- સોશિયલ મીડિયા મારફત વાતચીત કરી બાળકીને ફસાવી લીધી’તી : ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી હકાની ધરપકડ કરી
સોશિયલ મીડિયાનો ઉપયોગ કેટલાક લોકો પોતાના બદઈરાદાને પાર પાડવા કરતા હોય તેવા અનેક બનાવો સામે આવી ચુક્યા છે. ત્યારે આવો વધુ એક બનાવ રાજકોટ શહેરમાંથી સામે આવ્યો છે. શહેરમાં રહેતાં એક દંપતિની ધોરણ-10માં ભણતી 14 વર્ષની દિકરીને સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ થકી સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના પીપળીધામ ગામે આશ્રમમાં રહેતાં મુળ માણસા ગાંધીનગરના રામપુરાના 22 વર્ષના શખ્સે સોમવારે બપોરે માતા-પિતા હાજર ન હોઇ ફ્લેટમાં ઘુસી જઇ બાળકી સાથે અત્યંત બિભત્સ હરકતો કરી લેતાં તે વખતે જ બાળકીની માતા બહારથી ઘરે આવી જતાં આ શખ્સ રંગેહાથ ઝડપાઇ ગયો હતો. તેને અર્ધનગ્ન હાલતમાં રહેવાસીઓએ બેસાડી રાખી પોલીસને જાણ કરી હતી. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે માતાની ફરિયાદ પરથી હાલ સુરેન્દ્રનગર પાટડીના પીપળીધામ ગામે રહેતાં મુળ ગાંધીનગર માણસાના વાઘેલાવાસના મહાવીરસિંહ ઉર્ફ હકો ભુપેન્દ્રસિંહ વાઘેલા (ઉ.વ.22) વિરૂધ્ધ બીએનએસની કલમ 75 (2) તથા પોક્સો હેઠળ જાતીય સતામણીનો ગુનો નોંધી તેને દબોચી લીધો છે.
સમગ્ર ઘટનામાં ભોગ બનનારની માતાએ પોલીસને આપેલી ફરિયાદ મુજબ તેમના પતિ નાસ્તાની લારી રાખી ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. દિકરી જે 14 વર્ષ અને સાત મહિનાની છે તે ધોરણ-10માં ભણે છે. પરિણીતાના જણાવ્યા અનુસાર આજથી પાંચેક મહિના પહેલા હું મારા બાળકોને લઇ સુરેન્દ્રનગરના પાડી ગામે દર્શન કરવા ગઇ હતી ત્યારે અમે ત્રણેય ત્યાં પંદરેક દિવસ રોકાયા હતાં. મારી દિકરી ઇન્સ્ટાગ્રામમાં આશ્રમ ખાતે કામ કરતાં મહાવીરસિંહ ઉર્ફ હકો વાઘેલા સાથે સંપર્કમાં આવી હતી. બાદમાં બંને મેસેજ કરી વાત કરતા હતાં. મને આ વાતની જાણ થતાં મેં મારા મોબાઇલમાંથી ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશન ડીલીટ કરી નાખી હતી. તેમજ મારી દિકરીને ફોન આપવાનું બંધ કરી દીધુ હતું. પણ દિકરી ભણતી હોઇ તેને હોમવર્ક મોબાઇલ ફોનમાં આવતું હોઇ ફરી એકવાર ફોન આપ્યો હતો.
ગઈકાલે બપોરે પોણા બારેક વાગ્યે હું રસોઈ બનાવીને મારા પતિના નાસ્તાના સ્ટોલ પર ગઇ હતી. એ વખતે દિકરી ઘરે એકલી હતી. સાડા ત્રણેક વાગ્યે હું ઘરે પાછી આવી ત્યારે દરવાજો ખુલ્લો હોઇ ઘરમાં જતાં મારી દિકરી બેડરૂમમાંથી ઉભી થઇ સામે આવી હતી. અંદર રૂમમાં બીજુ પણ કોઇ હોવાની શંકા જતાં મેં દિકરીને પુછતાં તેણે કોઇ નથી એવું કહ્યું હતું. પણ મેં અંદર જઇને જોતાં રૂમમાં મહાવીરસિંહ ઉર્ફ હકો વાઘેલા બેડરૂમના બાથરૂમમાં છુપાયેલો મળ્યો હતો. તેને બહાર કાઢતાં તે અર્ધનગ્ન હાલતમાં હતો. અહિ શું કરે છે? પુછતાં તેણે કોઇ જવાબ આપ્યો નહોતો. પછી મેં મારા પતિને ફોન કરી બોલાવ્યા હતાં. તેણે મહાવીરસિંહને ઠપકો આપેલો અને તે ફરી તેના ધંધાના સ્થળે જતા રહ્યા હતાં, જ્યાં મારો દિકરો એકલો હતો. મારા પતિએ પોલીસને ફોન કરવાનું કહેતાં મહાવીરસિંહ ઉર્ફ હકાને ઘર બહાર જ અર્ધનગ્ન હાલતમાં બેસાડી રાખ્યો હતો. તેમજ મારા પતિએ મને અને દિકરીને ધંધાના સ્થળે ચોકડીએ આવવાનું કહેતાં મહાવીરસિંહ જતો ન રહે તે માટે તેનું બેગ અમે સાથે લઇ લીધુ હતું. અમે રેકડીનો સામાન પેક કરી પરત ઘરે આવ્યા ત્યારે માણસો ભેગા થઇ ગયા હતાં. મહાવીરસિંહ ઉર્ફ હકાનો થેલો ચેક કરતાં તેમાંથી કોન્ડોમનું સીલપેક પેકેટ અને છરી મળી આવ્યા હતાં. અમે બાદમાં સિક્યુરીટી અને આજુબાજુવાળા આ શખ્સને ગેઇટ પાસે મુકી આવ્યા હતાં.
આ પછી અમે દિકરીને પુછતાં તેણીએ કહેલુ કે હું મહાવીરસિંહ ઉર્ફ હકાને નવમા ધોરણમાં ભણતી ત્યારથી સોશિયલ મિડીયા સ્નેપચેટ થકી ઓળખુ છું અને અમે ત્યારથી વાતો કરીએ છીએ. આજે 21મીએ તેણે પોતે રાજકોટ આવ્યાનું અને મળવાની વાત કરતાં તે બપોરે આપણા ઘરે આવ્યો હતો. હું સોફા પર બેઠી હતી ત્યારે તેણે મારી બાજુમાં આવી મને કિસ કરી બાથ ભીડી લીધી હતી અને અડપલા કરી લીધા હતાં. મને બીક લાગતાં કપડા પહેરી લીધા હતાં અને બેડરૂમમાં જતી રહી હતી.મહિલાએ ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે મારી સગીર દિકરીને લલચાવી ફોસવાવી બદ ઇરાદે જાળમાં ફસાવી હોઇ અને ઘરે આવી જાતીય સતામણી કરી બિભત્સ હરકતો કરી હોવાથી ફરિયાદ કરી હતી. પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં પીએસઆઇ પી. બી. વારોતરીયાએ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ વિશેષ કાર્યવાહી કરી હતી. હાલ સમગ્ર મામલાની તપાસ પીએસઆઈ મકરાણી ચલાવી રહ્યા છે.
આશ્રમે દર્શન કરવા ગયાં ત્યારે બાળકી હકા સાથે સંપર્કમાં આવી’તી
આજથી પાંચેક મહિના પહેલા ફરિયાદી ભોગ બનનારી બાળકી સહિતના સંતાનોને લઇ સુરેન્દ્રનગરના પાડી ગામે દર્શન કરવા ગઇ હતી. ત્યારે ત્રણેય ત્યાં પંદરેક દિવસ રોકાયા હતાં. દરમિયાન દિકરી ઇન્સ્ટાગ્રામમાં આશ્રમ ખાતે કામ કરતાં મહાવીરસિંહ ઉર્ફ હકો વાઘેલા સાથે સંપર્કમાં આવી હતી. બાદમાં બંને મેસેજ કરી વાત કરતા હતાં. માતાને આ વાતની જાણ થતાં મોબાઇલમાંથી ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશન ડીલીટ કરી નાખી હતી. તેમજ દિકરીને ફોન આપવાનું બંધ કરી દીધુ હતું.
ઢગાની બેગમાંથી છરી અને આપત્તિજનક વસ્તુઓ મળી આવી
મામલામાં પ્રાપ્ત વિગત અનુસાર માતાએ હકાને રંગે હાથ ઝડપી લીધા બાદ તેની પાસે રહેલી બેગ ચેક કરવામાં આવી હતી. મહાવીરસિંહ ઉર્ફ હકાનો થેલો ચેક કરતાં તેમાંથી કોન્ડોમનું સીલપેક પેકેટ અને છરી મળી આવ્યા હતાં.