવાળી પર્વે ગમગીની છવાઈ ગયાના અનેક બનાવો સામે આવ્યા છે. પાંચ દિવસના પર્વમાં જિલ્લામાં બાળક, યુવક, મહિલાઓ સહીત કુલ 58 લોકોના અપમૃત્યુ થયાં છે. હત્યા, અકસ્માત, આપઘાત અને આકસ્મિક મોતના બનાવોથી અનેક પરિવારોના માળા વિખાઈ જતાં તહેવારો ટાણે કલ્પાંત સર્જાયો છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં દિવાળીના તહેવારમાં સિવિલ હોસ્પિટલમાં કાળચક્ર ફરી વળતા પાંચ દિવસમાં 58 લોકોના અપમૃત્યુના બનાવો બનતા તેના પરિવારમાં તહેવારની ઉજવણીને બદલે ગમગીની છવાય હતી. બનાવને પગલે અલગ-અલગ પોલીસ મથકના કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી.
મળતી માહિતી મુજબ રાજકોટ શહેર, જિલ્લા સહિતના વિસ્તારોમાં અપમૃત્યુના બનાવો બન્યા હતા. જેમાં છેલ્લા પાંચેક દિવસમાં 58 જેટલા લોકોના મૃત્યુ થયા હતા. આ અપમૃત્યુના કિસ્સાઓમાં હત્યાથી માંડી હૃદય બંધ પડી જવા સુધીના બનાવો સામે આવ્યા છે.
જેમાં કુવાડવા ગામના મુકેશભાઇ ચૌહાણ, પોપટપરાના વંદનાબેન રાજપૂત, ન્યારા ગામે રહેતા આઠ વર્ષના બાળક પ્રિન્સ, રામનાથપરા જૂની જેલ પાસે ધર્મેશભાઇ જાપડિયા, સોહમ જગદીશભાઇ વાંજા, બજરંગવાડીના રાજેશ ધીરૂભાઇ કુકાવા, નાગેશ્વર સોસાયટીના હરસુખભાઇ હરિભાઇ વિસાવડિયા, બેડીનાકા પાસે રહેતા અશોકભાઇ હરિભાઇ વિસાવડિયા, સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં રહેતા સુભાષભાઇ ગજ્જર,ભીચરી ગામે રહેતા શાંતિબેન ભીલાવર તેમજ જસદણના વલ્લભભાઇ દુદાભાઇ ભાલાળા સહિત 50 લોકોનાં મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે અલગ-અલગ પોલીસ મથકના કર્મચારીઓએ કાર્યવાહી કરી હતી.
રાજકોટ શહેરમાં દિવાળીની રાત લોહિયાળ બની હતી. શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક નજીક મોડીરાત્રિના સમયે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થતાં આ બનાવે મામલો વધુ ગરમાતા મારામારી સુધી પહોંચ્યો હતો અને તેમાં બલીસ પાજીદા ધાબાના સંચાલક બલી દ્વારા ત્રણ મિત્રો પર પોતાની ઇનોવા કાર ચડાવવાનો પ્રયાસ કરી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.
જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવાન ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા હત્યા અંગે ગુનો નોંધ્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપી અમનદીપ ઉર્ફે બલીની ધરપકડ કરી હતી.
જામનગર રોડ પર ઘંટેશ્વર નજીકથી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
- જેતપુર નજીક કારે બાઈકને અડફેટે લેતા દંપતી ખંડિત
- જુનાગઢથી બાવા પીપળીયા ગામે જતી વેળાએ નડીયો અકસ્માત, પતિ નું મોત અને પત્ની ઘાયલ
જેતપુર તાલુકાના બાવા પીપળીયા થી ડેડરવા ગામ વચ્ચે કારે બાઇકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં અતુલભાઇ ઠાકર નામના યુવાનનું મોત નીપજ્યું હતું આ બનાવથી પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે.
વધુ વિગત મુજબ જુનાગઢ ખાતે રહેતા અતુલભાઇ ઠાકર અને તેમના પત્ની કીર્તિબેન જીજે 11 કે 98 42 નંબરનું બાઈક લઈને બાવા પીપળીયા ગામે જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી જીજે 6 એચ એલ 44 20 નંબરની કારે બાઇકને હડ ફેટે લઇ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ધવાયેલા અતુલભાઇ અને કીર્તિબેન ને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.ગંભીર રીતે ધવાયેલા અતુલભાઇ ઠાકર નું મોત નીપજ્યું હતું. આ બનાવમાં પોલીસે મૃતકના સંબંધી રાજેશકુમાર દયાશંકર ઠાકરની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ એમ. કે.રંગપર આ સહિતના સ્ટાફ ચલાવી રહ્યા છે
ખોડિયારનગરમાં યુવાને અને ઘંટેશ્વરમાં મહિલાએ ગળાફાંસો ખાઈ જીવન લીલા સંકેલી
શહેરમાં ભાવનગર રોડ પર ખોડિયારનગરમાં યુવાને તેમજ ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટરમાં મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં ગમગીની છવાય છે. બનાવને પગલે થોરાળા અને ગાંધીગ્રામ પોલીસે આપઘાતના કારણ જાણવા મથામણ કરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખોડિયારનગરમાં રહેતો વિરાજ હરેશભાઇ દેવમુરારી (ઉ.20) એ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે થોરાળા પોલીસ મથકના પીએસઆઇ ધાંધલ સહિતના સ્ટાફે યુવકના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે.જ્યારે બીજા બનાવમાં જામનગર રોડ પર ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટર્સમાં ભાડે રહેતા મીનાબેન દીપકભાઇ તરડિયા (ઉ.37) એ પોતાના ઘેર છતના હૂકમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ગાંધીગ્રામ પોલીસ મથકના જમાદાર રવિભાઇ સહિતના સ્ટાફે તપાસ કરતા મૃતક મહિલાને તેના પતિ કેટલાક વર્ષોથી મૂકી નાસી ગયા હોવાનું અને મહિલા તેના એક પુત્ર અને બે પુત્રી સાથે રહેતા હતા. તા.3ના રોજ સવારે બહારથી પુત્ર ઘેર આવતા માતાને લટકતી હાલતમાં જોઇ દેકારો કરતા લોકો એકઠા થઇ ગયા હતા. જાણ કરતા પોલીસ પહોંચી હોવાનું જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં મહિલાને કેટલાક સમયથી માનસિક બીમારી હોય અને સારવાર પણ ચાલુ હોવાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
ન્યારા ગામના પાટિયા નજીક કારની ઠોકરે આઠ વર્ષીય પ્રિન્સનું કરૂણ મોત : માતા-પિતા ઈજાગ્રસ્ત
જામનગર રોડ પર ન્યારા ગામના પાટિયા પાસે હાથી મસાલા કંપનીના ક્વાર્ટરમાં રહેતા અને નોકરી કરતા પ્રહલાદભાઇ સોંડાભાઇ લકુમ તેની પત્ની પારૂલબેન તથા તેમનો પુત્ર પ્રિન્સ (ઉ.વ.8) તા.4ના રોજ તેનું એક્ટિવા લઇને જામનગર રોડ પર હોટેલમાં જમવા ગયા હતા. ત્યાંથી પરત ઘેર જતી વેળાએ પરાપીપળિયા ગામ પાસે કારે ઠોકરે લેતા ત્રણેય ફંગોળાઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગંભીર ઇજા પામેલા પ્રિન્સનું મોત નીપજ્યું હતું જ્યારે પારૂલબેન ગંભીર હાલતમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. પડધરી પોલીસ મથકના એએસઆઇ ગઢવી સહિતના સ્ટાફે તપાસ કરતા કારમાં અકસ્માત વેળાએ ફુગ્ગો ફુલાઇ જતા કારચાલકને ગેસ ગળતર થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવને પગલે પોલીસે બાળકના પિતાની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે.
કુચિયાદળ નજીક રોડ ક્રોસ કરતી વેળાએ મુકેશ ચૌહાણ પર ખાનગી ટ્રાવેલ્સના પૈડા ફરી વળ્યાં
શહેરમાં કુવાડવા હાઇવે રોડ પર કુચિયાદળ ગામ પાસે રોડ ક્રોસ કરતી વેળાએ ખાનગી બસે ઠોકરે લેતા યુવકનું મોત નીપજ્યું હતું. કારમાં પંક્ચર પડતા ચાલક કાર મૂકી રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન આ બનાવ બન્યાનું બહાર આવતા એરપોર્ટ પોલીસે બસચાલક સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે. મુકેશભાઇ ચૌહાણ કંપનીની કાર લઇને જતા હતા ત્યારે કુચિયાદળ પાસે વિવેકાનંદ કોલેજ નજીક કારમાં પંક્ચર પડતા કાર મૂકી રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન ખાનગી ટ્રાવેલ્સની બસે ઠોકરે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજતા પોલીસ મથકમાં મુકેશભાઇની પત્ની હેતલબેનની ફરિયાદ પરથી બસચાલક સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
હિટ એન્ડ રનના બે બનાવમાં યુવક અને પ્રૌઢ મોતને ભેંટ્યા
રાજકોટની ભાગોળે આવેલા શાપર-વેરાવળના પારડી પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. કારે ઠોકરે લેતા રાજકોટમાં કોઠારિયા સોલ્વન્ટ પાસે રહેતા યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે તેના પિતરાઇ ભાઇને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. કોઠારિયા સોલવન્ટ પાસે સીતારામ મેઇન રોડ પર શિવમનગરમાં રહેતા રામ આશિષ નાનબાબુ શર્મા (ઉ.20) તા.3ના રોજ તેના પિતરાઇ ભાઇ અક્ષય સાથે બાઇક લઇને જતો હતો ત્યારે શાપર પાસે પારડી નજીક પુલ પાસે કારે ઠોકરે લેતા બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા રામ આશિષનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે શાપર-વેરાવળ પોલીસ મથકના એએસઆઇ ચૌહાણ સહિતના સ્ટાફે તપાસ કરતા મૃતક બે ભાઇ એક બહેનમાં મોટો હતો અને તેના પિતા ચાની હોટેલ ચલાવતા હોવાનું અને મૂળ યુપીના હોવાનું પરિવારે જણાવ્યું હતું.અન્ય બનાવમાં કોઠારિયા ગામેની સીમમાં છગનભાઇની વાડીમાં રહેતા અને ખેત મજૂરીકામ કરતા અશ્વિનભાઇ જીણાભાઇ બારૈયા (ઉ.54) તા.1ના રોજ તેનું બાઇક લઇને જતા હતા ત્યારે લાપાસરી ગામની સીમમાં કારની ઠોકરે ચડી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.