- રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકા હૃદય ધ્રુજાવી દેનારી ઘટના
- મોટાવડાની સરકારી શાળામાં અભ્યાસ કરતા છાપરા ગામના ધ્રુવિલ વરૂનામના વિદ્યાર્થીએ સુસાઇડ નોટ લખી, વીડિયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો’તો
રાજકોટમાં હચમચાવી નાખે એવો બનાવ સામે આવ્યો છે. જેમાં શિક્ષકોના દબાણના કારણે ધોરણ 11ના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. તો આપઘાત કરતા પહેલા વિદ્યાર્થીએ મોબાઈલમાં બે વીડિયો બનાવ્યા હોવાનું અને સુસાઈડ નોટ લખી હોવાનું સામે આવ્યું છે. હાલ મેટોડા પોલીસે સુસાઈડ નોટ અને વીડિયોના આધારે મોટા વડાની સરકારી શાળાના આચાર્ય અને શિક્ષિકા વિરુદ્ધ આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધ્યો છે.
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના છાપરા ગામે રહેતા અને મોટાવડાની ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં ધોરણ 11માં અભ્યાસ કરતા ધ્રુવિલ વરુ નામના વિદ્યાર્થીએ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા મેટોડા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા વિદ્યાર્થીના મોબાઈલમાંથી બે વીડિયો મળી આવ્યા હતા. તો સ્થળ પરથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી.
જેમાં મોટાવડાના શાળાના શિક્ષકે પરીક્ષાના પેપર ચેકિંગને લઈને વિદ્યાર્થીને પોલીસ કેસની ધમકી આપી હોવાથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. વિદ્યાર્થીએ સુસાઈડ નોટમાં બે શિક્ષિકા અને એક શિક્ષકનું નામ પણ લખ્યું છે. તેણે શિક્ષિકા મોસમીબેન, વિભુતિબેન અને આચાર્ય સચિનભાઈ ત્રાસ આપતા હોવાના સુસાઈડ નોટમાં આક્ષેપ કર્યા છે.
જેના આધારે મેટોડા પોલીસે મોટાવડા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય સચિનભાઈ વ્યાસ, શિક્ષિકા મોસમીબેન શાહ અને વિભૂતિબેન જોષી વિરુદ્ધ બીએનએસની કલમ 108 અને 54 હેઠળ આપઘાતની દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ધ્રુવિલે સુસાઈડ નોટમાં શું લખ્યું છે?
ધ્રુવિલ વરુ દ્વારા જે સુસાઈડ નોટ લખવામાં આવી છે, તેમાં હેડિંગમાં ‘મારા મોતનું કારણ વાંચજો’ તેવું લખવામાં આવ્યું છે. તેમજ ત્યારબાદ સુસાઈડ નોટની શરૂઆતમાં આઇ લવ યુ મોમ, આઇ લવ યુ પાપા જેવા લખાણો લખવામાં આવ્યા છે. તો સાથે જ લખવામાં આવ્યું છે કે, મમ્મી અને પપ્પા મારો કોઈપણ જાતનો વાંક નહોતો. મારા ટીચરને મેં સાબિત કરીને આપ્યું હતું કે પેપર મેં ઘરેથી નથી લખ્યું, તેમ છતાં તેમણે મને પોલીસની ધમકી આપી અને મારા પેપરમાં ચોકડા માર્યા, કાલે મેં ખુદ પેપર એમના હાથમાં આપ્યું હતું તો પણ તેમણે મારા ઉપર પોલીસ કેસની ધમકી આપી હતી.બી.એ.ના પેપરમાં મારું બધું સાચું લખાણ હતું તો પણ મને મોઢે પ્રશ્ન પૂછ્યા અને એકમ કસોટીના પેપરમાં પણ આવું જ કર્યું હતું. ત્યાં પણ મારી પાસે મોઢે પેપર લખાવ્યું હતું. 25માંથી 23 માર્ક્સ આવ્યા હતા તો પણ મારી સાથે આજે પણ તેણે આવું જ કર્યું. મમ્મી આજે આ પગલું ના ભર્યું હોત તો સોમવારે હું પોલીસ સ્ટેશનમાં હોત જેના કારણે મારે આ પગલું ભરવું પડ્યું છે. મેં સરને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ મારા ઉપર પોલીસ કેસ કરવાના છે, તેથી મેં આ પગલું ભર્યું.મમ્મી મારા ભાઈબંધ સાથે ઝાલા ધ્રુવ અને અક્ષય રાજની સાથે પણ એકમ કસોટીમાં આવું કર્યું હતું. પણ આમાં સોલંકીસર મારી સાથે હતા. પણ મોસમી મેડમ, સચિનસર અને વિભૂતિ મેડમે જ મારી સાથે આવું કર્યું. મારા ગુરુ સોલંકી સર છે તેમણે મારો સાથ આપ્યો હતો.