પ્રવાસન ક્ષેત્રે વિશ્વના નકશામાં અંકિત થયેલા નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગામી 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે. જેને ધ્યાને લઈ પ્રવાસીની સલામતી તથા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણીના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષકના પ્રેરક માર્ગદર્શન અને રાહબરી હેઠળ તા.21મી ઓક્ટોબર સોમવારના રોજ બપોરે એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર અને સરદાર સરોવર નર્મદા બંધ ખાતે સફળ મોકડ્રીલ યોજાઈ હતી. ચેતક કમાન્ડો દ્વારા દિલધડક ઓપરેશન કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફૂડકોર્ટ અને સરદાર સરોવર નર્મદા બંધ ખાતે આતંકી હૂમલો થતાં પ્રવાસીઓને આતંકીઓએ બાનમાં લીધા હતા અને ડેમની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા SRPFના જવાનો પર હૂમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા.
ચાર જેટલા સશસ્ત્ર આતંકીઓએ આ સ્થળોએ ઘુસીને પ્રવાસીઓને બાનમાં લેવા અંગેના સમાચાર ઈમર્જન્સી રિસ્પોન્ડ ટીમ અને જિલ્લા વહીવટી તંત્રને મળતા જ તંત્રએ સતર્ક થઈને વિવિધ ફોર્સને ઓપરેશનના ભાગેરૂપે એક્ટિવ કરી આતંકી હુમલાના સ્થળે પોલીસ ખડકી દઈ કોર્ડન કર્યુ હતું. આતંકી હુમલાની જાણ થતાં જ સૌ પ્રથમ તે તરફ જતા રસ્તાઓ પર સલામતી-સુરક્ષા માટે વાહન વ્યવહાર બંધ કરી સ્થાનિક પોલીસ દ્વારા સ્થિતિ નિયંત્રણમાં કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસ અને SOGની ટીમોએ આતંકી હુમલા વાળી જગ્યાઓને કોર્ડન કરી ઘેરો બનાવી આતંકવાદીઓ સામે પડકાર ફેંક્યો હતો. આતંકી હુમલાની ઘટનાને ધ્યાને લઈ તેની ગંભીરતા જાણી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્ટેટ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ અને ઈમર્જન્સી રિસ્પોન્ડ ટીમની મદદ લઈ હુમલાની ઘટનામાં ઓપરેશન માટે ગાંધીનગરથી ચેતક કમાન્ડોની ટીમની જરૂરિયાત જણાતા તેની માગણી કરી હતી.
ચેતક કમાન્ડોની ટીમ એકતાનગર ખાતે તાત્કાલિક આવી પહોંચતા ડિઝાસ્ટર રિસ્પોન્ડીંગ ઓફિસર દ્વારા હુમલાની ઘટના અંગે નકશાના માધ્યમથી સ્થળ સ્થિતિથી કોમ્યુનિકેશન દ્વારા વાકેફ કરતા ચેતક કમાન્ડોની ટીમો દ્વારા તાબડતોડ કુનેહ પૂર્વક તમામ સ્થળોએ ઓપરેશન પાર પાડી આતંકીઓને ઠાર કરી બિલ્ડીંગ અને અન્ય પ્રવાસન સ્થળોએ ફસાયેલા બંધક લોકોને આતંકીઓના કબજામાંથી મુક્ત કરાવ્યા હતા. બુલેટપ્રુફ સુરક્ષા બોર્ડ, MP-5 ગ્લોક પિસ્ટલ, S.I.G, A.K-47 જેવા હથિયારોથી સજ્જ કમાન્ડો બ્લેક ડ્રેસકોડમાં કોર્ડનીંગ અને સર્ચ ઓપરેશન કર્યું હતું. આ સમગ્ર ઓપરેશન દરમિયાન વિવિધ સ્થળોએ નર્મદા જિલ્લા લોકલ પોલીસ, સીઆઈએસએફ, એસઆરપીએફ, એસઓજીની ટીમ, ડોગ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગની એમ્બ્યુલન્સ ટીમ દ્વારા સારવાર અંગે જરૂરી પ્રક્રિયા હાથ ધરી હતી. તેમની જરૂરિયાત મુજબની ફરજો અદા કરી સમગ્ર મોકડ્રીલમાં સફળતા પૂર્વક સહયોગ પૂરો પાડ્યો હતો.
આ દુર્ઘટનાના મોકડ્રીલના સફળ ઓપરેશન બાદ નાયબ પોલીસ અધિક્ષક સંજય શર્માના અધ્યક્ષપદે ડી-બ્રિફિંગ બેઠક યોજાઈ હતી. જેમાં CISFના અભિષેક પ્રધાન, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક (SOU-સલામતી)ના રિયાઝ સરવૈયા, મયુરસિંહ રાજપૂત, ચેતક કમાન્ડોના ઓફિસર તરફથી આ બેઠકમાં ઓપરેશન દરમિયાન સલામતી અંગે ધ્યાને આવેલા મુદ્દાઓ અને રજૂ થયેલા તારણો અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરાઈ હતી. ભવિષ્યમાં આવી કોઈ સંભવત: દુર્ઘટના અચાનક સામે આવે તેવા સમયે ખાસ બાબતોની પૂર્તતા સાથે આગોતરું અટકાયતી ઉપચારાત્મક આયોજન ઘડી કાઢવા અને આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા તમામ વિભાગોના અધિકારી/કર્મચારીઓને એકબીજા સાથે સંદેશા વ્યવહારની ઝડપી આપલે કરવાની સાથોસાથ રિઅલટાઈમ તમામ અધિકારીઓ અને એજન્સીઓ વચ્ચે સુસંકલન માર્ગદર્શન સતત જારી રહે તે સુનિશ્વિત કરવાની સુચના આપી હતી. કોઇપણ દુર્ઘટના સર્જાય નહીં તે માટે સુરક્ષાના જરૂરી પ્રબંધોની સૂચારુ વ્યવસ્થા સહિત સમયસર જે-તે અટકાયતી પગલાં ભરવાની પણ ભારપૂર્વકની હિમાયત કરી આંતકીઓના મનસુબાને નાકામીયાબ કરવા કટિબદ્ધતા દાખવા સૌને અપીલ કરાઈ હતી.
ઉક્ત ડિ-બ્રિફીંગ બેઠક બાદ માહિતી વિભાગની ફરજ પરની ટુકડી સાથેના સંવાદમાં સંજય શર્માએ જણાવ્યું હતું કે, એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા મહત્વના સંવેદનશીલ સ્થળો આવેલા છે. અહીં આવતા પ્રવાસીઓ તેમજ આગામી સમયમાં યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસના પર્વ પહેલાં સુરક્ષા ચકાસણીના ભાગરૂપે આ મહત્વના સ્થળોએ મોકડ્રીલનું આયોજન કર્યું હતું. મોકડ્રીલમાં આતંકી હુમલા સામેના પડકારોની વિવિધ કસરતોને કેન્દ્રમાં રાખીને યોજાઈ હતી. આ મોકડ્રીલમાં જિલ્લા પોલીસ, એસઆરપી, CISF, ડોગ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ, સિવિલ ડિપાર્ટમેન્ટ સહિત સંબંધિત વિભાગની ટીમોએ સમયવર્તે સાવધાનીથી ભાગ લીધો હતો. સફળતા પૂર્વક આ મોકડ્રીલ યોજાઈ હતી.