- મોરબી રોડ પરથી પ્રૌઢાના ગળામાંથી ત્રણ તોલાની સોનાની માળા ઝુંટવી જવાનો મામલો
- ચોરીનો માલ ખરીદનાર સોની વેપારી સંજય લોઢીયાની પણ ધરપકડ
શહેરના મોરબી રોડ પર ગત 14 ઓક્ટોબરના રોજ એક ચીલઝડપનો બનાવ સામે આવ્યો હતો. રાત્રીના સમયે મોટર સાયકલ પર આવેલી બે સમડીઓએ એક્ટિવા પર જઈ રહેલા પ્રૌઢાના ગળામાંથી ત્રણ તોલાના સોનાની માળાની ચીલ ઝડપ કરી નાસી જતાં બી ડિવિઝન પોલીસે બંને સમડીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. મામલામાં એલસીબી ઝોન-1 ટીમને સફળતા મળી છે. પીએસઆઈ બી વી બોરીસાગરની ટીમે 100થી વધુ સીસીટીવી તપાસી બંને સમડીઓને ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. સાથોસાથ ચોરીનો માલ ખરીદનાર સોની વેપારી સંજય લોઢીયાની પણ ધરપકડ કરવામાં આવી છે.
દસેક દિવસ પૂર્વે શહેરના મોરબી રોડ પર ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા અને ખેતી કામ કરતા અરજણભાઈ મોહનભાઈ પાનસુરીયા (ઉ.વ.59) પોતાનું એક્ટિવા જેના રજી. નંબર જીજે-03-ડીએલ-2530 લઈને સંબંધી જયંતીભાઇ વસોયા રહે. દીવેલીયા ખાતે તેની ઇમીટેશનની ભઠ્ઠી ખાતે જમણવાર રાખેલ હોય ત્યાં પત્ની ઇલાબેન અને પૌત્ર સાથે ગયાં હતા. જે બાદ ત્યાંથી રાત્રીના નવેક વાગ્યાં આસપાસ ઘરે પરત ફર્યા હતા. દરમિયાન મોરબી રોડ પર મયુર ભજીયાવાળી શેરીમાં પહોંચતા એક મોટરસાયકલ ચાલક ડબલ સવારીમાં પાછળથી આવ્યા હતા. મોટર સાયકલ ચાલક ફરિયાદીના એક્ટિવા નજીક વાહન ચલાવી પાછળ બેઠેલી પત્નીના ગળામાંથી ત્રણ તોલાનો સોનાની માળા જેની કિંમત રૂ. 90 હજાર થતી હોય તેની ચિલઝડપ કરી મોરબી રોડ જકાતનાકાથી જુના મોરબી રોડ તરફ પોતાનું મોટરસાયકલ લઇ નાસી ગયેલ હતા.
સમગ્ર ઘટનામાં બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસની વિવિધ ટીમો દોડતી થઇ હતી. દરમિયાન એલસીબીની ટીમે બનાવ સ્થળની આસપાસના ખાનગી અને સરકારી 100 જેટલાં સીસીટીવી કેમેરા ચકાસી સમડીઓનું પગેરું શોધી કાઢ્યું હતું. એલસીબી વિશાલ કિશનભાઈ સોલંકી(ઉ.વ.30 રહે. ચુનારાવાડ) અને લખન બચુ માલાણી(ઉ.વ.28 રહે ચુનારાવાડ)ણી ધરપકડ કરતા પોતે સોનાની માળાને ઢાળીયાના રૂપાંતરીત કરી કે જે જવેલર્સને વેંચી દીધાની કબૂલાત આપી હતી. જેથી એલસીબીએ કે જે જવેલર્સ પેઢી ખાતે દોડી જઈ ઢાળિયો કબ્જે કરી બિલ કે કોઈ આધાર વગર ખરીદી કરનાર સોની વેપારી સંજય કનૈયાલાલ લોઢીયા(ઉ.વ.47 રહે આનંદનગર ક્વાર્ટર)ની ધરપકડ કરી છે.
એલસીબીએ 24 ગ્રામ 600 મિલી વજનનો સોનાનો ઢાળીયો જેની કિંમત રૂ. 73,800, એક મોટરસાયકલ અને મોબાઈલ સહીત કુલ રૂ. 1,01,800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે, વિશાલ સોલંકી વિરુદ્ધ દારૂ – મારામારી સહીતના છ ગુના જયારે લખન માલાણી વિરુદ્ધ રાજકોટ શહેર, ગોંડલ, ટંકારા, જેતપુર, મોરબી અને અમરેલીના કુલ 17 ગુના નોંધાઈ ચુક્યા છે.