સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવનું મેયર નયનાબેન પેઢડીયાના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી રંગારંગ ઉદઘાટન કરાયું: ત્રિ-દિવસીય યુવક મહોત્સવમાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગમાં કુલ 33 સ્પર્ધાઓ યોજાશે:  1803 સ્પર્ધકો પોતાની કલા રજૂ કરશે

શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરીયાને છેલ્લી ઘડીએ સરકારની અગત્યની કામગીરી આવતા ઉપસ્થિત રહી શકયા નહી: બંને મંત્રીઓએ યુવક મહોત્સવમાં ભાગ લેનાર સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી

યુવક મહોત્સવના ઉદઘાટન સમારોહમાં કણસાગરા મહિલા કોલેજ તથા ખામટાની મહિલા કોલેજ દ્વારા પ્રાચીન રાસ રજૂ કરાયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 52 મા યુવક મહોત્સવ “ઉદેતી” નું રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા તથા કુલપતિ  પ્રોફે. (ડો.) કમલસિંહ ડોડીયાના વરદહસ્તે દીપપ્રાગટય કરી રંગારંગ ઉદઘાટન કરવામાં આવેલ હતું.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ  પ્રોફે. (ડો.) કમલસિંહ ડોડીયા દ્વારા મેયર નયનાબેન પેઢડીયાનું મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ હતું.

યુવક મહોત્સવનું ઉદઘાટન શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના વરદહસ્તે થનાર હતું પરંતુ શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાને છેલ્લી ઘડીએ સરકારની અગત્યની કામગીરી આવતા, ઉપસ્થિત રહી શક્યા નથી, બન્ને શિક્ષણમંત્રીઓએ યુવક મહોત્સવમાં ભાગ લેનાર સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી. યુવક મહોત્સવના ઉદઘાટન સમારોહ પ્રસંગે બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો ડો. સી.કે. કુંભારાણા, ડો. રાહુલભાઈ કુંડુ, ડો. અતુલભાઈ ગોસાઈ તથા જાણીતા હાસ્યકાર ધીરુભાઈ સરવૈયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉદઘાટન કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ ડો. રમેશભાઈ પરમારે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં યુવક મહોત્સવમાં ભાગ લેવા અનેરો ઉત્સાહ અને થનગનાટ દેખાઈ રહ્યો છે.

52 મા યુવક મહોત્સવના ઉદઘાટન પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. (ડો.) કમલસિંહ ડોડીયા જણાવ્યું હતું કે, યુવક મહોત્સવ એ યુવાનોની શકિતઓને ખીલવવાનો અવસર છે. સૌરાષ્ટ્રની ધીંગી ધરામાં કલા, સાહિત્ય, સંસ્કૃતિ, શૌર્ય અને વીરતા રહેલી છે. સૌરાષ્ટ્ર પ્રાકૃતિક ધરોહર ધરાવે છે. સૌરાષ્ટ્રમાં પર્વત, દરીયો, સમૃદ્ર જીવસૃષ્ટિ, ખેતી અને જાણીતા ધાર્મિક યાત્રાધામો આવેલા છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકામાં અને ભગવાન શ્રીસોમનાથ જ્યોતિર્લિંગ વિરાજમાન છે. સૌરાષ્ટ્રના લોકનૃત્ય, બોલીઓ, સાહિત્યકારો, બાંધણી, રીવાજો, પધ્ધતિઓ જાણીતી છે. આપણી ભાતીગળ પરંપરા અને સંસ્કૃતિને જાળવવાનું કામ આજના યુવાનો કરી રહ્યા છે.

આ ત્રિદીવસીય યુવક મહોત્સવમાં 1803 જેટલાં વિદ્યાર્થીઓ જુદી જુદી સ્પર્ધામાં ભાગ લઈ પોતાની કલા રજૂ કરવાના છે. કુલપતિશ્રીએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને મારી શુભેચ્છાઓ પાઠવું છું. યુવક મહોત્સવના ઉદઘાટન સમારોહમાં કણસાગરા મહિલા કોલેજ તથા ખામટાની મહિલા કોલેજ દ્વારા પ્રાચિન રાસ રજૂ કરવામાં આવેલ હતું.કુલપતિ પ્રોફે. (ડો.) કમલસિંહ ડોડીયા, કુલસચિવ ડો. રમેશભાઈ પરમાર,  ધીરુભાઈ સરવૈયા તથા શારીરિક શિક્ષણ નિયામકનું સુતરની આંટી અને ગ્રંથ પુષ્પથી સ્વાગત કરવામાં આવેલ હતું.

આ ત્રિદીવસીય યુવક મહોત્સવમાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગમાં કુલ 33 સ્પર્ધાઓ યોજાશે. જેમાં 1803 સ્પર્ધકો પોતાની કલા રજૂ કરશે અને કુલ 99 જેટલાં તજજ્ઞો નિર્ણાયકો તરીકે સેવા આપશે.કાર્યક્રમના પ્રારંભે જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ પોતાની આગવી શૈલીમાં લોકસાહિત્ય રજૂ કર્યું હતું. સાથે સાથે જાણીતા હાસ્યકાર  ધીરુભાઈ સરવૈયાએ પોતાની આગવી શૈલીમાં હાસ્યરસ રજૂ કરી આપણી લોકસંસ્કૃતીની વાત રજૂ કરી ભણતર પર ભાર મુક્યો હતો.યુવક મહોત્સવમાં વકૃત્વ સ્પર્ધાનો વિષય “રાષ્ટ્રભકિતની સાચી ઓળખ” તથા ડિબેટ સ્પર્ધાનો વિષય “જવાબદારી મારી અને રાજ્યની” રાખવામાં આવેલ છે.આ કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રાધ્યાપક  ડો. ભરતભાઈ ખેરે કર્યું હતું, સ્ટેજ વ્યવસ્થા પ્રોફે. ડો. જે.એમ. ચંદ્રવાડીયાએ સંભાળી હતી અને આભારવિધિ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશભાઈ રાબાએ કરેલ હતી. 52 મા યુવક મહોત્સવના ઉદઘાટન સમારોહ પ્રસંગે બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યઓ, એક્ઝીક્યુટીવ કાઉન્સીલના સભ્યઓ, ભવનોના અધ્યક્ષઓ, કોલેજોના આચાર્યઓ, પ્રાધ્યાપકઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉદઘાટન કાર્યક્રમને સફળ બનાવવા કુલપતિ પ્રોફે. (ડો.) કમલસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશભાઈ રાબા, કે.કે. બાવડા, જયસિંહ પરમાર, ઉમેશભાઈ માઢક, મૌનિકભાઈ ગઢવી તથા તમામ સમિતીઓના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

યુવાનોમાં અપાર શકિત છે: મેયર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 52 મા યુવક મહોત્સવમાં ઉપસ્થિત રાજકોટના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આ 52 મો યુવક મહોત્સવ છે. યુવક મહોત્સવ એ યુવાનોમાં રહેલી કલાને ઓળખવાનો મંચ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ યુવાનોને યુવક મહોત્સવ થકી પ્લેટફોર્મ પુરું પાડ્યું છે જે સરાહનીય છે. આજના યુવાનોમાં અપાર શક્તિઓ રહેલી છે. આપણી સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવા માટે યુવક મહોત્સવ જેવા આયોજનો થવા ખુબ જરુરી છે. આજની યુવા પેઢી શિક્ષણ અને સંશોધનની સાથે સાથે આપણી સંસ્કૃતિ, આપણું સાહિત્ય, આપણું ગૌરવને જાણે અને વધારે એ જરુરી છે.

 

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.