• ટ્રાફિકની સમસ્યા વકરાવતા
  • કાલાવડ રોડ પર કોટેચા ચોક અને 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એક્ષચેન્જનું સર્કલ નાનું કરવાની કામગીરી શરૂ: અન્ય 7 સર્કલો માટે ટૂંક સમયમાં કામગીરી

રાજકોટની વસતી અને વિસ્તારમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ દિનપ્રતિદિન સતત વકરી રહી છે. રાજમાર્ગો પર ચોકમાં બનાવવામાં આવેલા સર્કલોના કારણે કેટલાક રોડ પર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હોવાનું સર્વેમાં બહાર આવ્યા બાદ કોર્પોરેશન દ્વારા હવે અલગ-અલગ વિસ્તારોમાં 10 સર્કલોની સાઇઝ ટૂંકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ કાલાવડ રોડ પર કોટેચા ચોક અને 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એક્ષચેન્જને નાનું કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અન્ય 8 સર્કલોની સાઇઝ ટૂંકાવવાની કામગીરી દિવાળી પછી શરૂ કરવામાં આવશે.

ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે શહેરના ક્યા-ક્યા રાજમાર્ગો પર હયાત સર્કલોની માપ સાઇઝમાં ફેરફાર કરવાની આવશ્યકતા છે. તે અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં અલગ-અલગ 18 સર્કલોનું સર્વે કરાયો હતો. જેમાં એવું માલૂમ પડ્યું હતું કે 10 રાજમાર્ગો પર સર્કલની સાઇઝ વધુ હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ છે. જેને ટૂંકાવવાની જરૂર છે. 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એક્ષચેન્જ, કાલાવડ રોડ પર કોટેચા ચોક, ગ્રીનલેન્ડ ચોકડી, ભક્તિનગર સર્કલ, આજી ડેમ સર્કલ, સોરઠીયા વાડી સર્કલ, ચુનારાવાડ ચોક સર્કલ, મોકાજી સર્કલ, રેસકોર્ષ રીંગ રોડ પર જિલ્લા પંચાયત ચોકનો સર્કલ અને અમૂલ સર્કલની સાઇઝ ટૂંકાવવાનો રિપોર્ટ આવ્યા બાદ કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી રૈયા ટેલીફોન એક્ષચેન્જ અને કોટેચા ચોકના સર્કલને ટૂંકા કરવા માટે તોડફોડની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે શક્ય તેટલી વહેલી પૂરી કરી દેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા રૈયા ટેલીફોન એક્ષચેન્જ ચોકમાં બ્રિજ બનાવવાની ઘોષણા બજેટમાં કરવામાં આવી હતી. પરંતુ આગળ અને પાછળ બે ઓવરબ્રિજ હોવાના કારણે જો અહિં ત્રીજો બ્રિજ બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થવાને બદલે વકરે તેવું જણાતા બ્રિજનો પ્રોજેક્ટ હાલ પડતો મુકવામાં આવ્યો છે અને સર્કલ ટૂંકાવી ટ્રાફિકની સમસ્યા હલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા શહેરના તમામ રાજમાર્ગો પર આવેલા સર્કલોની માપ સાઇઝમાં વધારો કે ઘટાડો કરવા અંગેની કામગીરી હાથ પર લેવામાં આવશે. જેમાં ટ્રાફિક પોલીસનો પણ પૂરો સહયોગ લેવાશે.

આ 10 સર્કલોની માપ સાઇઝ ટૂંકાવાશે

  • રૈયા ટેલીફોન એક્ષચેન્જ, 2. કોટેચા ચોક, 3. ગ્રીનલેન્ડ ચોકડી, 4. ભક્તિનગર સર્કલ, 5. આજી ડેમ ચોકડી, 6. સોરઠીયા વાડી ચોક, 7. ચુનારાવાડ ચોક, 8. જિલ્લા પંચાયત ચોક, 9. અમૂલ સર્કલ 10. મોકાજી સર્કલ

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.