પડદા પર ડાકુના ગેટઅપમાં બે અદાકારો જ જામતા: એક સુનિલ દત્ત અને બીજા
વિનોદ ખન્ના: કમનસીબે બન્ને આપણી વચ્ચે નથી
ચંબલના ડાકુના જીવન પર ઘણા વર્ષો પછી એક આખી ફિલ્મ બની રહી છે. જેનું નામ હજુ નક્કી થયું નથી. આમાં ડાકુની ભૂમિકા સુશાંતસિંઘ રાજપૂત નિભાવવાનો છે. તમે જાણો છો ? ડાકુના ગેટ અપમાં બે અદાકારો જ જામતા. એક સુનિલ દત્ત અને બીજા વિનોદ ખન્ના. કમનસીબે આજે બન્ને આપણી વચ્ચે નથી.
ચંબલના ડાકુ પરની આ ફિલ્મનું શુટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મ સીરિના સેટ પર નહીં બલ્કે રીઅલ લોકેશન પર મધ્યપ્રદેશના ચંબલની કોતરોમાં શુટિંગ થશે. આ સિવાય ફિલ્મમાં સુશાંતની સાથે ભૂમિ પેડણેકરની પણ મહત્વની ભૂમિકા છે.
ભૂમિ તેનું શુટિંગ શરૂ થાય તે પહેલાથી જ પાંચ દિવસ અગાઉ ચંબલ પહોંચી જવાની છે તે કહે છે કે ભૂમિકામાં દમ છે, તેને જીવંત બનાવવા મારે સાચે જ ચંબલમાં અમુક દિવસો પસાર કરવા છે. તેની સાથે ફિલ્મના ડાયરેકટર અભિષેક ચૌબે હશે. આ ફિલ્મ ૧૯૭૦ના દાયકાના ચંબલના ડાકુના જીવન પર આધારીત છે. અગાઉ અભિષેક ચૌબેએ મધ્યપ્રદેશના ડાકુ ‘પાનસિંઘ તોમર’ (ઈરફાન ખાન)નું ડાયરેકશન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગુજરાતી લેખક (સ્વ.) હરકિશન મહેતાએ ચંબલના ડાકુઓના જીવન પર લખેલી નવલકથાની સીરીઝ ખૂબજ લોકપ્રિય થઈ હતી. તેમની નવલકથા ‘પીળા રૂમાલની ગાંઠ’ની સ્ટોરી અને આવનારી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાં’ની સ્ટોરી મળતી આવે છે. આ ફિલ્મમાં આમીર ખાન, અમિતાભ બચ્ચન, કેટરીના કૈફ અને ફાતિમા સના શેખની મુખ્ય ભૂમિકાઓ છે.
અગાઉ ડાયરેકટર શેખર કપૂરે ડાકુ રાણી ફૂલન દેવીના જીવન પર બનાવેલી ફિલ્મ ‘ધ બેન્ડીકટ કવીન’ વિદેશમાં ખૂબ જ ચાલી હતી.
ઘર આંગણે આ ફિલ્મની માત્ર ચર્ચા જ થઈ કેમ કે સેન્સર બોર્ડે પાસ ન કરતા રીલીઝ જ થઈ ન હતી. જો કે પાયરેટેડ કોપી લગભગ મોટાભાગનાએ જોઈ લીધી છે.