- ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ફોડવા અંગેના ધારા-ધોરણો જાહેર કરતા પોલીસ કમિશનર ઝા
દિવાળી અને દેવ દિવાળી પર્વની ઉજવણી હર્ષ ઉલ્લાસ સાથે થતી હોય છે. આ પર્વની લોકો દીપોત્સવ અને ફટાકડા ફોડીને ઉજવણી કરતા હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં ફટાકડાના વેચાણ અને ફોડવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરી ધારા ધોરણો જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરનામું તા. 27 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધી અમલમાં રહેનાર છે. પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાં બારેક જેટલાં કૃત્યો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછું પ્રદુષણ ફેલાવે છે ફક્ત તેવા જ ફટાકડાના ઉત્પાદન અને વેચાણને છુટ આપવામાં આવી છે. આ સિવાયના તમામ ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખુબ હાનિકારક હોવાથી તેના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે.
ફટાકડાનું વેચાણ ફક્ત લાયસન્સધારક વેપારી જ કરી શકશે જો લાયસન્સ વિના ફટાકડાનું ઉત્પાદન કે વેચાણ કરવામાં આવશે તો એક્સપલોઝીવ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વિદેશી ફટાકડાની આયાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાથી વિદેશી ફટાકડાનું વેચાણ કે ઉપયોગ કરી શકાશે નહિ. ઉપરાંત તમામ ઈ કોમર્સ વેબસાઈટને ઓનલાઇન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દિવાળી તેમજ દેવ દિવાળી તેમજ અન્ય તહેવારોમાં રાત્રીના આઠ વાગ્યાંથી દસ વાગ્યાં સુધી એમ ફક્ત બે કલાક જ ફટાકડા ફોડવા છુટ આપવામાં આવી છે. ફટાકડાથી ધ્વનિ અને હવાનું પ્રદુષણ થતું હોવાથી પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝીવ સેફટી ઓર્ગેનાઈઝેશનની સૂચના પ્રમાણે માર્કિંગ હોવું જરૂરી છે. શહેરી વિસ્તારમાં કોર્ટ, કચેરીઓ, હોસ્પિટલ, શાળા-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, એરપોર્ટની 100 મીટરની ત્રિજ્યાને સાયલેન્ટ ઝોન ગણવામાં આવતો હોય આવા વિસ્તારોમાં ફટાકડા ફોડી શકાશે નહિ. ઉપરાંત લોકોને અગવડતા ઉભી ન થાય માટે બજારો, શેરીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, સીએનજી પંપ, બોટલિંગ પ્લાન્ટ, એલપીજી ગેસ સ્ટોરેજ સહિતના સ્થળો નજીક પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જાહેરનામા ભંગ બદલ શિક્ષાત્મક પગલાં લેવાશે
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાની કડક અમલવારી કરવા પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે. જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 તેમજ જીપી એક્ટની 131 મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
લાયસન્સ વિનાના વેપારીઓ પર એક્સપલોઝીવ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે
ફટાકડાનું વેચાણ ફક્ત લાયસન્સધારક વેપારી જ કરી શકશે જો લાયસન્સ વિના ફટાકડાનું ઉત્પાદન કે વેચાણ કરવામાં આવશે તો એક્સપલોઝીવ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વિદેશી ફટાકડાની આયાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાથી વિદેશી ફટાકડાનું વેચાણ કે ઉપયોગ કરી શકાશે નહિ. ઉપરાંત તમામ ઈ કોમર્સ વેબસાઈટને ઓનલાઇન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.