• વિક્રમ સંવત 2081નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે
  •  દિપાવલી અને નૂતન વર્ષ પ્રકાશ પર્વ સાથે ગુજરાતના વૈશ્વિક વિકાસની ઉન્નતિનું પર્વ બને
  • વિકસિત ભારત @2047 ના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવા વિકસિત ગુજરાતના નિર્માણ માટે સંકલ્પ કરી

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઈ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દીપાવલી પર્વ અને વિક્રમ સંવત 2081 ના નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.

મુખ્યમંત્રીએ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, દીપાવલીની દીપમાળા, અંધકારથી ઉજાસ તરફની ઉર્ધ્વગતિ અને સકારાત્મક દ્રષ્ટિકોણની પ્રેરણા આપે છે. તેમજ મુખ્યમંત્રીએ  શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત @2047 ના વિઝનને સાકાર કરવા અર્નિંગ વેલ, લિવિંગ વેલના કર્મમંત્ર સાથે વિકસિત ગુજરાત @2047નો રોડમેપ બનાવનારું દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે.

વડાપ્રધાનનું આ વિઝન વિકસિત ગુજરાતથી પાર પાડવા સૌ ગુજરાતીઓ નૂતન વર્ષે સંકલ્પબદ્ધ બને તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. વિઝનરી લીડર અને લોકપ્રિય વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ રાજ્યના વિકાસના નાંખેલા મજબૂત પાયાને દરેક ગુજરાતી બાંધવોના સહિયારા પ્રયાસથી આપણે સાતત્યપૂર્ણ વિકાસની વૈશ્વિક બુનિયાદ બનાવવી છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું છે.

દિવાળીના આ પર્વે જન-જનનાં મનમાં સકારાત્મકતાની ઉમંગ જ્યોત ઝળહળતી થાય તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી છે. આવનારું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે તેવી મંગલ કામનાઓ પણ મુખ્યમંત્રીએ દર્શાવી છે. ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને વધુને વધુ આગળ ધપાવવાના દૃઢ સંકલ્પ સાથે સૌ કૃતનિશ્ચયી બની દીપોત્સવના વધામણાં કરે તેવી અંતરની શુભકામનાઓ પણ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે દીપાવલી સંદેશમાં પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.