- મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત વધુ 16 ગૌશાળા-પાંજરાપોળના 26 હજારથી વધુ પશુઓ માટે રૂ. 7.13 કરોડની સહાય ચૂકવાઈ
- વર્ષ 2024-25ના પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં કુલ 1,471 ગૌશાળા-પાંજરાપોળના 4.40 લાખથી વધુ પશુઓના નિભાવ માટે રૂ. 120 કરોડથી વધુની સહાય અપાઈ
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની બીજી બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષ 2024-25ના પ્રથમ તબક્કામાં એટલે કે, એપ્રિલ-2024થી જૂન-2024માટે રાજ્યની વધુ 16 ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ ગૌશાળા અને પાંજરાપોળના આશરે 26,000થી વધુ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૭.૧૩ કરોડની સહાય ચૂકવવામાં આવી છે, તેમ ગૌસેવા આયોગની અખબારી યાદીમાં જણાવાયું છે.
આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે વર્ષ 2024-25ના પ્રથમ તબક્કા હેઠળ અત્યાર સુધીમાં રાજ્યની 1471 ગૌશાળા-પાંજરાપોળના આશરે 4.40 લાખથી વધુ પશુઓના નિભાવ માટે કુલ રૂ. 120કરોડથી વધુની સહાય DBTના માધ્યમથી સીધી સેવાભાવી સંસ્થાઓના ખાતામાં ચૂકવવામાં આવી છે. જેના પરિણામે રાજ્યની તમામ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય આપી, આર્થિક રીતે મદદરૂપ થવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ ખરા અર્થમાં ચરિતાર્થ થઈ રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શક નેતૃત્વ તેમજ પશુપાલન મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં રૂ. 500કરોડના પ્રાવધાન સાથે ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ શરુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળા કે પાંજરાપોળ દ્વારા ગાય અને ભેંસ વર્ગના પશુઓનો નિભાવ કરવામાં આવતો હોય, તેવી સેવાભાવી સંસ્થાઓને ગૌવંશના પોષણ અને નિભાવ માટે દૈનિક પશુદીઠ રૂ. 30 લેખે આર્થિક સહાય આપવામાં આવે છે.