- 108 એમ્બ્યુલન્સની ટીમ પણ તમામ તૈયારીઓ સાથે ખડેપગે રહેશે
- ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા 55 તબીબોની યાદી જાહેર કરવામાં આવી
દર વર્ષે દિવાળીના સમયે વેકેશનમાં તબીબો હાજર રહીને લોકોની સારવાર માટે તત્પર રહેતા હોય છે. સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટરો હાજર હોય છે આ સાથે જ ખાનગી તબીબો પણ હાજર રહેતા હોય છે. સુરત શહેરના 55 જેટલા તબીબો દિવાળી વેકેશનમાં દર્દીઓની સારવાર માટે હાજર રેહાવાના છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા 55 તબીબોની યાદી જાહેર કરવામાં આવી છે. આ સાથે જ 108 એમ્બ્યુલન્સની ટીમ પણ તમામ તૈયારીઓ સાથે ખડેપગે રહેશે.
ત્યારે આ અંગે વાતચીત કરતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 31મી ઓકટોબર (દિવાળી)થી 6 નવેમ્બર (લાભપાંચમ) સુધી દિવાળી વેકેશન હોવાથી સુરત શહેરના નાગરિકોને મેડીકલને લગતી કોઈપણ તકલીફ ન પડે તે માટે ઈન્ડિયન મેડીકલ એસોસિએશનના સભ્યો દ્વારા 55 ડૉકટરો પોતાની હોસ્પિટલ/કલીનીક ચાલુ રાખશે.
સુરતમાં દિવાળીના દિવસોમાં કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવને પોહચી વળવા માટે સુરત 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તેમજ દવાનો બમણો સ્ટોક પણ મંગાવી દેવામાં આવ્યો છે. દિવાળીના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા માટે, શોપિંગ કરવા માટે તેમજ પરિવાર સાથે જમવા માટે જતાં હોય છે. ત્યારે મોટી સંખ્યામાં રોડ અકસ્માતના બનાવો બનતા હોય છે. તેમજ લોકો ફટાકડા ફોડતા હોય છે. ત્યારે કોઈપણ વ્યક્તિ દાઝી જાય તેમજ આગ લાગવાના બનાવોમાં ઈજાગ્રસ્ત થતાં હોય છે.
લોકોને તાત્કાલિક ધોરણે સારવાર મળી રહે તે માટે સુરત 108 એમ્બ્યુલન્સ દ્વારા ઑક્સિજન બોટલ, ઑક્સિજન માર્કસ, દવાની બોટલ તેમજ ઇન્જેક્શન સહિતની તમામ દવાઓનો બમણો સ્ટોક કરી દેવામાં આવ્યો છે. તેમજ તમામ કર્મચારીઓની રજા કેન્સલ કરી દેવામાં આવી છે. સામાન્ય દિવસોમાં 400 જેટલી ઇમરજન્સી આવતી હોય છે. તે તહેવારોના દિવસોમાં 17 ટકા જેટલી વધી જતી હોય છે.
આ સાથે જ અભિષેક ઠાકર (108 જિલ્લા પ્રોજેક્ટ મેનેજર)એ જણાવ્યું હતું કે, આગામી દિવાળી સહિતના પર્વને લઈને 108 એમ્બ્યુલન્સ ની ટીમ સતત ખડે પગે રહે છે. સુરત શહેરની 45 સહિત 62 જેટલી 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહેશે. સામાન્ય દિવસોમાં 400 જેટલી ઇમરજન્સી ના કેસ નોંધાતા હોય છે. આ દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજના દિવસો દરમિયાન આ કેસો વધીને 500 સુધી થઈ જતા હોય છે.