- મિત્રના મામાની દીકરીને મુકેશ પાડોશીની પત્ની સાથે બોલાચાલી થતાં સમાધાન માટે બોલાવ્યા’તા : ઉગ્ર બોલાચાલી બાદ હુમલો થતાં સાગર સોલંકી ઈજાગ્રસ્ત
- શાપરનો હુમલાખોર મુકેશ માલકિયા અને રાજકોટના દિલીપ રાઠોડ, મિલન રાઠોડ, રાજેશ ડાભી પોલીસના હાથવેંતમાં
રાજકોટની ભાગોળે આવેલા શાપર વેરાવળમાં પારકા ડખ્ખામાં વચ્ચે પડેલા 25 વર્ષીય યુવાન શહેજાદ હિંગોરાની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી દેવાના બનાવથી ચકચાર મચી છે. મિત્રના મામાની દીકરીને મહિલા પાડોશી સાથે બોલાચાલી થયાં બાદ સમાધાન માટે બોલાવતા પિતરાઈ ભાઈ પાંચ મિત્રો સાથે ગયો હતો. જ્યાં મુકેશ માલકિયા સહિતના શખ્સોએ છરી વડે હુમલો કરતા પિતરાઈ સાગર સોલંકીને છરીના બે ઘા ઝીંકી દેવાતા તે નાશી છૂટવામાં સફળ રહ્યો હતો. જયારે વચ્ચે પડેલા સહેજાદને પેટ અને પીઠના ભાગે છરી લાગી જતાં તે ત્યાં જ ઢળી પડ્યો હતો. મામલામાં શાપર પોલીસે શાપરના મુકેશ માલકિયા, રાજકોટના દિલીપ રાઠોડ, મિલન રાઠોડ, રાજેશ ડાભી વિરુદ્ધ હત્યા સહિતનો ગુનો દાખલ કરી હાથવેંતમાં લીધા છે. મામલામાં શાપર ધરતી ગેઇટ અંદર મહાદેવ સ્ક્રેપ નામના ભંગારના ડેલો ચલાવતા અને રાજકોટના મવડી ચોકડી નજીક સોમનાથ સોસાયટીમાં રહેતા સાગર ભીખુભાઇ સોલંકી(ઉ.વ.30)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, બે દિવસ પહેલા મામાની દીકરી કિરણબેન અજયભાઇ વાવેશા રહે. શાપર ગામવાળીએ ફોન કરી યુવકને જણાવ્યું હતું કે, તેમના ઘરની સામે રહેતા મુકેશ ધીરુભાઈ માલકિયાની પત્ની માથાકૂટ થઇ છે. જે બાબતે પિતરાઈ ભાઈને મુકેશ માલકિયાને ઠપકો આપવા જણાવ્યું હતું. જેથી સાગર સોલંકીએ મુકેશ માલકિયાનો મોબાઈલ નંબર મેળવી ફોન કરતા તે બહારગામ હોય બે દિવસ પછી આવું એટલે મળી લેશું તેવું જણાવ્યું હતું.
જે બાદ ગઈકાલે સાંજે આશરે આઠેક વાગ્યાં આસપાસ સાગર તેના મિત્ર સંજય મકવાણા, શહેજાદ યુસુફભાઇ હિંગોરા, વિજય ચૌહાણ સાથે શાપર મેઈન રોડ પર આવેલા તુષારભાઈ અને મેહુલભાઈ બુધેલીયાની યંગ હેર સ્ટાઇલ નામની દુકાને બેઠા હતા ત્યારે મુકેશ માલકિયાએ ફોન કરી મારે તને મળવું છે તેમ જણાવ્યું હતું. જેથી શાપર ખાતે મામાં દેવના મંદિર પાસે મળવાનું નક્કી થતાં ફરિયાદી મિલન મકવાણા, શહેજાદ હિંગોરા, વિજય ચૌહાણ, તુષાર બુધેલીયા અને મેહુલ બુધેલીયા સાથે મામાદેવના મંદિરે પહોંચ્યો હતો.
સાડા નવ વાગ્યાં આસપાસ મુકેશ માલકિયા, તેનો સાળો દિલીપ ભરત રાઠોડ, મિત્ર મિલન રમેશભાઈ રાઠોડ, રાજેશ ભનુભાઇ ડાભી સાથે સફેદ કલરની અર્ટિગા કાર રજી. નંબર જીજે-03-એમએલ-7795 લઈને મામાદેવના મંદિરે આવી પહોચ્યા હતા. જ્યાં તારા મામાની દીકરી મારી પત્ની સાથે કેમ માથાકૂટ કરે છે તેમ કાહુ મુકેશ માલકિયાએ ઝગડો શરૂ કર્યો હતો. દરમિયાન મુકેશ સહિતના ચારેય શખ્સો ઉશ્કેરાય જતાં હુમલો કરી દીધો હતો. ઢીંકાપાટુનો માર માર્યા બાદ મુકેશના સાળા દિલીપ રાઠોડ઼ે નેફામાથી છરી કાઢી છરીની એક ઘા જમણા પગના સાથળના ભાગે મારી દીધો હતો. દરમિયાન મિત્ર શહેજાદ વચ્ચે પડતા દિલીપ રાઠોડ઼ે એક ઘા પીઠના ભાગે તથા એક ઘા પેટના ભાગે મારી દીધો હતો. જેના લીધે શહેજાદ ત્યાં જ ઢળી પડ્યો હતો.
હુમલાથી ગભરાઈ ગયેલા ફરિયાદી તથા મિત્રો યેનકેન પ્રકારે ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જે બાદ ફરિયાદી 108 મારફત રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોચ્યો હતો. જ્યાં ફરિયાદીને સાથળના ભાગે આશરે પંદરેક ટાકા આવ્યા હતા. ત્યારબાદ ફરીયાદીને જાણ થઇ હતી કે, છરીના ઘા વાગતા શહેજાદ ત્યાં જ ખાડામાં લોહી લુહાણ હાલતમાં પડેલ હતો અને તેનો ભાઈ અલ્તાફ હિંગોરા શહેજાદને શાપર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. મામલામાં શાપર પોલીસે મુકેશ માલકિયા, દિલીપ રાઠોડ, મિલન રાઠોડ, રાજેશ ડાભી વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી હાથવેંતમાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.