- શિયાળાની ઋતુનું આગમન હવે થવા જઈ રહ્યું છે. જેને લીધે દર વર્ષની માફક આ વર્ષે પણ જામનગરમાં પણ તિબેટીયન લોકોનું આગમન થઈ ગયું છે અને ગરમ કપડાંનું માર્કેટ પણ શરૂ થઈ ગઈ છે. જામનગરમાં તિબેટીયનના 24 જેટલા પરિવારો આવ્યા છે અને ગરમ કપડાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ વર્ષોથી અહીં એક જ ભાવમાં ઠંડી સામે રક્ષણ આપતા કપડાઓનું મોટા પાયે વેંચાણ કરી રહ્યા છે. ત્યારે હાલ ઠંડીનું પ્રમાણ વધતા ઘરાકીની મોસમ પણ ધીમે પગલે વધી રહી છે, જેને લઈને આ લોકો અહીં આવીને કપડાં વેચી રહ્યા છે.
ત્યારે હાલ સ્વેટર, મફલર, સ્કાફ, મોજા સહિતની વસ્તુઓની ખરીદીમાં પણ ધીમે ધીમે ચમકારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ જામનગરમાં વિભાજી હાઇસ્કુલ સામે આ માર્કેટ ભરાઈ છે જેમાં એકથી એક ચડિયાતી વેરાયટીમાં બાળકોની લઈ વડીલો સુધી તમામ લોકોના અવનવા ગરમ કપડાં મળે છે. આ ગરમ કપડાં વેપારીઓ લોન ઉપર લઈને આવે છે અને અહીંથી વેચાણ થયા બાદ નાણાંની ભરપાઈ કરે છે. ભારતના ગરમ કપડાં માટેના ખ્યાતનામ સ્થળ પંજાબ, દિલ્હી અને પાલિતાણા સહિતના સ્થળોએથી કપડાની ખરીદી કરી જામનગર સહિતના જિલ્લાઓમાં વેંચવામાં આવે છે.
ખરેખર તિબેટીયન લોકો ખુબ જ ઓછા હોય છે, પરંતુ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબના લોકો હવે ગુજરાતમાં આવી રહ્યાં છે. ઠંડા પ્રદેશોમાં ગરમ કપડાંનું વેચાણ વધુ હોવાથી ત્યાંના લોકો શિયાળો શરૂ થતાં જ ગુજરાત આવે છે.
ત્યારે આ અંગે વાતચીત કરતા તિબેટીયન રેફ્યુજી લ્હાસા માર્કેટના પ્રમુખ દુર્જી ચેમ્પિયલએ જણાવ્યું કે હાલ આ માર્કેટમાં 24 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. 25 વર્ષથી અહીં સ્ટોલ લગાવીએ છીએ. જામનગર રાજવીની જમીનમાં 1988 વર્ષથી સ્ટોલ લાગી રહ્યા છે. તેઓ જામસાહેબ બાપુના આભારી છે કે, જેમને આ જગ્યા આપી છે, જેથી આ તિબેટીયન પરિવારનું ગુજરાન ચાલી શકે છે. તિબેટીયન પરિવારનો મુખ્યત્વે ધંધો ગરમ કપડાં વેચવાનો જ છે, જેનાથી થકી જ અમારા પરિવારનું ગુજરાન ચાલે છે. હિમાચલ પ્રદેશ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ અને કોઈ સાઉથ ઈન્ડિયાથી આવે છે. વારના સભ્યો વધેલો માલ લઈને પોતાના ઘરે પરત ફરે છે. કેટલાક લોકોજ્યારે શિયાળાની ઋતુ પુરી થાય ત્યારે આ ફરી પોતાના આ ગરમ કપડાંનો સામાન બીજી જગ્યાએ લઈને જાય છે જ્યાં વેચી અને તેના પરિવારનું ગુજરાન ચલાવે છે.
આ ઉપરાંત ગ્રાહક અંજલી પરમારે જણાવ્યું કે અમે દર વર્ષે અહીં જ ખરીદી કરવા આવીએ છીએ કારણ કે તે વિશ્વસનીય સ્થળ છે અને છેલ્લા ૨૫ વર્ષથી તેઓને વેપારનો અનુભવ છે. જેને લઈને અમને છેતરાવાનો ડર લાગતો નથી. અને એક થી એક ચડિયાતી વેરાઈટીઓ પણ મળે છે.
સાગર સંઘાણી