જામનગર: દિવાળીના તહેવાર ને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી છે. ત્યારે જામનગર જિલ્લામાં દિપાવલીના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે અંગે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુંના માર્ગદર્શન હેઠળ જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા તથા જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક રાજેન્દ્ર દેવધાની સુચના થી પોલીસ બંદોબસ્તનો અહેવાલ તૈયાર કરી શાંતિ સમિતિની બેઠકો યોજી કામગીરી વિશે ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના PI નિકુંજસિંહ ચાવડા સહિત સ્ટાફ દ્વારા શહેરની મુખ્ય બઝાર ગણાતી બરધન ચોક માર્કેટ, માંડવી ટાવર રોડ, સેન્ટ્રલ બેંક રોડ વિસ્તાર, ચાંદી બઝાર વિસ્તારમાં આવેલ સોની માર્કેટ સહિત દરબારગઢ વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જેના કારણે લોકોને રાહત થઇ છે.
તો બીજી બાજુ પંચકોષી બી ડિવિઝન પોલીસ દ્વારા જામનગરના દરેડ અને મસીતીયા સહિતના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફટાકડાના સ્ટોલ ધારકોને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ગેરકાયદે ફટાકડા વેચતા વિક્રેતાઓને નિયમોના પાઠ ભણાવવામાં આવ્યા હતા. વધુમાં ફાયર સેફ્ટી સહિતની બાબતો અંગે ના નિયમોનું ચુસ્ત પાલન કરવા માટે ટકોર કરવામાં આવી હતી. આ ફોટો પેટ્રોલિંગ દરમિયાન પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકના PI રાઠોડ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.
જામનગરમાં ગેર કાયદે ધમધમવા લાગ્યા ફટાકડા સ્ટોર:
જામનગર: રણજીતસાગર રોડ પર શિવ શિવ ફટાકડા સ્ટોરના સંચાલક વિપુલ ગંઢા, જય આશાપુરા ફટાકડા સ્ટોરના ચેતન વસીયર, કીર્તીપાન પાસેના સંચાલક મિલન લીંબાસીયા, મારુ કંસારા હોલની બાજુમાં ગુરુ ભગવાન કૃપા સ્ટોર સંચાલક દર્શન ઘોકીયા નામના સખ્સો કોઈ પણ લાયસન્સ વગર ફટાકડા સ્ટોર ચલાવતા પકડાઈ જતા ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવી હતી.
સાગર સંઘાણી