- સદ્ગુરૂ જગ્ગીને મોટી રાહત
- બંને યુવતીઓ પોતાની મરજીથી આશ્રમમાં રહેતી હોવાની કબૂલાતના આધારે સર્વોચ્ચ અદાલતનું તારણ
સદગુરુ જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ઈશા ફાઉન્ડેશન વિરુદ્ધ હાઈકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીને રદ કરી દીધી છે. કોર્ટે કહ્યું કે મદ્રાસ હાઈકોર્ટ દ્વારા આવી અરજી પર તપાસનો આદેશ આપવો તે સંપૂર્ણપણે અયોગ્ય છે. પિતાની અરજી ખોટી છે કારણ કે બંને છોકરીઓ પુખ્ત છે અને તેઓ પોતાની મરજીથી આશ્રમમાં રહે છે.
સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ ઈશા ફાઉન્ડેશને જણાવ્યું છે કે, શુક્રવારે અદાલતે ઈશા ફાઉન્ડેશન વિરુદ્ધનો કેસ ફગાવી દીધો હતો અને દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ સંસ્થાને બદનામ કરવા માટે અરજીઓનો ઉપયોગ ન કરી શકાય.
ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડે નોંધ્યું હતું કે, જયારે કોર્ટ યોગ્ય પ્રક્રિયાનું પાલન કરે છે ત્યારે તે કાર્યવાહી લોકોને અને સંસ્થાઓને બદનામ કરવા માટે ન હોઈ શકે. કોર્ટે પુષ્ટિ કરી હતી કે, 39 અને 42 વર્ષની બે મહિલા બ્રહ્મચારીઓ તેમની પોતાની સ્વતંત્ર ઈચ્છાથી ફાઉન્ડેશનમાં રહે છે.
અદાલત દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ બંને વ્યક્તિઓ પુખ્ત વયની છે. જયારે તેઓ આશ્રમમાં જોડાયા ત્યારે પણ તેઓ પુખ્ત હતા. તેઓ કોઈમ્બતુરમાં ઈશા ફાઉન્ડેશનમાં રહેવાનું ચાલુ રાખવાની તેમની સ્પષ્ટ ઈચ્છા વ્યક્ત કરી છે. આ જોતા હેબિયસ કોપર્સ અરજીનો હેતુ યોગ્ય રીતે પૂરો થયો છે. હાઇકોર્ટ દ્વારા વધુ કોઈ નિર્દેશની જરૂર રહેતી નથી.
હેબિયસ કોપર્સ અરજીનો નિકાલ કરતી વખતે બંધારણના અનુચ્છેદ 226 હેઠળ કોર્ટનો અધિકારક્ષેત્ર સ્પષ્ટ છે. મદ્રાસ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી હેબિયસ કોપર્સ અરજીમાંથી ઉદભવેલી આ કાર્યવાહીના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરવું આ કોર્ટ માટે બિનજરૂરી રહેશે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આ કાર્યવાહીમાં જે એકમાત્ર પાસું હાથ ધરવામાં આવ્યું છે તે હેબિયસ કોપર્સ અરજીને લગતું છે અને મામલાનું તે પાસું બંધ થશે.
સુપ્રીમ કોર્ટનાં ચુકાદાને આવકારતા માં માયુ અને માં મતિએ જણાવ્યું છે કે, અમે બ્રાહ્મચારીનું જીવન જીવવાના અમારા નિર્ણયને સમર્થન આપવા બદલ સુપ્રીમ કોર્ટનાં ચુકાદાથી અત્યંત ખુશ છીએ. અમે જ્યાં જન્મેલા તે પરિવાર દ્વારા કરવામાં આવેલા કેસથી અમને અત્યંત દુ:ખ પહોંચ્યું છે પણ અમે ઈશાના વોલેન્ટીયર્સ, સદગુરુ અને શુભેચ્છકોનો આભાર માનીએ છીએ.