Vadodara : આગામી 28મી ઓક્ટોબરના રોજ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ દરમિયાન વડોદરામાં આવી રહ્યા છે. આ બંને દેશના નેતાઓની મુલાકાત થશે. તેમજ વડોદરામાં સ્પેન અને ભારતના વડાપ્રધાન જે રૂટ પરથી નીકળવાના છે, તે સંપૂર્ણ રૂટને શણગારવામાં આવી રહ્યો છે. બંને દેશના વડાપ્રધાનની આ મુલાકાતને ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. જો કે આ વચ્ચે સવાલ થઈ રહ્યો છે કે, સ્પેન અને ભારતના વડાપ્રધાનની મુલાકાત માટે વડોદરા શહેરની જ પસંદગી કેમ કરવામાં આવી?

આ પાછળ એક ખાસ કારણ છે. ત્યારે હકીકતમાં ભારતીય વાયુ સેનાને આધુનિક બનાવવાના ઉદ્દેશ્યથી સરકારે ‘એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ કંપની’ને 21935 કરોડ રૂપિયામાં 56 C295 એરક્રાફ્ટ વિમાનનો ઓર્ડર આપ્યો હતો. જેમાંથી 16 એરક્રાફ્ટ સ્પેનથી સીધા ભારતને પહોંચાડવામાં આવી રહ્યા છે, જ્યારે બાકીના 40 એરક્રાફ્ટ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ (TASL) અને એરબસ સાથે મળીને ભારતમાં બનાવવાના છે.

વડોદરામાં બંને દેશના નેતાની મુલાકાત પાછળ ખાસ કારણ

વાયુસેના માટે પહેલા મેડ ઈન ઈન્ડિયા C295 એરક્રાફ્ટનું નિર્માણ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને સ્પેનની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ કંપની કરી રહી છે. આ માટે ટાટા કંપનીનું યુનિટ વડોદરામાં બનાવવામાં આવ્યું છે,  ત્યારે વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન તેનું સંયુક્ત ઉદ્ધાટન કરશે. આ માટે બંને દેશના નેતાઓ એકસાથે વડોદરા શહેરમાં મુલાકાત કરી રહ્યા છે. વડોદરામાં ટાટા કંપનીની આ ફેસિલિટી ભારતમાં સૈન્ય વિમાનો માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ ફાઇનલ એસેમ્બલી લાઇન હશે. તેમાં ઉત્પાદનથી લઈને એસેમ્બલી, પરીક્ષણ અને યોગ્યતા, એરક્રાફ્ટની સંપૂર્ણ જીવનચક્રની ડિલિવરી અને જાળવણી સુધીની સંપૂર્ણ ઇકોસિસ્ટમના સંપૂર્ણ વિકાસનો સમાવેશ થાય છે.

શું છે C-296 એરક્રાફ્ટની ખાસિયત ?

C295 એરક્રાફ્ટ સૈનિકોને લેન્ડ કરવા અને પેરાશૂટની મદદથી સામાન ઉતારવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેમજ તેનો ઉપયોગ અકસ્માત પીડિતો અને બીમાર લોકોને બહાર કાઢવા માટે પણ થઈ શકે છે. તેમજ આ એરક્રાફ્ટ આપત્તિ પરિસ્થિતિઓ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશેષ કામગીરી તેમજ પેટ્રોલિંગ કામગીરી કરવા સક્ષમ છે. ત્યારે એક નિવેદનમાં એરબસે જણાવ્યું હતું કે C295 પ્રોગ્રામ હેઠળ, કંપની તેના ઔદ્યોગિક ભાગીદારો સાથે મળીને ભારતમાં વિશ્વ સ્તરીય એરક્રાફ્ટ ઉત્પાદન અને જાળવણી સુવિધાઓ લાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.