આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે અરવલ્લી શહેરમાં પોલીસ પણ એલર્ટ મોડમાં છે. પોલીસ દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમજ દિવાળીના તહેવાર દરમ્યાન બહાર ગામ જતી વેળાએ, ખરીદી કરવા જતી વેળાએ તેમજ બેંકમાં રૂપિયા ઉપાડવા જતી વેળાએ શું શું તકેદારીઓ રાખવી તેની માહિતી લોકોને આપવામાં આવી રહી છે.
આ સાથે જ તહેવારો દરમ્યાન લોકો બજારમાં ખરીદી કરવા જતા હોય છે. આ ઉપરાંત રૂપિયાની લેવડ દેવડ પણ વધુ થતી હોય છે. તેમજ લોકો પરિવાર સાથે વતન તેમજ બહારગામ ફરવા પણ જતા હોય છે, ત્યારે ઘરફોડ ચોરી, લૂંટ જેવા બનાવો ના બને તે માટે પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન પણ શરુ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત દિવાળીના તહેવારને લઈ અરવલ્લી પોલીસ એક્શન મોડમાં આવી છે. જેમાં મોડાસાના જીવણપુર પાસેના છારાનગરમાં પોલીસની રેડ પાડી હતી. જેમાં ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા છારાનગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસની રેડ સાથે ASP, PI, PSI સહિતના પોલીસ અધિકારીઓ અને 40 જેટલા પોલીસ કાફલા સાથે કોમ્બિંગ હાથ ધાર્યું હતું. ત્યારે પોલીસની રેડ દરમિયાન 1650 લીટર વૉશ અને દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ સાથે પોલીસ દ્વારા છારાનગર વિસ્તારમાં કડક કાર્યવાહી હાથ ધરી પ્રોહીબિશનના 5 જેટલા કેસો નોંધવામાં આવ્યા હતા.
ઋતુલ પ્રજાપતિ