- વરસાદને લઈ ખેડૂતોને પાક નુકસાની ભોગવવાનો વારો આવ્યો
- કેબિનેટ બેઠકમાં ખેડુત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો
- ખેડૂતોને દિવાળી સુધરી હોય તેવી સ્થિતિનું નિર્માણ
- ખેડૂતોએ માન્યો સરકારનો આભાર
જામનગર સહીત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદને લઈ ખેતરોનો પાક ખેદાન મેદાન થયો હતો. પાછોતરા વરસાદને લઈ ખેડૂતોને પાક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવી સ્થિતિ વચ્ચે સરકાર દ્વારા આજે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ખેડુત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે. જેને જામનગર જિલ્લાના ખેડૂતોએ આવકાર આપ્યો છે. ખેડૂતો આ રાહત પેકેજને આવકારી રહ્યા છે.
આ સાથે જ રૂ. 1419.62 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં રૂ. 1097.31 કરોડ SDRF હેઠળ અને રાજ્ય બજેટમાંથી સહાય પેટે રૂ. 322.33કરોડ ચૂકવાશે. ઓગષ્ટ માસમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જુનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર એમ ર૦ જિલ્લાના મળી કુલ 136 તાલુકાના કુલ 6812 ગામોમાં ભારે વરસાદ વરસતા અસરગ્રસ્ત થયા હતા. આ અસરગ્રસ્ત વિસ્તારમાં વિવિધ ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. કુલ 1218 જેટલી ટીમોએ આ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે હાથ ધર્યો હતો. જેના આધારે આશરે 7 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે.
ત્યારે આ અંગે વાતચીત કરતા જામનગર જિલ્લાના ધૂવાવ ગામના કાના પરમાર નામના ખેડૂતે જણાવ્યું કે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી તે ખૂબ આવકારદાયક બાબત છે સરકારે ખેડૂતોની પીડા સમજી સર્વે કરાવ્યા બાદ હવે તાત્કાલિક સહાય પણ જાહેર કરી દીધી છે આથી ખેડૂતોને દિવાળી સુધરી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આ ઉપરાંત આમરા ગામના ખાતેદાર ખેડૂત રણછોડ પરમાર જણાવ્યું કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાહત પેકેજ ને લઇ ખેડૂતોમાં દિવાળી ટાણે ખરેખર દિવાળી જેવો માહોલ છે. પાક ધોવાણ ને લીધે જે નુકસાન થયું હતું તે મામલે સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આથી અમે સરકારનો આભાર માનીએ છીએ.
તો ફ્લ્લા ગામના ખેડૂત જયંતી ધનસાણયા એ જણાવ્યું કે સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય જે ખૂબ સારું પગલું છે અને સરકારે ખેડૂતોની પરિસ્થિતિને પારખી અને જે સહાયની રકમ જાહેર કરી છે તે ખૂબ આવકારદાયક છે તે બદલ સરકારનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ પરંતુ સહાય છે જે વાસ્તવિક નુકસાનના સરખામણીએ ઓછી છે. આથી સરકાર સહાયની રકમમાં વધારો કરે તે અમારી માંગ છે.
આ ઉપરાંત રામપર ગામના ખેડૂત કેશુ પટેલે જણાવ્યું કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાહત પેકેજને લઈ અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ. પરંતુ સરકાર દ્વારા જે રકમ જાહેર કરવામાં આવી છે તે અસંતોષકારક છે નુકસાની ની સરખામણીએ સરકાર થોડી ઘણી રકમમાં વધારો કરે તેવી અમારી માંગ છે. અમારે 20 વીઘા ની જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યો હતો પરંતુ વરસાદને લઈને કપાસનો શોથ બોલી ગયો છે.