- નાના માણસની મોટી બેંકમાં હોબાળો મચ્યો
- કાવડ પ્રત્યેનો હોદ્ેદારોનો વિશેષ પ્રેમ બેંકને મુશ્કેલીમાં મૂકી દેશે?
- કલેક્ટર પ્રભવ જોષીના ન્યાયપૂર્ણ ચુકાદાને આવકારતો નાગરિક બેંક બચાવો સંઘ
મતદારો (ડેલિગેટ્સ)ની અંતિમયાદી જાહેર કરતા પૂર્વે ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા જિલ્લા કલેક્ટરે સર્વ કાયર હર્ષિતભાઈ પી., રાઈઠઠ્ઠા ભાવેશભાઈ એ., હિંશુ જસ્મીનભાઇ જે., પુજારા કિશોરભાઈ જે, ખૂંટ કરસનભાઈ એ. ને કાયદાકીય રીતે ગેરકાયદેસર ઠરાવતા ગુજરાતના સહકારી જગતમાં ભૂકંપ સર્જાયો છે.
ઉપરોક્ત બાબતે જાણીતા ઉદ્યોગપતિ અને ડેલિગેટ દીપકભાઈ અગ્રવાલે આ કાયદેસરના વાંધાઓ રજુ કરેલ હતા અને તેમના દ્વારા પ્રખર ધારાશાસ્ત્રી રવિભાઈ ગોગીયાએ ધારદાર દલીલો રજુ કરી સફળતા પ્રાપ્ત કરેલ છે.
દેશની અગ્રણી અને સીતેર વર્ષ જૂની રાજકોટ નાગરિક સહકારી બેંકના તમામ 21 ડિરેક્ટરોની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ 4 નવેમ્બરથી ભરવાના છે. બેંકના ત્રણ લાખ સાડત્રીસ હજાર સભાસદોના પ્રતિનિધિઓ તરીકે 337 ડેલિકેટ્સ એટલે કે મતદારોની યાદી ગયા સપ્તાહે જાહેર થયેલ જેની સામે વાંધા અરજીઓ આવતા ઉપરોક્ત ડેલિગેટ ગેરકાયદેસર ઠરાવવામાં આવેલ છે. બેંકની મુંબઈની કાલબાદેવી બ્રાન્ચ તેમજ જૂનાગઢ બ્રાન્ચમાં શ્રેણીબદ્ધ લોન ખાતાઓના કૌભાંડો બહાર આવ્યા છે. અન્ય બ્રાન્ચોમાં પણ કરોડોની લોનો અંગે ભારે કુશંકાઓ છે. નાગરિક બેંકમાં 4-5 લોકોની ટોળકીએ કબજો જમાવી દીધેલ છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નાગરિક બેંકને ચોક્કસ અલ્ટીમેટમ આપી દીધેલ છે. થાપણદારો સભાસદો, ગ્રાહકો, કર્મચારીઓ તેમજ શુભચિંતકો વિગેરેનો મળીને દસ લાખ ઉપરનો પરિવાર ધરાવતી તેમજ દશ હજાર કરોડથી વધુનો બિઝનેસ ધરાવતી રાજકોટ નાગરિક બેંક છેલ્લા કેટલાક સમયથી કાયદાઓ અને નિયમોનો ભંગ કરતી હોવાથી સહકારી ક્ષેત્ર તેમજ બેન્કિંગ જગત હત-પ્રજ્ઞ છે. “વિના સંસ્કાર નહીં સહકાર” બૌદ્ધિક ઉપદેશો આપનારા ચહેરાઓના નકાબ એક પછી એક ઉતરી રહેલ છે અને કુ-સંસ્કારો જગજાહેર થતા જાય છે. જે વિચારધારા સાથે આ બેંકનું નામ સંકળાયેલ છે. તે સંગઠનો પણ આંતરિક રીતે ચિંતા કરી રહેલ છે, પરંતુ હજી સુધી જરૂરી ઓપરેશન કરી શક્યા નથી, તે હકીકત છે. નાગરિક બેંક બચાવો સંઘના પૂર્વ કર્મચારીઓ તેમજ સામાજિક અગ્રણીઓ વગેરે જાહેરમાં કે ખાનગીમાં જોડાયેલા છે તે તમામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાને સમર્પિત સ્વયંસેવકો અને કાર્યકર્તાઓ જ છે. નાગરિક બેંકને પોતાની માતૃ સંસ્થા માનીને સમર્પિત થઈ ગયેલા સંઘના સદસ્યો નિસ્વાર્થ કર્મયોગીઓ જ છે
નાગરિક બેંક બચાવો સંઘના અગ્રણીઓ સર્વ ચંદુભા પરમાર, વિબોધ દોશી, ખેંગાર યોગીજી, મુન્નાભાઈ રાવલ, ઉમેશ દફતરી, લક્ષ્મણ મકવાણા, તેમજ વિશ્ર્વેશ ધોળકિયાએ સંયુક્ત રીતે જણાવે છે કે અમોને ભૂતકાળમાં બેંકેમાઁ જેટલું વાત્સલ્ય તેમજ સઘળું આપેલ છે, ત્યારે સંતાન ધર્મ બજાવો તે અમારા માટે કર્તવ્ય સમાન છે. બેન્કિંગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની ગાઈડ લાઈન, બેંકની જૂની અને ભવ્ય પરંપરા અને કાર્ય પદ્ધતિથી સંપૂર્ણપણે વિમુખ થઈ સહકારી ક્ષેત્રમાં પોતાની ખાનગી ભાગીદારી પેઢી ઊભી કરનારાઓ અને તેની સાથે સંકળાયેલા તમામ લોકોને બેંકમાંથી દૂર કરવા એ બેંકના અસ્તિત્વને ટકાવી રાખવા માટે અનિવાર્ય છે. મંદિર જેવી પવિત્ર નાણાકીય સંસ્થાને સ્વાર્થી ભ્રષ્ટાચારી, સત્તાલાલસુઓ તેમજ અહંકારી લોકોએ બેંકને દાવ ઉપર લગાડી દીધેલ છે. બેંકમાં જે સાડા છ હજાર કરોડ જેટલી લાખો લોકોની થાપણ ( ફિક્સ ડિપોઝિટ ) પડેલ છે તે નાના માણસોની લોહી- પસીનાની જીવનભરની કમાણી છે અને તે તેની મરણ મૂડી છે. ઉઠી કે ડૂબી ગયેલી અનેક સહકારી બેન્કોના લિસ્ટમાં નાગરિક બેંકનું નામ ન ઉમેરાય તે માટે સંઘ સંકલ્પબધ્ધ છે. આ માટે પ્રમાણિક, કુશળ, નિસ્વાર્થી એવા અનેક ડેલિકેટો મોટી સંખ્યામાં છે અને તેઓએ ચૂંટણી જીતીને બેંકનું સંચાલન સંભાળી લેવું પડે તેમ છે. અન્યથા નજીકના મહિનાઓ કે વર્ષોમાં બેંકનું સંચાલન રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના વહીવટદારને પણ સોપાઈ જાય તેવી નાગરિક બેંક બચાવો સંઘના અગ્રણીઓએ દહેશત વ્યક્ત કરેલ છે. હાલમાં કોઈ થાપણદારને ગભરાવાની કે ડરવાની જરૂર નથી. તેમ ભારપૂર્વક સંઘે જાહેર કર્યું છે. પરંતુ બેંકને લાગેલું આ કેન્સર કે ઉધ્ધયનું ઓપરેશન સત્વરેનો થાય તો અંધકારમય ભવિષ્ય અંગે ઘેરી આશંકાઓની દહેશત વ્યક્ત કરેલી છે.