- કાપડ વેપારીને કાર ચાલક નબીરાએ અડફેટે લેતા વેપારીનું ઘટના સ્થળે મોત
- પોલીસે ફેટલનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
સુરતના ઉધના દરવાજા ઓવર બ્રિજ પર નબીરાએ ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. જેમાં એક કાપડ વેપારીને કાર ચાલક નબીરાએ અડફેટે લેતા વેપારીનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવને પગલે કાર ચાલક નબીરાની સલાબદપુરા પોલીસે ધરપકડ કરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અકસ્માત સર્જનાર નબીરો કારને દારૂના નશામાં ઓવર સ્પીડ પર ચલાવતો હતો.અગાઉ ઉમરા વિસ્તારમાં દારૂના નશામાં પેટ્રોલ પંપ પણ સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ મામલે સલાબતપુરા પોલીસે ફેટલનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, સુરતના સીટી લાઈટ વિસ્તારમાં આવેલા સહારે એપાર્ટમેન્ટમાં 45 વર્ષીય સંજય ધૂત વતન રાજસ્થાનથી સુરત આવતા માતા પિતાને લેવા માટે સુરત રેલ્વે સ્ટેશન જઈ રહ્યા રહ્યા હતા. દરમિયાન ઉધના દરવાજા બ્રિજ પર તે પસાર થઈ રહ્યા હતા. ત્યારે દેવ આહીર નામનો એક નબીરો દારૂના નશામાં પુરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો. દરમિયાન તેણે સંજયની બાઇકને પૂર ઝડપે ટક્કર મારી હતી. જેથી સંજય 15 થી 20 ફૂટ જેટલો ફેકાઈ ગયો હતો અને રોડ ની બીજી તરફે ફંગોડાયને પડ્યા હતા. જેને લઇ આ ઘટનામાં 45 વર્ષીય સંજય ધૂતનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. એટલું જ નહીં નબીરા દેવ આહીર દ્વારા સર્જવામાં આવેલો અકસ્માત એટલો ગંભીર હતો કે કારે બાઇકને ટક્કર માર્યા બાદ બ્રિજની વચ્ચેનું ડિવાઇડર કૂદી રોંગ સાઈડમાં ઘૂસી ગયો હતો અને ત્યારબાદ યુ ટર્ન લગાવીને ફરી ડિવાઈડર ની વચ્ચોવચ કાર ઉભી રહી ગઈ હતી. કારની ટક્કર અને બ્રિજની વચ્ચે આવેલા ડિવાઈડર પર મુકેલા કુંડાઓ સાથે ટક્કરના કારણે કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. આ કારનો અકસ્માત એટલો ખતરનાક હતો કે રસ્તાઓ પર કારના ટાયરના અને તેવા ઘસરકાઓ પણ થઈ ગયા હતા. અકસ્માત કર્યો ત્યારે દેવ આહીરની કારની સ્પીડ 100થી વધુ હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
ત્યારે અકસ્માતમાં મોતને ભેટનાર 45 વર્ષીય સંજય ધૂત મૂળ રાજસ્થાનના છે અને સુરતમાં બોમ્બે માર્કેટમાં સાડીના વેપારી છે. સામાન્ય પરિવાર ધરાવે છે. રાજસ્થાનથી આવતા તેમના માતા-પિતાને રેલવે સ્ટેશન બાઈક ઉપર લેવા ગયા હતા અને કાળમુખી અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માતમાં ઘટના સ્થળે તેમનું મોત નીપજતા પરિવાર અચાનક વિખાઈ ગયો હતો. 21 વર્ષીય તેમનો એકનો એક દીકરો છે અને પરિવારનો તમામ આધાર સંજયભાઈ જ હતા. ત્યારે આજે અકસ્માતમાં અકાળે મોત થઈ જતા પરિવાર પણ આવા નબીરા સામે કડક કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ માંગ કરી રહ્યું છે