Ahmedabad : દિવાળીનો તહેવાર નજીક છે, ત્યારે ફરવાના શોખીન અમદાવાદીઓએ વેકેશનો પ્લાન બનાવી લીધો હશે. જો કે, આ તહેવારોની સિઝનમાં ચોરી અને લુંટની ઘટનામાં પણ વધારો થતો હોય છે. તેમજ પરિવાર ફરવા ગયું હોય ત્યારે ખાલી પડેલા ઘરમાં ચોર ખાતર પડતા હોય છે, ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી દિવાળી દરમિયાન આવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. શહેર પોલીસ કમિશનર જી.એસ મલિકે દિવાળીની રજાઓ દરમિયાન ફરવા જતા લોકો ઘરને કેવી રીતે સુરક્ષિત રાખી શકે છે એ અંગે સલાહ આપી હતી.
એક મીડિયા સંસ્થા સાથે વાત કરતા પોલીસ કમિશનર જી.એસ મલિકે જણાવ્યું હતું કે, મિલકતની સુરક્ષા માટે સૌથી મહત્વની બાબત એ છે કે લોકો નજીકના પોલીસ સ્ટેશનને તેમના વેકેશન પ્લાન વિશે જાણ કરે. તેમજ આજ કાલ લોકો સોશિયલ મીડિયા ટ્રીપના ફોટો શેર કરતા રહેતા હોય છે, વેકેશન ટ્રીપની તસવીરો પોસ્ટ કરવાનું ટાળવું જોઈએ. આ દરમિયાન ગુનેગારો આ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ખાલી ઘરોને શોધી કાઢે અને તકનો ગેરલાભ ઉઠાવી શકે છે.
તેમજ તેમણે વધુમાં જણાવ્યું કે શહેર પોલીસને હાઈ એલર્ટ પર રહેવાની સૂચના આપવામાં આવી છે, ત્યારે ખાસ કરીને જ્યાં બેંકો, જ્વેલરી શોરૂમ, પેટ્રોલ પંપ અને ‘આંગડિયા’ પેઢીઓ આવેલી છે, તે વિસ્તારોની પોલીસ કંટ્રોલ રૂમ (PCR) વાન તૈનાત રાખવા સૂચના આપવામાં આવી છે.
પોલીસ કમિશનરએ કહ્યું કે, “દિવાળી પહેલા લોકો ખરીદીમાં વ્યસ્ત હોય છે, જેના કારણે બજારમાં કરેન્સીની સર્ક્યુલેશન ઝડપી થાય છે. તેમજ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ વારંવાર બેંકોની મુલાકાત લેતા હોય છે, જેથી આ સ્થળોની નજીક છુપાયેલા લૂંટારાઓ તેમણે ટાર્ગેટ બનાવે છે. સોમવાર ખાસ કરીને સંવેદનશીલ હોય છે કારણ કે રવિવારે બેંકો બંધ રહે છે, તેથી લોકોએ રૂપિયા જમા કરાવવા બેંકોની મુલાકાત લેતી વખતે સાવચેતી રાખવી જોઈએ; આ દરમિયાન પોલીસ તેમને મદદ કરવા હાજર રહેશે.”
તેમજ તેમણે વધુમાં સલાહ આપતા કહ્યું કે, જયારે પરિવાર સાથે બહાર ફરવા જાઓ ત્યારે, ન્યુઝ પેપર વેન્ડરને પેપર ના મુકવાનું કહો. ચોરને દરવાજા આગળ અખબારોનો ઢગલો જોઇને ઘર ખાલી હોવાની ખબર પડી જાય છે અને તક મળતા લુંટ ચલાવે છે.
અન્ય એક પોલીસ અધિકારી એ જણાવ્યું કે CCTV ફૂટેજ પર નજર રાખતી ટીમને ખાલી પડેલા ઘરો અને પોશ વિસ્તારો પર નજર રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમજ અમે અગાઉ પકડાયેલા ઘરફોડ ચોરીઓના આરોપીઓના ફોટો સોફ્ટવેરમાં ઇન્સ્ટોલ કર્યા છે, જો તેઓ શહેરની આસપાસ જોવા મળશે તો અમને જાણ થઇ જશે. તેમજ વધુમાં, સ્પેશિયલ બ્રાન્ચના વોચ ગ્રુપના લગભગ 90 સભ્યો સાદા કપડાં અને ખાનગી વાહનોમાં શહેરના રસ્તાઓ પર પેટ્રોલિંગ કરશે.”
શો-રૂમ્સમાં ચોરી કરનારાઓ સામે પોલીસે શોપિંગ મોલ્સને CCTV નેટવર્ક સંપૂર્ણપણે કાર્યરત છે, તેની ખાતરી કરવા માટે સલાહ આપી છે. તેમજ પોલીસ અધીકારીએ જણાવ્યું કે ઘણીવાર, ચોર ગ્રાહકો તરીકે પ્રવેશ કરે છે અને ચોરી કર્યા પછી ગાયબ થઈ જાય છે, તેમાં ખાસ કરીને જ્વેલરી શો-રૂમમાં.
પોલીસ અધિકારીએ ઓનલાઈન શોપિંગ દરમિયાન સાવધાની રાખવાની પણ સલાહ આપી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, “લોકોએ લિંક પર ક્લિક્સ કરવાના મેસેજથી સાવચેત રહેવું જોઈએ.”