ગ્રામ્ય વિસ્તારમાં અડધો અડધ વિદ્યાર્થીઓને ભાગાકાર, ગુણાકાર જેવું સામાન્ય ગણિત પણ નથી આવડતું !!
ભારતમાં ૧૪ વર્ષ સુધીની વયના બાળકોને ફરજીયાત અને મફત શિક્ષણનો હકક છે અને અપાય પણ છે પરંતુ શિક્ષણની ગુણવતા અને પ્રેકટીકલ જ્ઞાન આપવાના અભાવે વિદ્યાર્થીઓ ભાગે તો છે પણ ગણતા નથી. ગામડાઓમાં અડધો અડધ વિદ્યાર્થીઓ એવા નોંધાયા છે કે જેઓને સામાન્ય ગણિત પણ આવડતુ નથી. ગ્રામ્ય વિસ્તારમાં ૧૪ થી ૧૮ની ઉંમરના ૫૦% વિદ્યાર્થીઓને ભાગાકાર, ગુણાકાર આવડતા નથી.
ભારતમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવાના હેતુસર કામ કરતી સંસ્થાન પ્રથમ ૨૪ રાજયોના ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓમાં તાજેતરમાં સર્વે કર્યો હતો. જેના પરથી જાણવા મળ્યું છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં ૫૦% વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં ઠોઠ છે તો ૪૦% વિદ્યાર્થીઓ એવા છે કે તેઓ પોતાની ભાષામાં પણ કોઈ વિષય પર કોન્ફીડન્સથી બોલી શકતા નથી.
સર્વેમાં ૧૦માંથી ૭ કરતા વધુ વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, તેઓ અઠવાડિયામાં એક વખત મોબાઈલ ફોન વાપરે છે તેઓ પાસે ફોન, કોમ્પ્યુટર તો દુરની વાત યોગ્ય સુવિધા માટે પણ પૈસા નથી. રાઈટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત દરેક ૧૪ વર્ષ સુધીના બાળકને ફરજીયાત અને મફત શિક્ષણ અપાય છે પરંતુ આ એકટનો યોગ્ય અને સંપૂર્ણ અમલ કરવામાં સરકાર ઉણી ઉતરી હોય તેમ ગામડામાં વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે.
જે ભારતમાં ડીજીટલ ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા જેવી મોટી વાતો થાય છે ત્યાં શિક્ષણની પણ યોગ્ય સવલતો ન હોય તો આ મોટા પ્રોજેકટો કેવી રીતે સફળ થશે ? તે બાબત વિચારવા જેવી છે.