કેન્દ્રીય સંચાર બ્યુરો અને વીર નર્મદ યુનિવર્સિટીનાં સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત @2047 વિષય પર આયોજિત ચિત્ર પ્રદર્શનને VNSGUના કુલસચિવ ડૉ આર. સી. ગઢવીએ ખુલ્લું મૂક્યું હતું. ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યુરો અને VNSGU દ્વારા 23 ઓક્ટો. સુધી શ્રીમદ્ રાજચંદ્ર પ્રાર્થના હૉલ ખાતે આયોજિત ચિત્ર પ્રદર્શનને સુરતવાસીઓ તા.૨૩ ના સવારે 10 થી સાંજે 6 સુધી નિ:શુલ્ક નિહાળી શકશે.

આ પ્રસંગે કુલસચિવએ જણાવ્યું હતું કે, વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે યુવાનોએ કટિબદ્ધ થવું જોઈએ. અહીં પ્રદર્શનમાં રજૂ કરેલી માહિતી પરથી પણ કોઈ સંશોધનનો વિષય મળી શકે તો એ કરવું જોઈએ. ભારતનાં વિકાસ બાબતે જાત અનુભવનું વર્ણન પણ તેમણે કર્યું હતું. આ પ્રદર્શનમાં વિકસિત ભારતના નિર્માણ માટેની લોકકલ્યાણની વિવિધ યોજનાઓ, વિવિધ ક્ષેત્રોનું પ્રદાન અને અન્ય માહિતી રજૂ કરવામાં આવી છે. સાથે જ રોજગાર વિનિમય કચેરી અને પોસ્ટ વિભાગ દ્વારા મુલાકાતીઓને તેમની કામગીરીની માહિતી અપાઈ રહી છે. પ્રદર્શનમાં વિદ્યાર્થીઓને સહભાગિતા વધારવા કાયદાશાસ્ત્ર અને જૈવવિજ્ઞાન વિભાગમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેના વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર અપાયા હતા. યુવાનો-શહેરીજનો સેલ્ફી લઈ શકે એ માટે પ્રદર્શનમાં પ્રતિજ્ઞા સેલ્ફી બુથ ઉભું કરાયું હતું. આ વેળાએ ‘એક પેડ મા કે નામ’ યુનિ. કેમ્પસમાં વૃક્ષારોપણ કરાયું હતું. પ્રદર્શનને સફળ બનાવવા અમૃતભાઈ સોનેરી અને રોશનભાઈ પટેલે જહેમત ઉઠાવી છે. કાર્યક્રમની રૂપરેખા ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ આપી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.