- અમદાવાદ-કેશોદ-દીવ ફ્લાઈટ સપ્તાહના મંગળવાર, ગુરૂવાર અને શનિવારે કાર્યરત રહેશે
જુનાગઢ જિલ્લાના દરિયાઇ પટ્ટીના મહત્વનું ગણાતું કેશોદ એરપોર્ટ ફરી વખત શરૂ થયું તેને અઢી વર્ષ પૂર્ણ થવા જાય છે. ત્યારે એલાયન્સ એર એટીઆર 72 ને પૂરતો ટ્રાફિક મળતાં મુંબઈ – કેશોદ – મુંબઈ રૂટની ફલાઇટની ઉડાનમાં સોમવારનો એક દિવસ વધારો કરવા વિચારાઈ રહ્યું છે. એટલે કે અઠવાડિયાના રવિ, બુધ, શુક્ર આવ – જા કરતું વિમાન 4 દિવસ ઉડાન ભરશે. જયારે જુનાગઢ ગીરનાર, આસપાસમાં આવેલાં સોમનાથ, માધવપુર જેવા ધાર્મિક સ્થળો તેમજ ગીર અભયારણ્યમાં એશિયાટિક સિંહ દર્શન,ચોરવાડ હોલિડે કેમ્પ, દિવ સહિતના પર્યટન સ્થળો ઉપરાંત વેપાર ધંધા રોજગારનો વ્યાપ વધે તે માટે રાજ્ય, રાજ્ય બહાર કે વિદેશ જતાં મુસાફરોની અવર જવર કરવા સરળ બને તે માટે આજથી અઠવાડિયામાં ત્રણ વાર એલાયન્સ એર એટીઆર 72 વિમાન વધારાના રૂટ તરીકે અમદાવાદ – કેશોદ ઉડાન ભરશે.તહેવાર હોય કે સામાન્ય દિવસો હોય મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ, સોમનાથ આવતા જતા રહેતા હોય છે. જેના માટે પ્રવાસીઓએ રોડ અથવા તો ટ્રેન વ્યવહારનો ઉપયોગ કરવો પડતો હોય છે.પરંતુ, હવે પ્રવાસીઓને અમદાવાદથી હવાઈ સુવિધા પણ મળી રહેશે.આજથી શરૂ થઇ રહેલી અમદાવાદ-કેશોદ-દીવ ફ્લાઈટ સપ્તાહના મંગળવાર, ગુરુવાર અને શનિવારે કાર્યરત રહેશે. અમદાવાદથી કેશોદ માટે આ ફ્લાઈટ સવારે 10-55 મિનિટે ઉપડશે જે સવારે 11-20 કલાકે કેશોદ પહોંચશે. ત્યારબાદ આ ફ્લાઈટ કેશોદથી દીવ માટે રવાના થશે. આ જ ફ્લાઈટ બપોરે 3:55 કલાકે દીવથી ઉપડી કેશોદ આવશે ત્યારબાદ કેશોદથી બપોરે 4:20 કલાકે અમદાવાદ માટે ઉડાન ભરશે. 75 સીટની કેપેસિટી ધરાવતું પ્લેન આ રૂટ પર ચલાવવામાં આવશે. કેશોદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કેશોદ થી મુંબઈ જતી ફ્લાઇટની ફ્રિકવન્સી માં વધારો કરવામાં આવ્યો છે. પહેલા એક અઠવાડિયામાં કેશોદથી મુંબઈ જવા માટે ત્રણ દિવસ ફ્લાઇટ શરૂ હતી તે હવે એક દિવસનો વધારો કરી અઠવાડિયામાં ચાર દિવસ કેશોદ થી મુંબઈ ફ્લાઇટ ચાલશે.આ ફ્લાઈટ રવિવાર, સોમવાર ,બુધવાર અને શુક્રવારે મળશે.કેશોદ એરપોર્ટ ઓથોરિટીના સભ્ય જતીન સોઢાએ જણાવ્યું હતું કે કેશોદ ઓથોરિટી દ્વારા કેશોદ થી મુંબઈ જતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. જેને લઇ સાંસદ મનસુખભાઈ માંડવીયા અને ધારાસભ્ય દેવાભાઈ માલમને કેશોદ મુંબઈ ફ્લાઇટ માટે માંગણી કરી હતી અને તે મંજુર થઇ છે અને આજથી પ્રારંભ થયો છે.