- આજના યુગમાં માઁ બાપ બાળ અધિકારનું કેટલું જતન કરે છે : ઘરના વાતાવરણમાં બચપણ છીનવાય ગયું સાથે શાળા કોલેજમાં મેદાનની રમતોનું ગ્રાઉન્ડ પણ અદ્રશ્ય થઈ ગયું: ઇલેક્ટ્રોનિક ગેજેટને કારણે પણ બાળ રમતો પર અંકુશ આવી ગયો છે
- કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન, દેશી રમતો તો સાવ ભૂલાઇ ગઈ એજ મોટી સમસ્યા: પહેલા માઁ બાપ ભરપૂર પ્રેમ કરતા પણ તેના લાડકોડમાં જીદને કોઈ સ્થાન ન હતું, આજે તો એક સંતાનને લાડકોડમાં ચડાવી દેતા માઁ-બાપને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે
આજના આધુનિક યુગના મા બાપો બાળકોનું બાળપણ છીનવી રહ્યા છે, એ વાત ક્યારે સૌને સમજાશે, પહેલાના જમાનામાં બાળકો ગમે ત્યારે, ગમે તે સમયે ઘરમાંથી બહાર રમવા નીકળી પડતા તો પણ કોઈ દિવસ માંદા નહોતા પડતા. આજે જરાક તડકો કે ઠંડીમાં કે બહાર ફલેટ ના ગ્રાઉન્ડમાં ધૂળ વગરના ચોખા ગ્રાઉન્ડમાં પણ રમવા જાય તો માંદા પડી જાય છે. આપણે મોટા આવી રમતોથી જ થયા છીએ પણ આપણા બાળકોને આપણે આ રમતો રમવા દેતા નથી. પહેલા મા બાપ ભરપુર પ્રેમ કરતા પણ લાડકોડમાં જીદને સ્થાન ન હતું, જ્યારે આજે તો એક સંતાનને લાડકોડમાં ચડાવી મારતા ઘણી મુશ્કેલીનો સામનો માં બાપે કરવો પડે છે.
ઘરના વાતાવરણમાં બચપન કે દિન ભુલાયા તો શાળા કોલેજમાં ગ્રાઉન્ડ છીનવાતા આઉટડોર રમત ઝીરો થઈ જતા, આજના વિદ્યાર્થીઓ શારીરિક રીતે નબળા પડી ગયા છે. રમતા રમતા જ ઘણું શીખવા મળતું હતું ને આપણે શીખ્યા પણ ખરા પણ, આજે રમત ભુલાણી તો બચપણ વિસરાયું સાથે શિક્ષણ પણ નબળું પડી ગયું. બાળકોને રમવાનો અધિકાર સાથે ઘણા બાળ અધિકારીઓ આપવામાં આવ્યા છે, પણ શું આપણે તે બધા જ તેમના હકો તેમને આપીએ છીએ ખરા ? આ પ્રશ્નનો જવાબ દરેક મા બાપે પોતાના દિલને પૂછવો જોઈએ.આજનું બાળક જિદ્દી, ચિડિયા સ્વભાવ વાળું અને ગુસ્સો કરનારૂ કદાચ આ બચપણનો અધિકાર છીનવાતા બની ગયું લાગે છે. રમત રમતા કે બાળપણમાં તેની જેવડા બાળકો સાથે રમતો રમતા ઘણા ગુણોનું સિંચન સાથે ઘણી વાતો શીખવા મળતી હતી, એમ મનોવિજ્ઞાન પણ કહે છે. ચાલો આ ગુજરાતી નવા વર્ષના પ્રારંભે આપણા ટબુકડા બાળ મિત્રોના તમામ બાળ અધિકારોનું રક્ષણ અને જતન કરીને તેને ખુશ ખુશાલ બચપણ આપીને શ્રેષ્ઠ નાગરિક બનાવીએ.
બાળકોનાં સર્વાંગી વિકાસમાં રમતોનું મહત્વ વધારે હોય છે. આજકાલનાં બાળકો કે યુવાનોને પહેલાના જમાનાની વાત કરો તો કહેશે કે આવી રમતો કઈ હોતી હશે. કારણ કે એ આપણી દેશી રમતો ઈન્ટરનેટ યુગમાં આજે આથમી ગઈ છે. થોડી ઘણી જાગૃતિને કારણે શાળા કે લોકો આ તરફ વળ્યા છે, એ વાત સારી છે, પણ આજે 80 ટકાથી વધુનાં હાથમાં ‘મોબાઈલ’ આવી ગયો હોવાથી ભયંકર સમસ્યા તેના બાળ વિકાસની છે. રમતોથી થતા વિકાસની તેને કે મા-બાપને ખબર જ નથી. શું આજનાં બાળકોને દેશી રમતોના નામ આવડે છે ? લે જો કયારેક પરીક્ષા પછી ખબર પડશે કે વિકાસની હરણફાળે ઘણું આપણાથી દૂર કરી નાખ્યું તેનો વસવસો, આજે પચાસ વર્ષે માનવી કરી રહ્યો છે.
રમત-ગમતની વ્યાખ્યા સામાન્યરીતે વ્યવસ્થિત, સક્ષમપણે અને કુશળતા પૂર્વક કરાતી શારીરીક પ્રવૃત્તિ તરીકે કરાય છે. જે માટે નિષ્ઠા અને નિષ્પક્ષ રમત જરૂરી છે. ક્ષમતા અને કૌશલ્યોનો વિકાસ થાય છે. જીતવું કે હારવું કોમન મેટર છે. જુદાજુદા પ્રાણીઓનાં અવાજ કાઢવા એ પણ એક પ્રકારની રમત છે. ઈનડોરને આઉટડોર એમ પ્રકારની રમતો હોય છે. પરંતુ આજે તો ઈન્ડોર કે આઉટડોરમાં એક માત્ર ‘સ્માર્ટફોન’ જ જોવા મળી રહ્યો છે. પહેલાની રમતોમા મગજનો વિકાસ-નેતૃત્વ-ખેલદીલી, ભાઈચારો જેવા વિવિધ ગુણોની ખીલવણી કરતાં. દોડવું કે પહાડ ચડવા જેવા બિન સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓ આપણુ શ્રેષ્ઠ મનોરંજન પૂરૂ પાડતી હતી. રમતોમા પ્રતિસ્પર્ધકો અને અધિકારી સામે આદરપૂર્વક વ્યવહારો કરવાને હારે કે જીતે વિજેતાને અભિનંદન આપવા એજ સાચી વાત ગણાય છે. પ્રાચીન કલાકૃતિઓમાં જોશો તો હજારો વર્ષ પહેલા રમતોનું વિશેષ મહત્વ હતુ. શારીરીક કસરતો લોકપ્રિય હતી, તરણ-ભાલાફેંક ઉંચો કુદકો, કુશ્તી જેવી રમતોનો સમાવેશ થતો હતો.
આપણી દેશી રમતો કે જેની આસપાસ આપણે મોટા થયા તે છૂટપીટ, ખુચામણી, આંધળોપાટો, દોડ, નારગોલ, કબડી, પાંચીકાની રમત, ક્રિકેટ, ખોખો, રૂમાલદાવ, ચોપાટ, ઈસ્ટો, કોથળા દોડ, લીંબુ ચમચી જેવી વિવિધ રમતો આજનાં બાળકોને યાદ જ નથી. ચોમાસામાં ગારો ખુંદતા ને પાણીમાં કાગળની હોડી મૂકીને ભાઈ બંધોની ટોળી બનાવી પાછળ દોડતા એ પણ રમતો હતી. નીશાળે છૂટીને લેશન કે ટયુશનની ચિંતાજ નહોતી કારણ કે ત્યારે એનું અસ્તિત્વ જ ન હતુ. લેશન કયારે થઈ જતું કે કરતાં નહીં તેની ખબર જ ન રહેતી.. મિત્રોની ટોળી બનાવીને કુતરાને સાથે લઈને એક શેરીમાંથી બીજી શેરીમાં જતાને મોજ મઝા કરતાં એટલે જ આજે આપણે જગજીતની ગઝલની જેમ વાત કરતાં કહીએ મગર મુજકો લૌટા દો ‘બચપન’ કા સાવન ‘કોઈ લૌટા દે મેરે બીતે હુએ દીન.. આજના બાળકોને આ આનંદ ખબર જ નથી. આપણે તેને આપણે માણેલું ‘બચપન’ તેને આપવું જ પડશે.
એ જમાનાનું બાળપણ જેને માણ્યું છે તેજ આજે સુખી છે, ‘પૂછી જો તમારી જાતને દિલને’ પછી કહેશો “સચ્ચીબાત”. આજે તો મા-બાપ જ તડકામાં રમવાની ના પાડે, ધૂળમાં રમવા ન જવા દે, વરસાદમાં ન્હાવા ન જવું, જેવી પાબંદીઓને કારણે તેનો વિકાસ રૂંધાય છે. આજનો બાળક શાળા, ટયુશન, હોમવર્કમાંજ દિવસ પૂર્ણ કરીને થાકીને સૂઈ જાયને, સવારે એજ વોહી રફતારમાં કયારે મોટો થઈ જાય છે, તે તેને પણ ખબર પડતી નથી. બાળપણનાં દિવસોમાં 90 ટકા મગજનો વિકાસ થાય છે. આજનો બાળક યંત્રવત થયો ને પૂસ્તકિયા જ્ઞાનમાં ગોખણીયો થઈ ગયો છે, બાકી રમતોમાં ‘મીડું’ કે ઝીરો જ છે. આપણે તેને દેશી રમતોમાં રસ લઈને રમતો, કૂદતો, કૂદરતનાં ખોળે રૂમઝૂમ કરીને ઝીરોમાંથી હિરો બનાવવો જ પડશે. આજે મોબાઈલમાં દેશી રમતોનો વિડિયો જોઈને રમત રમવા પ્રેરાય પણ મા-બાપ ને ટાઈમ કયાં છે? જૂની રમતો , જૂની યાદો સાથે મારૂ ખોવાયેલું બાળપણ જયારે યાદ આવે ને ત્યારે તો વૈભવી સુખ સાથે ભાઈ બંધોની ટોળી યાદ આવી જાય છે.
દરેક બાળકોમાં કંઈકને કંઈક શકિતઓ પડેલી હોય છે. આવી રમતો જ તેને બહાર લાવે છે. હાથીભાઈતો જાડા, એક બિલાડી જાડી, ઢીગલી મારી ખાતી નથી જેવા બાળગીતો,ને સમુહમાં રમાતી અંતાક્ષરીનો આનંદ અનેરો હતો. ગોળ રાઉન્ડમાં પડેલી દશ બાર લખોટીમાંથી કહે તેજ કલરની લખોટીને દૂરથી નિશાન લગાવીને ટાંકવાની કલાથી જીતવાનો આનંદ શેર લોહી ચડાવી દેતો. બાકસના ખોખાની છાપ, આંબલી ઉપર ચડીને કાતરા ખાવા જેવી મઝા આજનો ટેણીયો કયાં માણી શકે છે. ઠેરી, કોડી, કપડામાંથી બનાવેલ દડો, ભમરડો જેવા વિવિધ વસ્તુના સહારે કલાકો સુધીની રમતો રમતા ને આનંદ માણતા ને કોઈ ટેન્સન જેવું કંઈ હતુ જ નહી છતાં, રાજા જેવી જીંદગી ‘ભાઈબંધો’ સાથે માણતા ને ગમે તે ખોરાક ખાઈ શકવાની શકિત ધરાવતા હતા. કયારેય માંદા પડતા નહી, પડવું પણ સહન કરી લેતા કેતા નહી, બસ એક જ લીટીની બાળપણની ગીતાજી એટલે ‘આનંદ આનંદ આનંદ ન કોઈ ચિંતા ન કોઈ દુ:ખ થોડામાં પણ શ્રેષ્ઠ જીવન જીવતો બાળક આજે પણ દિવસો યાદ કરીને રડી પડે છે.આજે વૈભવી સુખમાં બધુ જ છે. પણ એ આનંદ નથી, એ મિત્રોની ટોળી નથી, કાંઈ છે જ નહી એમ કહીએ તો પણ ચાલે છે ફકત યાદે યાદેયાદે….. અબ તો યાદો કી બારાત ચુત ગઈ .
અને છેલ્લે……
ચાલને આજે ફરી ભાઈ બંધીની ટોળી બનાવીને જઈએ ખૂલ્લા ગ્રાઉન્ડમાં દોડીએ, કુદયે, કરી ધમપછાડા, હોળીના છાણા ચોરવા કે કપાતી પતંગ પકડવાની મઝા હતી…. આવું તો ઘણું બધું હતું પણ, સાચું કહું તો ત્યારે હું સાચુ જીવતો હતો, આજે તો જીવવાનો દેખાડો કરી રહ્યો છું.