માંડવી ઔદ્યોગિક તાલીમ સંસ્થા-ITI ખાતે શ્રમ, કૌશલ્ય,આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને તેમજ સાંસદ પ્રભુ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ ટ્રેડના 326 તાલીમાર્થીઓને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તાલીમાર્થીઓને ઉદ્યમ સાહસિકતા અને કૌશલ્ય સાથે આગળ વધવા પ્રોત્સાહિત કરાયા હતા. રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ઉપક્રમે આયોજિત સમારોહમાં મંત્રી કુંવરજી હળપતિએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શથી જ સુખી થઈ શકાય છે. સ્કિલ ડેવલપમેન્ટ (કૌશલ્ય વિકાસ) સાથે યુવાનોમાં સોફ્ટ સ્કિલ્સ હોવી પણ એટલી જ જરૂરી છે. આઇટીઆઈ સંસ્થાઓમાં હવે કૌશલ્ય પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષણમાં સ્કિલીંગ, અપસ્કિલીંગ અને રિ-સ્કિલીંગની પેટર્ન છે, જેને અનુસરવી અતિ આવશ્યક છે. આ પદ્ધતિ કુશળ બનવું, સતત શીખતાં રહેવું અને કૌશલ્યને સતત અપગ્રેડ કરતા રહેવાનું શીખવે છે એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ માની રહ્યું છે કે 21મી સદી ભારતની સદી છે અને તેની પાછળનું મોટું કારણ ભારતની યુવા વસ્તી છે. ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહી છે. સરકારના અનેકવિધ યુવા કલ્યાણના પગલાઓથી શિક્ષિત યુવા માટે રોજગાર અને સ્વરોજગારની વધુ નવીન તકો ઊભી થશે. સાંસદ પ્રભુ વસાવાએ તાલીમાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી. નોંધનીય છે કે, માંડવી ITI ખાતે ફિટર, ઇલેક્ટ્રીશ્યન, વાયરમેન, વેલ્ડર, મિકે.ડીઝલ એન્જીન, કોપા, સ્યુંગ ટેક્નોલોજી, બેઝિક કોસ્મેટોલોજી, હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર, AOCP ના ટ્રેડવાઈઝ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. ITI દ્વારા તાલીમાર્થીઓને ભવિષ્યમાં ઉદ્યમ સાહસિકતા, એપ્રેન્ટીસ યોજના અને રોજગારી પ્રાપ્ત કરવા જરૂરી માર્ગદર્શન સાથે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે આચાર્ય બી.એસ.ગામીત, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર સર્વ કે. કે. ચૌધરી, એસ.બી.ચૌધરી, વાય.જી. ગામીત, એ.એલ.ચૌધરી સહિત સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરો, તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.