ગુજરાતના રાજય પક્ષી તરીકે ગણના થતા ફલેમિંગોની સંખ્યામાં ઘટાડો નોંધાયો
ગુજરાતનું રાજયપક્ષી તરીકે ઓળખાતા ફલેમિંગો એટલે કે સુરખાબ હજુ નળ સરોવરમાં આવ્યા નથી. નળ સરોવરમાં નર્મદાના પાણીનો ભરાવો થતા વિદેશી પક્ષીઓ માટે મુશ્કેલી ઊભી થઇ છે. પાણીના વધુ લેવલના કારણે નળ સરોવરમાં મોટી સંખ્યામા હજુ ફલેમિંગો ન આવતા ચાહકોમાં પણ નારાજગી પ્રવર્તી છે.
ઉલ્લેખનીય છે કે નર્મદાના નીર નળ સરોવરનાં છોઠાના પાણીનું લેવલ ઊંચુ આવ્યું છે જે વિદેશી પક્ષીઓને ન પરવડતા તેઓનું વધારે માત્રામાં હજુ આગમન થયું નથી. અને અહીં આવવાને બદલે બીજા રાજયોમાં તેઓ પોતાનો રસ્તો શોધી લે છે. હાલ નળ સરોવરમાં પાંચ ફુટ ઊંડુ પાણી છે જયારે ફલેમિંગો સહીતના અન્ય પક્ષીઓ માટે પાણીનું લેવલ બે ફુટ છે.
આમ, પક્ષીઓને અનુકુળ પાણીની સપાટી કરતા હાલ નળ સરોવરમાં ૩ ફુટ પાણી વધારે છે. જેથી આ વર્ષે ફલેમિગોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જંગલ ખાતાના ડેપ્યુટી ક્ધસવેટર એસ.જે. પંડીતે કહ્યું છે કે સુરેન્દ્રનગર સહીતના વિસ્તારોમાં વરસાદને કારણે પણ પાણીની સપાટી ઊંચી આવી છે અને ફલેમિગો હમેશા ઓછા પાણીમાં વિચરણ કરે છે. જેથી આ ઘટાડાનું કારણ વરસાદ પણ ગણી શકાય.
એસ.જે. પંડીતે વધુમાં જણાવ્યું કે હાલ પ૦ જેટલા જ ફલેમિગો નળ સરોવરમાં છે જેની ટુંક સમયમાં સંખ્યા વધી જશે.