• વિદ્યાર્થીઓએ લોકનૃત્ય, લોકગીત, એક પાત્રીય અભિનય સહિત મનમોહક કૃતિઓ રજૂ કરી

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનર યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને ગીર સોમનાથ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલા મૂછારના અધ્યક્ષસ્થાને રામમંદિર ઑડિટોરિયમ ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ હતી. વિદ્યાર્થીઓની અંદર રહેલી કલાશક્તિ નીખારવા માટે  લોકનૃત્ય, લોકગીત, ભજન સમુહગીત, લગ્નગીત, એકપાત્રીય અભિનય, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, ચિત્રકલા, વકૃત્વ સ્પર્ધા સહિતની સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ પોતાની કલા દર્શાવી હતી.

રામમંદિર ઑડિટોરિયમ, યાત્રિક સુવિધા કેન્દ્ર અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં પોરબંદર રાજકોટ, અમરેલી, જામનગર, જુનાગઢ સહિત કુલ 12જિલ્લાના 700થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલા મુછારે પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વિવિધ માધ્યમો થકી કલા અને સંસ્કૃતિને લોકો સમક્ષ ઉજાગર કરવાનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવે છે. જેમાંનો એક પ્રયાસ સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાએ યોજાતી બાળ પ્રતિભા શોધ સ્પર્ધા છે. આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ પોતાની અલગ-અલગ કલા રજૂ કરીને કૌશલ્ય ક્ષમતાને નિખાર આપે છે. જેના થકી કલા, સંસ્કૃતિ અને સાહિત્યનો વારસો જળવાઈ રહે છે.

વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન કરતાં જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણા એ જણાવ્યું હતું કે,વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્તશક્તિ ખીલવવા માટે ‘બાળ પ્રતિભા શોધ’ એક ખૂબ મોટો અવસર છે. આ અવસર થકી વિદ્યાર્થીઓને પોતાનું હીર ઝળકાવવાની અમૂલ્ય તક મળે છે. આમ કહી તેમણે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને આ તક ઝડપી શ્રેષ્ઠ પ્રદર્શન કરી કલાક્ષેત્રમાં ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ પાઠવી હતી.

આ તકે અલગ-અલગ જિલ્લાઓના પ્રાંત યુવા વિકાસ અધિકારી સર્વ અશ્વિન સોલંકી, ભરત પરમાર, આર.ડી.ગોહિલ, વિશાલ રામાણી, અરવિંદ બારૈયા સહિત વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.