• અનુસૂચિત જનજાતિ માટે વિકસિત ભારત@2047
  • આદિવાસીઓના જીવન પરિવર્તનમાં બદલાવ લાવી તેઓને આત્મનિર્ભર બનાવવા આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ :- આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડીંડોર
  • ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડીંડોરની અધ્યક્ષસ્થાને આદિજાતિ વિકાસ વિભાગની ચિંતન શિબિર યોજાઈ :
  • રાજ્યમંત્રી કુંવરજી હળપતિની વિશેષ ઉપસ્થિતિ
  • આદિજાતિ વિકાસ વિભાગે એવું કાર્ય કરવાનું છે કે અન્ય રાજ્યો ગુજરાતથી પ્રેરણા લઇને પોતાના રાજ્યમાં કામ કરે :- મંત્રી કુંવરજી હળપતિ
વિકસિત ભારત @2047ના ભાગરૂપે ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સલન્સ, ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ વિભાગની ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડીંડોર અને આદિજાતી વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિની વિશેષ ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો.
ચિંતન શિબીરનો શુભારંભ કરાવતા કેબીનેટ મંત્રી ડૉ. કુબેર ડીંડોરે આદિવાસીઓના જીવન પરિવર્તનમાં બદલાવ લાવી તેઓને આત્મનિર્ભર બનાવવા માટે સૌને સંકલ્પબદ્ધ બનવા આહ્વાન કરતા જણાવ્યું હતું કે, આ ચિંતન શિબિરમાં નવા વિચાર, નવા સંકલ્પ, અને નવી ઊંર્જા સાથે આપણે સૌ એ આદિજાતિ વિકાસના ઉત્થાન માટે કાર્ય કરવાનું છે. આ ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં ભાગ લઇ રહેલા અધિકારીઓએ કઈ રીતે આદિવાસી નાગરિકો આર્થિક રીતે વધુને વધુ સજ્જ થાય અને તેમનું જીવન ધોરણ ઊંચું આવે તે માટે સૌ એ આત્મમંથન કરીને તે દિશામાં કામ કરી આયોજન કરવાનું છે, વડાપ્રધાન નરેન્દ્રમોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ-2007 માં વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી તેની સફળતાને પરિણામે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં હાલ ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજના -2 કાર્યરત છે, આ વર્ષે બજેટમાં આદિવાસીઓના ઉત્થાન માટે રૂ.4374 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે, જેમાં આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ, અને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, સરકારી છાત્રાલય, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલ્સ વગેરે યોજનાઓના માધ્યમ થકી રાજ્ય સરકારે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને શિક્ષિત બનાવી મુખ્ય હરોળમાં લાવવાનો પ્રયાસ કર્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ ઉમેર્યું કે, વિકસિત ભારત@2047 નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભારત સુવર્ણકાળ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આદિવાસી સમાજ પણ અન્ય સમાજથી પાછળ ન રહી જાય તે જોવાની જવાબદારી આપણા સૌ આદિજાતિ વિકાસ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની છે. આ સમાજે ક્યારે કોઈપણ પ્રકારની માંગણી કરી નથી તો આપણી જવાબદારી છે કે, આપણે આદિવાસી સમાજને મળતા તેમના લાભો અને હકો સહિતની પ્રાથમિક જરૂરિયાતો સમયસર તેમના સુધી પહોચે એ આપણી પ્રાથમિક ફરજ છે. આ ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં આદિવાસીઓના પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય, કુપોષણ, જીવનધોરણ, તેમજ સિંચાઈ અને ખેતી જેવા વિષયો ઉપર ચર્ચા કરવામાં આવશે. આ ચિંતન શિબિરની ફલશ્રુતિના પરિણામો અધિકારીઓ મારફતે આવનારા સમયમાં આદિવાસીઓને મળે તેવી આશા મંત્રીએ વ્યક્ત કરી હતી.
આદિજાતી વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, આ ચિંતન શિબિર મારફતે સૌ અધિકારીઓએ આદિજાતિના વિકાસ માટે વિચાર કરી તેમના જીવનને આગળ લાવવાની દિશામાં કાર્ય કરવાનું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિકસિત ભારતનો સંકલ્પ ત્યારે જ સાકાર થશે જ્યારે છેવાડાના માનવીનો સર્વાંગી વિકાસ થશે. આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીઓ- કર્મચારીઓએ આદિવાસી સમાજને આગળ લાવવા એવું કાર્ય કરવાનું છે કે, અન્ય રાજ્યો ગુજરાતથી પ્રેરણા લઈને પોતાના રાજ્યમાં તે દિશામાં કાર્ય કરે તેવી મંત્રીએ આશા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમા આદિજાતિ વિકાસના અધિક મુખ્ય સચિવ જે.પી.ગુપ્તા, આદિજાતિ વિકાસના કમિશનર સુપ્રીત સિંઘ ગુલાટી તેમજ ચિંતન શિબિરમાં આવેલ આદિજાતિ વિભાગના અધિકારીઓએ સહભાગી બની આ શિબિરમાં ચિંતન કર્યું હતું.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.