વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં વેસુ સ્થિત જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંત્રીએ સુરત જિલ્લાના વિવિધ ગામોમાં મંજુર થયેલા, પૂર્ણ થયેલા અને બાકી રહેલા આવાસો અંગે સમીક્ષા કરી બાકી રહેલા કામો સત્વરે પૂરા કરવા અધિકારીઓને સૂચના આપી હતી. રાજ્યમંત્રીએ તાલુકા પંચાયતના સભ્યો, સુડાના અધિકારીઓ, મકાન બાંધકામ એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરી લાભાર્થીઓને આવાસ મળી જાય એ માટે તાકીદ કરી હતી.

અધિકારીઓને સમયાંતરે કામગીરીની પ્રગતિ અંગે સ્વયં સ્થળ નિરીક્ષણ કરી કરવા માટે સૂચનો કર્યા હતા. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ સરકારી આવાસ યોજનાના લાભથી વંચિત ન રહે, માટે અધિકારી અને પદાધિકારીઓએ પરસ્પર સંકલનમાં રહી સહિયારા પ્રયાસો કરે એ ઇચ્છનિય છે એમ વધુમાં ઉમેર્યું હતું. બેઠક દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, ધારાસભ્ય સંદિપ દેસાઇ, ઇશ્વર પરમારે પણ ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી. પ્રજાપતિ, પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, તાલુકા પંચાયત પ્રમુખ નિતા પટેલ, તાલુકા વિકાસ અધિકારીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ અગ્રણી બ્રિજેશ પટેલ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.