લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ એ કાયદો અને તેના ઉદ્દેશ્યોને પરિપૂર્ણ કરવાની એક અનોખી કલા છે: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી
• ડૉ. બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં નિર્માણ થયેલું ભારતનું સંવિધાન લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ
• કાયદા બનાવતા સમયે તેમાં ઉદ્દેશ્યની સ્પષ્ટતા અને સરળ ભાષાથી ન્યાયતંત્રનો હસ્તક્ષેપ ઘટે છે
• નાગરિકોના પ્રશ્નોને વાચા આપવાનું અને તેમના હિતમાં કાયદો ઘડવો એ જ ધારાસભ્યોનું મુખ્ય કામ
• વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળનું ભારત આજે વૈશ્વિક આકાંક્ષાઓનું કેન્દ્ર બન્યું, જેનું આધાર બિંદુ ગુજરાત છે
દેશ અને રાજ્યના પ્રજાકલ્યાણ માટે ગૃહમંત્રી અમિત શાહે કાયદામાં અનેક સુધારા કર્યા છે : અધ્યક્ષ શંકર ચૌધરી
કાયદા ઘડતરની પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓની સજ્જતા સરળ અને સ્પષ્ટ કાયદા માટે આવશ્યક : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત વિધાનસભા એ લેજિસ્લેટીવ ડ્રાફ્ટીંગ તાલીમ કાર્યક્રમથી વિધાયિકા, વિધેયક અને વિધાયકનો સમન્યવ કર્યો
ગુજરાત વિધાનસભા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને “લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ તાલીમ કાર્યક્રમ”નો સમાપન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાત સરકારની પહેલની સરાહના કરતા કહ્યું હતું કે, લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ એ એક અગત્યની અને મહત્વપૂર્ણ કલા છે. ગુજરાત વિધાનસભા દ્વારા દેશમાં પ્રથમવાર લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ અંગેની તાલીમનું આયોજન કરવાનો નિર્ણય ખરેખર સરાહનીય છે. લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગની કલા એ કોઇપણ કાયદાને ઘડવા માટેનો સૌથી પ્રારંભિક અને મહત્વપૂર્ણ ભાગ છે. ક્ષતિગ્રસ્ત લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગના પરિણામે અનેક જટીલ સમસ્યાઓ ઉદભવે છે અને ન્યાયતંત્રનો હસ્તક્ષેપ વધે છે.
લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ એ કાયદો અને તેના ઉદ્દેશ્યોને સંપૂર્ણ કરવાની એક અનોખી કલા છે, તેમ કહેતા શાહે ઉમેર્યું હતું કે, ડૉ. બાબા સાહેબ આંબેડકરના માર્ગદર્શન અને પરિશ્રમથી નિર્માણ થયેલું ભારતનું સંવિધાન લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ, સમિતિની બેઠકો અને સામાન્ય જનતા સાથે ખુલ્લા મને કરેલી ૧૬૦૦ જેટલી ચર્ચાઓ બાદ સંવિધાનનું ડ્રાફ્ટિંગ કરવામાં આવ્યું હતું. એટલું જ નહિ, સંવિધાન બાબતે આશરે ગૃહમાં ૧૬૫ દિવસ સુધી ચર્ચાઓ ચાલી હતી. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને હંસાબેન મહેતા જેવા અનેક વિદ્વાનોએ ચર્ચામાં ભાગ લઈને જરૂરી સૂચનો પણ કર્યા હતા.
કાયદો બનાવવા કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે પોતાના વિચારો રજૂ કરતા શાહે ઉમેર્યું હતું કે, કાયદો બનાવતી વખતે તેમાં સ્પષ્ટતા ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને કાયદામાં જે ઉદ્દેશ્ય કરવામાં આવી રહ્યો છે, તેની સ્પષ્ટતા અને સરળ ભાષાથી ન્યાયતંત્રનો હસ્તક્ષેપ ઘટે છે. કાયદાની જોગવાઈઓ પણ અમલ કરનારને રક્ષણ આપતી અને ભંગ કરનારને દંડ કરતી હોય તેવી સ્પષ્ટ રાખવી જરૂરી છે. સાથે જ, કાયદો બનાવતી વેળાએ જે તે વિષયના નિષ્ણાત, સંબંધિત અધિકારીઓ અને નાગરિકોના પ્રતિભાવો અને વિચારોને પણ ગંભીરતાપૂર્વક ધ્યાને લેવા જોઈએ, તેવો તેમણે અનુરોધ કર્યો હતો.
ધારાસભ્યોને અનુરોધ કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યુ હતું કે, વિધાનસભા એટલે વિધેયકો પસાર કરીને નાગરિકોના હિત અને રક્ષણ માટે કાયદાની રચના કરવાની સભા. નાગરિકોના પ્રશ્નોને વાચા આપવાનું અને તેમના હિતમાં કાયદો ઘડવો એ જ ધારાસભ્યોનું મુખ્ય કામ છે. એટલા માટે જ, દરેક ધારાસભ્યઓએ કાયદાની ભાષા વ્યવસ્થિત રીતે સમજવી જોઈએ, ચર્ચાઓમાં સહભાગી થઈને કાયદામાં રહેતી ક્ષતિઓને દૂર કરવા પોતાના સૂચનો રજૂ કરવા જોઈએ, તેમ તેમણે ઉમેર્યુ હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, ભારતે બહુપક્ષિય સંસદીય લોકશાહી પ્રણાલી અપનાવી છે. જે અંતર્ગત લોકોના વિવિધ પ્રશ્નો અલગ અલગ પક્ષોના ધારાસભ્યઓ દ્વારા સરકાર પાસે પહોંચતા હોય છે. ત્યારબાદ સરકાર દ્વારા લોકોના પ્રશ્નો પ્રત્યે સંવેદના રાખી કાયદાઓ ઘડવામાં આવતા હોય છે. દેશમાં અંગ્રેજોના સમયથી ચાલતી આઇ.પી.સી., સી.આર.પી.સી. અને એવિડન્સ એક્ટ હેઠળની કલમોમાં સુધારો કરી ભારતની નવી ન્યાય પ્રણાલીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવી ન્યાય પ્રણાલીના સંપૂર્ણ અમલ પછી નાગરિકોને ખૂબ જ ઝડપી ન્યાય મળશે, જે ભારતનું સૌથી મોટું રીફોર્મ પૂરવાર થશે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળનું ભારત આજે વૈશ્વિક આકાંક્ષાઓનું કેન્દ્ર બન્યું છે, જેનું આધાર બિંદુ ગુજરાત છે. ગુજરાત વિધાનસભાનું આ પાવન ગૃહ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસ માટે કરેલા સંકલ્પ અને ગુજરાતની વણથંભી વિકાસયાત્રાનું સાક્ષી છે.
ગુજરાતના ગૃહ મંત્રી અને ધારાસભ્ય તરીકેના 1997 થી 2017 સુધીના 20 વર્ષના કાર્યકાળના સારા-નરસા સંસ્મરણોને યાદ કરતા અમિત શાહે કહ્યું હતું કે, આ જ વિધાનસભામાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની પ્રજાને 24 કલાક વીજળી પૂરી પાડવાનો સંકલ્પ રજૂ કર્યો અને વર્ષ 2003 થી જ્યોતિગ્રામ યોજના અમલમાં મૂકીને ગુજરાતના દરેક નાગરિક સુધી ૨૪ કલાક થ્રી ફેઝ વીજળી પૂરી પાડનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું.
આટલું જ નહિ, વનબંધુ કલ્યાણ યોજના, ગુજરાતનું આરોગ્ય મોડલ, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા અનેક સંકલ્પો તેમના માર્ગદર્શન હેઠળ આ વિધાનસભા ગૃહમાં પરિપૂર્ણ થયા છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ ગુજરાતના અનેક ખોટ કરતા જાહેર સાહસોનું સુદ્રઢ આયોજન કરીને નફો કરતા કર્યા, ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક, ગુજકોપ, જળસંચયનો સંકલ્પ, ગુજરાત ઔદ્યોગિક નીતિ જેવા અનેક નાગરિક હિતલક્ષી નિર્ણયોના પરિણામે જ આજે ગુજરાત દેશના અન્ય રાજ્યો માટે રોલ મોડલ બન્યું છે.
:: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ::
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ગુજરાત લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ તાલીમ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરી આવકારતા કહ્યું કે, આજે કાયદો ઘડવાની તાલીમ કાર્યક્રમના સમાપન પ્રસંગે દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન મળવાનું છે. અંગ્રેજોના સમયમાં કાયદાની ભાષા અઘરી હતી. જે સામાન્ય માણસ માટે સમજવી મુશ્કેલ હતી. પરંતુ આજે આપણા દેશમાં લોકતંત્ર છે. જેથી પ્રજાતંત્રમાં કાયદાની ભાષા સરળ અને સમજી શકાય તેવી હોવી જોઈએ. જે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સંસદમાં લેજિસ્ટલેટિવ ડ્રાફટીંગ તાલીમ સંસ્થા બનાવવામાં આવી છે. જેને અમિતભાઈ શાહ સાહેબ માર્ગદર્શન કરી રહ્યા છે. પ્રજા માટે કાયદો હોય છે, જે પ્રજાની સુખાકારી માટે હોય છે. કાયદાના ડ્રાફટીંગમાં ભૂલ હોય તો તેનાથી પ્રજાની મુશ્કેલી વધે છે. જેથી કાયદાના ડ્રાફટીંગમાં ભૂલ ન હોય તે જરૂરી છે. પ્રજા વચ્ચે કાયદો મુકવાનું અને કાયદાનું ઘડતર કરવાનું કામ પ્રજાના પ્રતિનિધિઓનું છે. આજે લોકઉપયોગી કાયદો ઘડવા માટે આપણા સૌને ગૃહમંત્રી અમિત શાહનું માર્ગદર્શન મળ્યું છે. જે પ્રજા જીવનમાં જન પ્રતિનિધિઓને ઉપયોગી બનશે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પ્રજાકલ્યાણ અને નીતિ નિર્ધારણ માટે વિધાનસભાને પેપરલેસ બનાવવામાં હકારાત્મક વલણ દાખવ્યું છે. આગામી સમયમાં AI નો પણ આપણે ઉપયોગ કરવાના છીએ. બજેટની માંગણી પણની ચર્ચા બાદ ધારાસભ્યોના પ્રશ્નો અને રજૂઆતોને સંબંધિત સચિવોને નોંધ કરી સત્વરે નિકાલ લાવવા પણ સૂચનાઓ આપી છે. કાયદાના નિર્માણમાં ચૂંટાયેલા જન પ્રતિનિધીઓ પ્રો-એકટીવ બની કામ કરવું જરૂરી છે. જેથી ટીમ થકી પ્રો એકટીવ ગર્વનન્સ દ્વારા ધારાસભ્યો પ્રો એકટીવ રોલ ભજવે તો લોકતંત્રના સારા પરિણામો મળશે. ગુજરાત વિધાનસભામાં અનેક પ્રજાલક્ષી કાયદા ધડતરનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે કર્યું છે. જે કામ આજે દેશના કાયદા સુધાર માટે ચાલી રહ્યું છે. આપણે સૌએ આ માટે સંનિષ્ઠ પ્રયાસો કરી લોકતંત્રને મજબૂત બનાવીએ.
:: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ::
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, કાયદાના નિયમોને આધિન શાસન વ્યવસ્થામાં કાયદા ઘડતર સાથે સંકળાયેલા અધિકારીઓની સજ્જતા આવશ્યક છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, કાયદાની ઘડતરની પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓની તાલીમબદ્ધતા સરળ અને સ્પષ્ટ કાયદા-નિયમોનું ઘડતર કરશે.
ગુજરાત વિધાનસભાએ આ લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ માટે તાલીમની કરેલી પહેલ માટે મુખ્યમંત્રીશ્રીએ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને અભિનંદન પાઠવ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, સ્પષ્ટતા વિનાના જટિલ કાયદા ગૂંચવણો ઊભી કરે છે અને કાર્ય નીતિના અમલમાં વિલંબ થાય છે.
આ કાયદાઓ જેમણે તૈયાર કરવાના છે તે અધિકારીઓ અને આપણા સૌની જવાબદારી છે કે આપણે બનાવેલા કાયદા સ્પષ્ટ હોય, અમલમાં મુકવા યોગ્ય અને ન્યાય તથા સમાનતા સાથે સુસંગત હોય.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આપણા બંધારણમાં વેલ્ફેર સ્ટેટની ભાવના સાથે નાગરિકોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે.
બંધારણ કે કાયદો રિજિડ ન હોય પરંતુ તેમાં સમયાંતરે સુધારાને અવકાશ હોય તેવી કોન્સ્ટિટ્યૂશનલ રેમિડિઝની જોગવાઈ બંધારણમાં છે એનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીએ દેશના આ અમૃતકાળમાં વડાપ્રધાનએ જે પંચપ્રણ આપ્યા છે તેમાં એક પ્રણ ગુલામીની માનસિકતાથી મુક્ત થવાનું છે તેની વિરાટ છણાવટ કરી હતી.
તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, દેશના ગૃહ મંત્રી અમિત શાહે અંગ્રેજોના સમયના કાયદાઓ નાબૂદ કરીને તેમાં સ્થાને ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં મૂક્યા છે.
આ ત્રણેય કાયદાઓ અને નવા કાયદા આધારિત ફોજદારી ન્યાય પ્રણાલી આ સદીનો સૌથી મોટો સુધારો સાબિત થશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગનો આ તાલીમ કાર્યક્રમ વધુને વધુ જનકલ્યાણ સુસંગત કાયદાઓને આકાર આપવામાં ઉપયુક્ત બનશે, તેમ પણ જણાવ્યું હતું.
વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે આભારવિધિ કરતાં કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ વિશેષ, મહાનુભાવો અને આયોજકોનો આભાર માન્યો હતો. તેમણે આ તાલીમની ફળશ્રુતિ સ્વરૂપે આગામી સમયમાં ક્ષતિરહિત કાયદા બનાવવા સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ હોવાનું ઉમેર્યું હતું.
તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ગુજરાતના ગૃહ મંત્રી તરીકે અમિત શાહે વિધાનસભા ગૃહમાં રજૂ કરેલા મહત્વના વિધેયકો-બિલના સંસ્મરણો દ્રશ્ય-શ્રાવ્યના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા હતા.
વિધાનસભા ગૃહમાં આયોજિત વિધાયિકા-વિધાયક-વિધેયક તથા લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ તાલીમ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી મંડળના સભ્યઓ, સાંસદઓ, ધારાસભ્યઓ, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષશ્રીઓ, પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી, પૂર્વ મંત્રીઓ, પૂર્વ સાંસદો , પૂર્વ ધારાસભ્યઓ, આમંત્રિત મહેમાનો, વિવિધ અખબાર-ચેનલના તંત્રીઓ-પત્રકારઓ, ઉચ્ચ સનદી અધિકારીઓ તેમજ કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.