• સત્યસાંઇ રોડ અને પેડક રોડ બાદ રેસકોર્ષમાં પણ બોક્સ ક્રિકેટ સામે વાંધો ઉઠતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કરી ઘોષણા, હવે કોર્પોરેશન બોક્સ ક્રિકેટ નહિં બનાવે
  • 48 રાજમાર્ગો પર સ્પીડબ્રેકર ઉપર થર્મોપ્લાસ્ટથી રોડ માર્કીંગના કામ સામે ગુણવત્તા સહિતના પ્રશ્ર્નો ઉભા થતા રિ-ટેન્ડરીંગના આદેશ: તમામ 18
  • વોર્ડમાં શેરી-ગલ્લીઓ અને સોસાયટીઓમાં સ્પીડબ્રેકરો પર સફેદ પટ્ટા અને રેડીયમ પટ્ટી લગાવવાના કામનું એકસાથે ટેન્ડર પ્રસિદ્વ કરવા તાકીદ

રાજકોટ મહાનગરપાલિકામાં આજે ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 49 પૈકી 47 દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. બોક્સ ક્રિકેટનો પ્રોજેક્ટ કોર્પોરેશન દ્વારા પડતો મુકવામાં આવ્યો છે. તેવી ઘોષણા ચેરમેન દ્વારા કરવામાં આવી છે. 48 રાજમાર્ગો પર સ્પીડબ્રેકરો ઉપર થર્મોપ્લાસ્ટથી માર્કીંગ કરવાના કામની ગુણવત્તા સામે સવાલ ઉઠતા રિ-ટેન્ડરીંગનો આદેશ આપવામાં આવ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યું હતું કે ક્રિકેટપ્રેમીઓ માટે બોક્સ ક્રિકેટની સુવિધા ઉભી કરવાની ઘોષણા કોર્પોરેશન દ્વારા બજેટમાં કરવામાં આવી હતી. દરમિયાન વેસ્ટ ઝોનમાં સત્યસાંઇ રોડ પર આત્મીય કોલેજની પાછળ બનાવવામાં આવનાર બોક્સ ક્રિકેટ અને ઇસ્ટ ઝોનમાં પેડક રોડ પર અટલ બિહારી વાજપેયી ઓડિટોરીયમની પાછળ નિર્માણ પામનાર બોક્સ ક્રિકેટ સામે વિરોધ ઉઠતા બંને સ્થળે બોક્સ ક્રિકેટ બનાવવાનું કેન્સલ કરવામાં આવ્યું હતું. દરમિયાન રેસકોર્ષમાં બોક્સ ક્રિકેટ બનાવવા માટે ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. અહિં કલ્પના ચાવલા મહિલા ગાર્ડન પાસે બોક્સ ક્રિકેટ બનાવવાનું હતું. જે સંકલનની બેઠકમાં વ્યાજબી ન લાગતા અંતે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે કોર્પોરેશન દ્વારા હવે બોક્સ ક્રિકેટ બનાવવામાં આવશે નહિં. કારણ કે આ એક પ્રકારનું ન્યૂસન્સ ઉભું કરે છે. મોડી-મોડી રાત સુધી બોક્સ ક્રિકેટ ધમધમતા રહે છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા લોકોએ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. સ્પોર્ટ્સ એક્ટિવીટી માટે યોગ્ય પ્લેટફોર્મ પુરૂં પાડવું તે કોર્પોરેશનની ફરજ છે પરંતુ મનોરંજન માટે બોક્સ ક્રિકેટ બનાવવું વ્યાજબી ન જણાતા આ પ્રોજેક્ટ પડતો મુકાયો છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે શહેરના તમામ 48 મુખ્ય રાજમાર્ગો પર થર્મોપ્લાસ્ટથી રોડ માર્કીંગ કરવા અને રેડીયમ પટ્ટી લગાવવા માટે રૂ.1.07 કરોડનો ખર્ચ મંજૂર કરવાની દરખાસ્ત આવી હતી. મુખ્ય રાજમાર્ગો પર સ્પીડબ્રેકરની સંખ્યા ખૂબ ઓછી છે. સ્પીડબ્રેકર જે સફેદ પટ્ટા કરવામાં આવે છે અને નાઇટ વિઝન માટે જે રેડીયમ પટ્ટી લગાવવામાં આવે છે. તેની ગુણવત્તા ખૂબ જ હલકી હોય છે અને એક મહિનામાં તે ઝાંખા પડી જાય છે. જેના કારણે દરખાસ્ત નામંજૂર કરી રિ-ટેન્ડરીંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથોસાથ આ કામ હવે માત્ર શહેરના મુખ્ય 48 રાજમાર્ગો નહિં પરંતુ તમામ ત્રણેય ઝોનના 18 વોર્ડની શેરી-ગલ્લીઓ અને સોસાયટીઓમાં આવેલા સ્પીડબ્રેકર પર વાઇટ કલરના પટ્ટા મારવા અને રેડીયમ પટ્ટી લગાવવા સાથેના કામનું ટેન્ડર પ્રસિદ્વ કરવું. જેમાં મેટ્રો સિટીમાં થતા કામ મુજબ કાર્યવાહી કરવી અને ઓછામાં ઓછા એક વર્ષ સુધી સફેદ પટ્ટા કે રેડીયમ પટ્ટી ન નીકળે તેની જવાબદારી સાથે કોન્ટ્રાક્ટ આપવાનું સૂચન કરવામાં આવ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.