મોટા ભાગની બિમારીઓની શરૂઆત પેટથી થતી હોય છે. આજના સમયમાં જીવનશૈલીમાં મોટા પ્રમાણમાં પરિવર્તન આવ્યું છે. આ સાથે ખાદ્યપદાર્થોમા ભેળસેળ તેમજ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ખોરાકનુ સેવન કરવાના કારણે સ્વસ્થ પર જોખમ ઊભું થયું છે. તેની સાથે આપણે કેટલીક આદતો અને મેદસ્વિતાપણાના કારણે આપણે અન્ય કેટલીક બિમારીઓને નોતરી રહ્યાં છીએ. ત્યારે ઘણી એવી આદતો છે, જે બદલવી અત્યંત જરૂરી છે.
આ આદતોમાંથી જે લોકોને જમીને તાત્કાલિક સૂઈ જવાની આદત છે. તેમણે કેટલીક તકલીફો થઈ શકે છે. જમ્યા બાદ તરત સૂઈ જવાથી લિવર કમજોર થઈ જાય છે અથવા લિવર સંબંધિત કોઈ પણ બીમારીઓ થવાની શક્યતા રહે છે, જેના કારણે જમ્યા પછી સૂવું તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
શરીરમાં આવેલું આપણુ યકૃત એક ફેક્ટરીની જેમ કામ કરે છે, જે ખાધેલ ખોરાક પર પ્રક્રિયા કરે છે. જે લોકોને જમ્યા પછી સૂઈ જવાની આદત છે, તે આદત સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે. તેના કારણે આપણા શરીરમાં મોટું નુકસાન થઈ શકે છે. લિવરની જાળવવી ખૂબ જ જરૂરી છે. જો લીવર સ્વસ્થ નહી હોય તો તેની વિપરીત અસર સમગ્ર સ્વાસ્થ્ય પર પડે છે. લિવરની તકલીફના કારણે પાચનતંત્ર અને મેટાબોલિઝમ પણ નબળું પડી જશે.
ખાધા પછી સૂવાથી એસિડ રિફ્લક્સ એટલે કે GERD (ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ ડિસીઝ)નું જોખમ વધી જાય છે. જેના કારણે ખોરાક અને એસિડ પેટમાંથી ઉપર તરફ જાય છે, જેના કારણે છાતીમાં બળતરા અને દુખાવો થાય છે. આ સ્થિતિ ચિંતાજનક હોઈ શકે છે, ખાસ કરીને એવા લોકો માટે જેમના યકૃત પર પહેલેથી જ વધારે દબાણ હોય છે, જેમ કે ફેટી લીવર, હેપેટાઈટીસ અથવા બળતરાની સ્થિતિ.
જમ્યા પછી તરત સૂઈ જવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે, જેના કારણે પેટનું ફૂલવું તેમજ પેટમાં સતત ઝીણો દુખાવો થવો વગેરે જેવી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. તેમજ લાંબા સમય સુધી સૂવાથી આંતરડાની ચરબી પણ વધી શકે છે, જે શરીરના આંતરિક અવયવો પર અસર કરે છે, સ્વાસ્થ્ય પર જોખમ ઊભું કરે છે.
જમ્યા પછી કેટલા સમયે સૂવું ?
જમ્યા બાદ ઓછામાં ઓછા 2 થી 3 કલાક સુધી ઊંઘવુ ન જોઈએ. સૂઈ જવાના બદલે આરામથી બેસો, હળવું ચાલવાનો રાખો અથવા અન્ય કાર્યો કરતા રહો. જેટલી ભૂખ લાગી હોય તેનાથી હંમેશા થોડું ઓછું ખાઓ. વધુ પડતો ચરબીયુક્ત અને તળેલો ખોરાક લેવાનું ટાળો. આ સાથે ખાસ કરીને જો કોઈ વ્યક્તિને લીવરની સમસ્યા હોય તો જમ્યાની તુરંત બાદ પાણી કે ચા-કોફી પીવાનું ટાળો. ઓછામાં ઓછા એકાદ કલાક પછી ચા-કોફી પીવી હિતાવહ છે.