ભરૂચ: સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી ઘરઆંગણે મળી રહે અને તેમને ઓછામાં ઓછી મુશ્કેલી થાય તેવા પારદર્શી અભિગમ તેમજ સુશાસન નેમ સાથે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમના 10માં તબક્કાનો રાજયવ્યાપી પ્રારંભ થયો છે. આ સેવા સેતુ કાર્યક્રમમાં દસમો તબક્કા અંતર્ગત સરકારની યોજનાઓના લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોના તત્કાલ નિકાલ કરવાના હેતુ સાથે 153-ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલની ઉપસ્થિતિમાં પાટીદાર પંચની વાડી, ઝાડેશ્વર,ભરૂચ ખાતે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને પોતાના નજીકના સ્થળે મળી રહે તે માટે તાલુકા વહીવટી તંત્ર ભરૂચ દ્નારા આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર એન.આર.ધાંધલ, પ્રાંત અધિકારી મિનિષા મનાની, તાલુકા વિકાસ અધિકારી, અન્ય કર્મચારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ સેતુમાં ઉમરાજ, તવરા, ભોલાવ, નંદેલાવ, રહાડપોર, હલદર, ચાવજ, નિકોરા, સિંધોત, લુવારા, મંગલેશ્વર, ઓસારા, વડદલા, હલદરવા, અંગારેશ્વર, કરમાલી અસુરીયા,કરજણ, પગુથણ, કુવાદર,સામલોદ, શાહપુરા, ભરથાણા ઉમરા, કવિઠા, ઝનોર,ઉપરાલી, ઝાડેશ્વર આજુબાજુના ક્લસ્ટર ગામોના લોકોએ લાભ લીધો હતો.
જેમાં આરોગ્ય, અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,નાણાં વિભાગ, આઈ.સી.ડી.એસ. અને મહિલા- બાળ વિકાસ વિભાગ જેવા 13 વિભાગની 55 સેવાના લાભો લોકોને ઘર આંગણે આપવામાં આવ્યા હતા. લોકોએ આધાર કાર્ડમાં સુધારા, રાશનકાર્ડમાં સુધારા, ઉમેરો, આયુષ્માન કાર્ડ, યુ.ડી.આઇ.ડી.કાર્ડ, જન્મ-મરણના દાખલા જેવી સેવાઓનો વધુ લાભ લીધો હતો. આ કાર્યક્રમ અંતર્ગત રક્તદાન શીબિર, મહિલા આરોગ્ય કેમ્પ, દિવાળીમાં સજાવટની આઈટમોના સ્ટોલ, બાળ આરોગ્ય કેમ્પ,ઈ-કેવાયસી કેમ્પ, રાશનકાર્ડ ધારકો માટે અને સખી વન સ્ટોપ સેન્ટર હેલ્પ ડેસ્ક આર્કષણનું કેન્દ્ર બન્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા લોકોને પારદર્શક અને ત્વરિત સેવાઓ નજીકના સ્થળે મળી રહે તે માટે સેવા સેતુનો આ 10મો તબક્કો ચાલી રહ્યો છે.