કિશાનપરા ચોકમાં અમર જવાનની રીપ્લીકા મુકાશે: લોકોએ સૈન્ય માટે લખેલો સંદેશો બીએસએફ પોઈન્ટ પર પહોંચાડાશે: સૈન્ય પ્રત્યે લાગણી વ્યકત કરવાની લોકોને અનન્ય તક મળશે
શહેરમાં લોકોને સૈન્યની કામગીરીથી વાકેફ કરવા લોકોમાં રાષ્ટ્રભાવના જગાડવા માટે સતત પ્રયત્નશીલ અભયમ્ સંસ્થા દ્વારા આગામી તા.૧૫મીના રોજ આર્મી-ડેને અનુલક્ષીને શહેરમાં વિશેષ કાર્યક્રમ યોજાશે.
દેશમાં ૧૫ જાન્યુઆરીના રોજ સેના દ્વારા જાજરમાન આયોજન કરવામાં આવ્યા છે. શહિદોને પુષ્પાંજલી આપવા અનેક લોકો દિલ્હીના અમર જવાન ખાતે પહોંચશે. પરંતુ રાજકોટમાંથી જે લોકો દિલ્હી ન જઈ શકે તેમના માટે શહિદોને માન-સન્માન આપવાના હેતુથી દિલ્હીની અમર જવાનની રીપ્લેસીકા રાજકોટમાં ૧૫મી તારીખે કિશાનપરા ચોક બાલભવનની દિવાલ નજીક મુકાશે. આ દિવસે રાજકોટના સૈન્યના ચાર જવાનો પણ સ્થળ પર હાજર રહેશે. જેઓ લોકોને સૈન્યની કામગીરી સમજાવશે.
રીપ્લેસીકાની બાજુમાં લોકો સૈન્ય માટે સંદેશો લખી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. સવારે ૬ વાગ્યાથી લોકો આ સ્થલે સૈન્યની કાર્યવાહીઓથી માહિતગાર થઈ શકશે. સેનાના જવાનોને મળવાનો અને વાતચીત કરવાની તક મળશે. લોકો દ્વારા લખાયેલા સંદેશા કચ્છની બીએસએફ પોસ્ટ સુધી લઈ જવાની તૈયારી સંસ્થા દ્વારા કરવામાં આવી છે.
કેપ્ટન જયદેવ જોશીની આગેવાની હેઠળ અભયમ્ સંગઠનના અંશ ભારદ્વાજ, અમૃતા ભારદ્વાજ, જિતેષ કુંદનાની, નિરમલ સંઘવી, શિવમ રાજવીર, ડિમ્પલ રાજવીર, મયુર પડધરીયા,સત્વન મહેતા, અપૂર્વ મહેતા, નરેશ મહેતા, આશ્કા કામદાર, ચિંતન કામદાર સહિતના જહેમત ઉઠાવી રહ્યાં છે.