નવસારી જિલ્લાનો વાંસદા એટલે કૃષિ ક્ષેત્રમાં અગ્રેસર તાલુકો. વાંસદા તાલુકાના સતિમાળ ગામના સુભાષ ગરાસિયાએ પોતાની આગવી કોઠાસૂઝથી શાકભાજીની ખેતીમાં કાઠું કાઢ્યું છે. સુભાષએ એક ખેડૂત તરીકે ખૂબ પ્રગતિશીલ ખેતી કરી રહ્યા છે. ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને તેમણે ખેડૂતો માટે એક નવો રાહ ચીંધ્યો છે. સુભાષભાઈએ સાત વીઘા જમીનમાં મરચીની ખેતી કરવાનું નક્કી કરી જમીન તૈયાર કરી દીધી. સાથે-સાથે રાજય સરકાર દ્વારા આપવામાં આવતી ડ્રીપ ઇરીગેશનની સહાય પણ મેળવી. સમગ્ર ખેતરમાં ડ્રીપ ઇરીગેશન કરવાની સાથે મલ્ચિંગ પદ્ધતિનો ઉપયોગ કર્યો. જેથી પાણીની બચત અને નિંદામણથી છૂટકારો મેળવી શકાય.
સુભાષભાઈ જણાવે છે કે, શાકભાજી પાક મરચામાં ડ્રીપ ઇરિગેશન અને મલ્ચિંગનો ઉપયોગ કરી વૈજ્ઞાનિક પદ્ધતિથી મરચાની ખેતી કરવાથી સમય,પાણી, મજૂરી ખર્ચ, વીજળીની બચત સાથે સારૂં ઉત્પાદન પણ મળે છે. ડ્રિપ ઇરીગેશન દ્વારા દરેક છોડ ને પુરતા પ્રમાણમાં પાણી તેમજ ખાતર જરૂરી માત્રામાં મળી રહે છે. ઉપરાંત પ્રવાહી જૈવિક ખાતરના ઉપયોગથી રાસાયણિક ખાતરના ખર્ચમાં ઘટાડો થયો છે. મલ્ચિંગ કરવાથી નિંદામણ થતું નથી, એટલું જ નહીં પણ જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે અને વરસાદી વાતાવરણની વચ્ચે મલ્ચિંગના ખાસ આવરણ વ્યવસ્થા સાથે થતી મરચાની ખેતીથી ઉત્પાદનનું પ્રમાણ ઘણું વધે છે. જેનુ ખૂબ સારૂં પરિણામ મળ્યું છે. આ વર્ષ દરમિયાન મરચાની મલ્ચીંગ ખેતી દ્વારા 750 મણનું ઉત્પાદન કરી એક મણના 1500 થી 1700 સુધી ભાવે વેચાણ કરી લાખોમાં આવક મેળવી છે.
સુભાષભાઈએ આધુનિક કૃષિ પધ્ધતિ મલ્ચિંગ અને ટપક સિંચાઈ પદ્ધતિનો પણ ઉપયોગ સાથે રાજ્ય સરકારના નવસારી બાગાયત વિભાગ તરફથી સબસીડીનો લાભ પણ મળ્યો છે સુભાષભાઈએ બાગાયત વિભાગ દ્વરા મળેલ સહાય વિશે જણાવ્યું કે અગાઉ મને મલ્ચિંગ ખેતી વિશે કોઇ પણ પ્રકારની જાણકારી ન હતી. સરકારના બાગાયત વિભાગ દ્વારા તેના વિષે જાણકારી અને આથિક સહાય વિશે સંપૂર્ણ જાણકારી મળી અને આ વર્ષમાં રૂા. 49,000/- સુધીની સહાય બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવી છે. નવસારી જિલ્લાના ખેડૂતો ખેતીની પદ્ધતિમા ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે, એ માટે નવસારી બાગાયત ખાતા દ્વારા, વિવિધ વિસ્તરણ પ્રવૃતિઓ જેવી કે ફિલ્ડ વિઝીટ, ડાયગ્નોસ્ટીક વિઝીટ, નિદર્શનો તથા વિવિધ તાલીમો દ્વારા ખેડૂતોને સતત માર્ગદર્શિત કરવામા આવી રહ્યા છે. સાથે ખેડૂતોને વિવિધ પાકોની પુરતી માહિતી પણ સતત પુરી પાડવામા આવી રહી છે. ખેતીની આવકના પૈસા, ખેતીમા જ રોકીને ખેતીનો સામૂહિક વિકાસ કરવાની નેમ સાથે, ખેતી એક આધુનિક વ્યવસાય તરીકે અપનાવી, પોતાની મહેનત મજૂરીથી જમીનને સિંચતા સુભાષભાઈ જેવા યુવાનો અન્યો માટે પ્રેરણા બન્યા છે.