• બુટલેગરને માર નહિ મારવા અને પાસા તળે નહિ ધકેલવા રૂ. 40 હજારની લાંચ મંગાઈ’તી

રાજકોટ ગ્રામ્યમાં પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં રાજકોટનાં ગોંડલ તાલુકાનાં સુલતાનપુર પોલીસ મથકના એએસઆઈ દ્વારા દારૂના ગુનામાં ઝડપાયેલા આરોપીને મારકુટ નહીં કરવા માટે રૂ. 40,000ની લાંચ માંગી હતી. જોકે, દારૂના ગુનાના આરોપીએ એસીબીનો સંપર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. એસીબીનાં છટકામાં એએસઆઈ વતી લાંચ લેતો લોકરક્ષક રંગેહાથ ઝડપાઇ ગયો હતો. જોકે, એએસઆઈ હાજર નહીં મળી આવતા એસીબી દ્વારા તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી સામે સુલતાનપુર પોલીસ મથકમાં પ્રોહીબિશનનો ગુનો નોંધાયો હતો. જેને પગલે તેની સાથે મારકુટ નહીં કરવા અને પાસામાં નહીં ધકેલવા એએસઆઈ પુરણચંદ્ર કલુરામ સૈનીએ રૂ. 40,000 લાંચ માંગી હતી. જોકે, લાંચ આપવા ન ઇચ્છતો હોવાથી આરોપીએ એસીબીનાં ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદ કરી હતી. તેની ફરિયાદને આધારે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં એએસઆઈ રજા ઉપર હોવાથી સુલતાનપુર પોલીસ મથકમાં લોકરક્ષક શિવભદ્રસિંહ સરદારસિંહ વાઘેલાએ ફરિયાદી સાથે આ અંગેની વાતચીત કરી રૂ. 40,000ની લાંચ સ્વીકારતા જ એસીબીએ લોકરક્ષક શિવભદ્રસિંહ વાઘેલાને રંગેહાથ દબોચી લીધો હતો.

એસીબી દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં લોકરક્ષક શિવભદ્રસિંહે આ લાંચની રકમ એએસઆઈ પુરણ ચંદ્ર સૈનીનાં કહેવાથી સ્વીકારી હોવાનું કબુલ્યું હતું. મુખ્ય આરોપી એએસઆઈ રજા ઉપર હોવાથી હાજર નહીં મળી આવતા હાલ એસીબીએ તેની શોધખોળ શરૂ કરી છે. જ્યારે લાંચની રકમ સ્વીકારતા ઝડપાયેલા લોકરક્ષક શિવભદ્રસિંહ સામે પોતાના રાજય સેવક તરીકેના હોદાનો દુરુપયોગ કરી એકબીજાની મદદગારી કરવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.