સુરતમાં આવેલી ડાયમંડ હોસ્પિટલમાં દિવાળીના એક જ દિવસમાં 19 ડિલિવરી થતા હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખીલખિલાટથી ગુંજી ઉઠ્યું હતું. ત્યારે 19 ડિલિવરીમાં 10 દીકરી અને 9 દીકરાનો જન્મ થયો છે. તેમજ બાળકો-બાળકીઓના જન્મ થતાં હોસ્પિટલના સ્ટાફ તેમજ દંપતીઓમાં હર્ષનું મોજું ફરી વળ્યું છે. આ સાથે જન્મેલાં તમામ બાળકો સ્વસ્થ છે. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલમાં દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.

સુરતમાં આવેલી ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃ રામુબા તેજાણી અને માતૃ શાંતાબા વીડીયા હોસ્પિટલમાં 31 ઓકટોબર 2024ના રોજ એક જ દિવસમાં એટલે કે 24 કલાકમાં ટોટલ 19 ડિલિવરી થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખીલખીલાટથી ગુંજી ઉઠ્યું હતું. 19 ડિલિવરીમાં 10 દીકરી અને 9 દીકરાનો સમાવેશ થાય છે.

CHILDREN

ડાયમંડ હોસ્પિટલના 11 વર્ષના ઈતિહાસમાં ગત વર્ષે 2023માં 30 ડિલિવરી સાથે સુરતમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. જ્યારે આ વર્ષે 2024માં દિવાળીના એક દિવસમાં 19 ડિલિવરીને લઈ હોસ્પિટલના તબીબો અને સ્ટાફમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોક્ટર અને સ્ટાફના આ ઉમદા કાર્ય બદલ સૌને અભિનંદન સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ડાયમંડ હોસ્પિટલથી મળતી માહિતી પ્રમાણે, આ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીનો ચાર્જ 1800 રૂપિયા છે અને દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, તેમજ સિઝેરિયન ડિલિવરીનો ચાર્જ માત્ર 5 હજાર રૂપિયા છે. તેમજ આ હોસ્પિટલમાં કોઈ પણ દંપતીને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી 1 લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં હજારો દીકરીઓને કરોડોના બોન્ડ આપી દીધા છે. ભારત સરકારના બેટી બચાવો બેટી વધાવો યોજનાને સાર્થક કરવામાં હોસ્પિટલ દ્વારા સહભાગી બનીને સમાજને એક નવી રાહ ચીંધી છે.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.