બેસતુ વર્ષ એટલે ગુજરાતીઓનું નવું વર્ષ અને આ નવા વર્ષે સંકલ્પ લેવાની આપણી વર્ષો જૂની આદિકાળથી પરંપરાઓ ચાલી આવે છે. લોકો પોતાનામાં રહેલા દુર્ગુણને દૂર કરવાનો સંકલ્પ લેતા હોય છે, વ્યસનથી દૂર રહેવાનો અમુક લોકો સંકલ્પ લેતા હોય છે. જ્યારે અમુક લોકો લક્ષ્યને સિદ્ધ કરવા માટેના સંકલ્પ લેતા હોય છે. તે જ રીતે વિદ્યા અંગેના પણ કેટલાય લોકો સંકલ્પ લેતા હોય છે. આમ સંકલ્પ સાથે નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. ત્યારે ધર્મરક્ષા કાજે યુવાનોએ કેવા સંકલ્પ લેવા જોઈએ? તે માટે જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે શું કહ્યું? આવો જાણીએ વિસ્તારથી.
જામનગરની ધરતી પર પધારેલા જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે જણાવ્યું હતું કે, “નવા વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે દરેક લોકોએ પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ, કર્તવ્યનું પણ પાલન કરવું જોઈએ અને સદાચારનો આશ્રય લઈ જીવન વિતાવવું જોઈએ. આપણે સનાતન ધર્મને સમજી તથા હિન્દુ અને હિન્દુત્વના મહત્વને સમજીને તેનું સચોટ પાલન કરવું જોઈએ. જગતગુરૂ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે સનાતન ધર્મના લોકોને નવા વર્ષનો સંદેશ પાઠવતા કહ્યું હતું કે દરેક લોકોએ ધર્મ, કર્તવ્યના પાલન સાથે સદાચારનો આશરે લઈ જીવન વિતાવવું જોઈએ.
માત્ર આ વર્ષે જ નહીં પરંતુ વર્ષો વર્ષે અને આખી જિંદગી આપણા ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ અને બીજાના ધર્મને અપનાવવો જોઈએ નહીં. આપણા કર્તવ્યનું પાલન કરતા કરતા આપણે દેશ અને રાષ્ટ્ર માટે સૌથી શ્રેષ્ઠ શું કરી શકીએ? તેનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે દુનિયામાં અન્ય જીવ પાસેથી કોઈ આશા રાખી શકાય તેમ નથી. કારણ કે પરોપકારના કાર્યો મનુષ્ય જ કરી શકે. આથી મનુષ્યએ સમાજ કલ્યાણ માટે હંમેશા જહેમતશીલ રહેવું જોઈએ.”
મનુષ્યએ માનવતા એટલે કે માનવ ધર્મ અને નૈતિકતાનું પાલન ખુદ કરવું જોઈએ અને લોકોને પાસે પણ કરાવવું જોઈએ. આગામી પેઢી એટલે કે યુવાઓમાં ધર્મનો પ્રવેશ થાય તે માટે તમે આમ લોકોએ પ્રયાસ કરવો જોઈએ તે જ આ નવા વર્ષનો શુભ સંદેશ અને સંકલ્પ છે તેવું અંતમાં ગુરુજીએ જણાવ્યું હતું.
સાગર સંઘાણી