• અલગ-અલગ વેપારી એસોસિએશન દ્વારા રજૂઆત કરાયા બાદ તંત્ર દોડ્યું: ફેરીયાઓને ન બેસવા દેવાયા: લાખાજીરાજ સ્કૂલમાં ફેરીયાઓ માટે વ્યવસ્થા કરાશે

શહેરના લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ અને ઘી કાંટા રોડ પર પાથરણાંવાળા અને લારીવાળાઓના બેફામ ત્રાસથી ત્રાહીમામ પોકારી ગયેલા વેપારીઓ દ્વારા ગઇકાલે ધારાસભ્યો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સાથે રાખી દબાણ પ્રશ્ર્ને મ્યુનિ.કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જેના આજે પડઘા પડ્યા છે. આજે સવારથી લાખાજીરાજ રોડ પર કોર્પોરેશનની દબાણ હટાવ શાખાની બે ગાડીઓ દ્વારા સતત ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એકપણ ફેરીયાને રોડ કે ફૂટપાથ પર બેસવા દેવામાં આવતા નથી. જ્યારે વેપારીઓને પણ દુકાનની બહાર દબાણ ન કરવા સૂચના આપવામાં આવી છે.

શહેરની રાજાશાહી વખતની મુખ્ય બજારોમાં પાથરણાં અને લારીવાળાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. દિવાળીની સિઝનમાં ખૂબ જ મોટી માત્રામાં પાથરણાં વાળાઓ ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ અને ઘી કાંટા રોડ પર આવી જતાં હોવાના કારણે શો-રૂમ અને દુકાનધારકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. ગઇકાલે અલગ-અલગ પાંચ વેપારી એસોસિએશન દ્વારા દબાણ અંગે રજૂઆત કરવામાં આવી હતી અને જો પ્રશ્ર્નનો નિરાકરણ નહિં આવે તો ઉપવાસ આંદોલન પર બેસી જવાની ચીમકી આપ્યા બાદ આજથી કોર્પોરેશનનું તંત્ર હરકતમાં આવી ગયું છે. સવારથી દબાણ હટાવ શાખાની બે ગાડીઓ દ્વારા સતત ચેકીંગ હાથ ધરવામાં આવે છે. ફેરીયાઓને રોડ પર કે ફૂટપાથ પર ન બેસવા દેવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે વેપારીઓને પણ દુકાનની બહાર ફૂટપાથ પર દબાણ ન કરવા જણાવી દેવામાં આવ્યું છે. ગુજરી બજાર સુધી ચેકીંગ ઝુંબેશ ચાલી રહી છે. દુકાનદારોને માલ દુકાનમાં જ રાખવા તાકીદ કરવામાં આવી છે.

દરમિયાન પેટીયું રળતાં પાથરણાંવાળા અને લારીવાળાઓની રોજી-રોટી ન છીનવાઇ જાય તે માટે ફેરીયાઓનો લાખાજીરાજ સ્કૂલના પ્લોટમાં બેસવાની મંજૂરી આપવામાં આવશે. જે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. ચેકીંગ દરમિયાન એવું માલૂમ પડ્યું હતું કે આડેધડ વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. આ અંગે ટ્રાફિક પોલીસને પણ જાણ કરી દેવામાં આવી છે. દિવાળી સુધી દબાણ હટાવ શાખા દ્વારા સતત ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ અને ઘી કાંટા રોડ પર ચેકીંગ ચાલુ રાખવામાં આવશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.