- 40 લાખની ચોરી કરનાર 3 આરોપીઓની ધરપકડ
- 72 લાખ કરતાં વધુનો મુદ્દામાલ કબ્જે
- અલગ અલગ ટીમો બનાવી શોધખોળ કરાઈ
- ટેકનીકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને ઝડપી પાડ્યા
- નામદાર કોર્ટમાં મુદ્દામાલ રજુ કરાશે
સુરતના ઉમરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા નોકર ચોરીના ગુનાનો ભેદ ઉમરા પોલીસે ઉકેલ્યો છે. 40 લાખની ચોરીનો ગુનો નોંધાયો હતો. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી કુલ 72 લાખ કરતાં વધુ રકમનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેમાંથી 54 લાખ કરતાં વધુની રકમના દાગીના અને 17 લાખ રોકડા રૂપિયા પોલીસે જપ્ત કર્યા છે અને નોકર કે જે ઘરમાંથી ચોરી કરીને ફરાર થયો હતો તે ઉપરાંત તેના બે સાથીદારોની પોલીસે ધરપકડ કરી છે.
થોડા દિવસો પહેલા ઉમરા પોલીસ સ્ટેશનમાં એક નોકર ચોરીનો ગુનો નોંધાયો હતો. વિસ્તારમાં આવેલા ફોર સીઝન એપાર્ટમેન્ટમાં 901 નંબરના ફ્લેટમાં નોકરી કરતા દેવ ચંદ્રકુમાર નામના નોકર દ્વારા ફ્લેટમાંથી રોકડા રૂપિયા અને દાગીનાની ચોરી કરવામાં આવી હતી. ઘરમાં માલિકની ગેરહાજરી દરમિયાન આ ચોરીની ઘટના બની હતી. ત્યારે ઘટનાની જાણ થતા ACP સહિતના પોલીસ અધિકારી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી સૌ પ્રથમ 40 લાખ 57 હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસના ચોપડે નોંધાઈ હતી. તેમાંથી 20 લાખ રૂપિયા દાગીના અને 20 લાખ રૂપિયા રોકડાની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ દ્વારા ફ્લેટ માલિક દ્વારા નોંધાવવામાં આવી હતી.
આ બાબતે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનાર વ્યક્તિના ઓળખીતા સંબંધી અને મિત્રોની પણ તપાસ કરવામાં આવી હતી. તો બીજી તરફ આરોપી મૂળ વતન તરફ જતી ટ્રેનમાં ટ્રાવેલ બસમાં જઈ શકે છે તેવી આશંકાને લઈને ઉમરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આ બાબતે પણ તપાસ કરવામાં આવી હતી.
ત્યારે તપાસ દરમિયાન ઉમરા પોલીસની ટીમને બાતમી મળી હતી કે આરોપી પોતાના વતન ચોરીના મુદ્દામાલ સાથે જઈ રહ્યો છે. આ બાબતે ઉમરા પોલીસ સ્ટેશનની સર્વેન્સની 5 ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ ની પણ એક ટીમની મદદ લેવામાં આવી હતી. જેથી પોલીસની ટીમને આ બાબતે માહિતી આપવામાં આવી હતી અને સ્થાનિક પોલીસને સાથે રાખીને આરોપીના લોકેશનના આધારે આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીને ઝડપી તેની પાસેથી પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપીએ સુરત ખાતે રહેતા રત્નેશ નામના વ્યક્તિના ઘરે 15 લાખ રૂપિયા મૂક્યા છે તેથી ઉમરા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી રત્નેશની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી દેવચંદ્રકુમાર, મુન્નાનંદ ઉમેશરાય અને રત્નેશકુમાર અશોકરાયની ધરપકડ કરી છે.
આરોપીએ ચોરી કરવાનું કારણ પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપીના ભાઈને દાંતની તકલીફ હતી અને આરોપીએ તેના શેઠને દાંતની તકલીફ દૂર કરવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત આરોપીએ પોતાની પત્નીની સાડી ખરીદવા માટે પણ શેઠને જણાવ્યું હતું પરંતુ ફ્લેટ માલિક દ્વારા આરોપીની આ ડિમાન્ડ પૂરી કરવામાં ન આવતા તેને શેઠ સાથે અનબન થઈ હતી અને ઘરમાં ચોરી કરવાનું કાવતરું રચ્યું હતું. હાલ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી 54,36,867 રૂપિયાના સોના ચાંદીના દાગીના 17,91,500 રોકડા રૂપિયા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.