- નવસારીના ગણદેવીમાં સ્વામિનારાયણ ગુરૂકુલમાં નવનિર્મિત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા ઘનશ્યામ ગોપાલન, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ગણદેવી, નવસારી ખાતે નવનિર્મિત સાંસ્કૃતિક ગૌધામ તેમજ મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્યાતિભવ્ય મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે નવસારી સાંસદ અને ભારત સરકારના કેન્દ્રિય જળમંત્રીશ્રી સી.આર.પાટીલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંસ્થાનમાં સ્વચ્છતા, શિક્ષણ અને શિસ્તની પ્રતિતિ થાય છે. ફક્ત સેવાની ભાવના સાથે સ્વામિનારાયણ સંપ્રદાન કાર્યરત છે. શિક્ષણ સાથે સંસ્કારનું સમન્વય પોતાના બાળકોમાં મળશે તેવી ભાવનાથી માતા પિતા આ સંસ્થામાં વિદ્યાર્થીઓને શિક્ષણ માટે મોકલે છે. જેના માટે સ્વામિનારાયણ સંસ્થા અભિનંદનને પાત્ર છે.
પાટીલે વધુમાં ઉમેર્યું હતું કે, ‘કેચ થ રેઇન’ અભિયાન અંગે સૌને જાણકારી આપી વરસાદી પાણીને બચાવવા રેઇન વોટર હાર્વેસ્ટ કરવા તથા ‘ગામનું પાણી ગામમા જ રહેવું જોઇએ’ એમ અપીલ કરતા પોતાના ઘર અને ફેક્ટરીમાં પાણીની બચત કરવા કહ્યું હતું. તેમણે તમામ સ્વામીજી તથા ગુરૂજનોને આ અભિયાનમા જોડાવા આગ્રહ કર્યો હતો. આ પ્રસંગે વડતાલધામ લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાનના પીઠાધિપતિ ધર્મધુરંધર પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજીમહારાજે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ગુરૂકુળ અને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જળ સંચયના અભિયાનમાં જોડાઇશું એમ ખાત્રી આપી હતી. વધુમાં તેઓએ કહ્યું હતું કે 21 વર્ષમાં અમને 850 ઉપરાંત મુમુક્ષુઓને સંત દીક્ષા આપવાનું સદભાગ્ય મળ્યું છે. તેમાં 200 ઉપરાંત જૂનાગઢ દેશના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટના દેવકૃષ્ણદાસ સ્વામીના ‘શિષ્યોને દીક્ષા આપી છે. સદૈવ નવિનતમ આયોજન આપી રહેલા ધર્મવલ્લભદાસ સ્વામીના માર્ગદર્શન અનુસારે વડતાલ શ્રીલક્ષ્મી નારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં સાંસ્કૃતિક પ્રદર્શનનું નિર્માણ કરી રહ્યા છે.પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર અહીં 60 વર્ષથી ગૌ સેવા, 25 વર્ષથી આદિવાસી ઉત્કર્ષ તેમજ 16 વર્ષથી ધર્મજીવન સંત પાઠશાળા ચાલે છે. 160 ઉપરાંત સંતો સંસ્કૃત, સંગીત, કથા પ્રવચનો સાથે સંત જીવનના ધર્મોને શીખી સેવારત બન્યા છે. અહીં ઘનશ્યામ ગોપાલન નવસારીની પુણ્ય ભૂમિમાં 200 ઉપરાંત ગીર ગાયોના નિવાસ છે. 24 વિઘામાં ભારતીય સંસ્કૃતિ તેમજ માનવ જીવનને ઉજાગર કરતું ભવ્યાતિ ભવ્ય સાંસ્કૃતિક ગૌધામ તેમજ પંચ શિખરયુક્ત ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે.વડતાલધામ લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાનના પીઠાધિપતિ ધર્મધુરંધર પરમ પૂજ્ય 1008 આચાર્ય રાકેશપ્રસાદજીમહારાજના શુભ હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા કરાઈ હતી. સંતોએ પંચામૃતથી ભગવાનને અભિષેક કરેલ.આ પ્રસંગે ગૌધામના મુખ્ય દાતા શ્રી હરિ ગૃપના ચેરમેન અને રાજકોટ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી રાકેશભાઈ દુધાત, મહેશભાઈ ધામેલીયા, દયાળભાઈ તથા તુલસીભાઈ ગોટી, ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇ, મેયર, જિલ્લા તાલુકાના વિવિધ પદાધિકારીઓ, રાજકોટમાં ક્ધયા ગુરુકુલના ભૂમિદાતા વસંતભાઈ લીંબાસીયા, મગનભાઈ ભોરણીયા- મોરબી, જસદણથી શ્રીહરી નમકીનના ચેરમેન ‘વિપુલભાઈ સુલીયા, મુંબઈથી મેઘજીભાઈ બંગારી, રમેશભાઈ લખાણી, ધનજીભાઈ બેરા, મનજીભાઈ ગજોરા, રૂપસીભાઈ બારસાણીયા વગેરે હરિભક્તો તથા રાજકોટ જૂનાગઢ, અમદાવાદ, સુરત, મુંબઇ, જસદણ, પારડી, નીલકંઠ ધામ પોઈચા, વડોદરા, વગેરે ગુરૂકુલોથી પૂ.સંતો ઉપસ્થિત રહ્યા હતા.