પ્રાંસલા ખાતે રાષ્ટ્રકથા શિબિરમાં અભિનેતા મુકેશ ખન્ના, વૈજ્ઞાનીક એ.આર.રાવ, વિરપ્પનને ઠાર કરનાર કે.વિજયકુમાર તથા તટ રક્ષક દળના કમાન્ડર ઈકબાલ ચૌહાણ તેમજ અર્થશાસ્ત્રી મોહનગુરૂ સ્વામીએ યુવાનોને આગળ વધવા આહ્વાન કર્યું
પ્રાંસલા ખાતે આયોજીત ૨૦મી રાષ્ટ્રકથા શિબિરમાં આજરોજ ઉપસ્થિત રહેલા મુકેશ ખન્નાએ બાળકોને ઉદ્દેશીને કહ્યું હતું કે, શક્તિમાન બનવા માટે તનની તાકાત સાથે મનની શક્તિ પણ ખૂબજ જરૂરી છે. તેમણે યુવાનો તથા બાળકોને ચરિત્ર શુદ્ધ રાખવા સલાહ આપી હતી. યુવાધન ધારે તે કરી શકે તેવું મુકેશ ખન્નાએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીત દરમિયાન કહ્યું હતું.
મુકેશ ખન્નાએ ધર્મબંધુજીની ફરમાઈશથી મહાભારતના ભિષ્મના રોલના યાદગાર સંવાદો સ્ટેજ પર રજૂ કર્યા હતા. તેમણે શક્તિમાન સ્ટાઈલમાં ડાઈલોગ બોલીને બાળકો તથા યુવાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, યુવાનોમાં તાતશ્રી અને બાળકોમાં શક્તિમાન એમ બે પ્રકારના રોલ તેઓ હાલ ભજવી રહ્યાં છે. તેમણે સ્ટેજ પરથી ઉપસ્થિત મહેમાનો અને પ્રેક્ષકોનો આભાર વ્યકત કર્યો હતો.
આ તકે હાજર રહેલા સાયન્ટીસ એ.આર.રાવે કહ્યું હતું કે, સ્વસ્થ સમાજ માટે આ પ્રકારની શિબિરો મહત્વની છે. ભારતના યુવાનોમાં બુદ્ધિધનની કમી નથી. શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક વિકાસ થકી વ્યક્તિ ધારેલી નિશાન પાર પાડી શકે છે. માનસિક બળ શારીરિક ક્ષમતાના કારણે વિકાસ પામે છે. માટે યુવાનોએ તંદુરસ્તી જાળવવા ખાસ ધ્યાન આપવું જોઈએ. યોગની નજીક અને જંકફૂડથી દૂર રહેવું જોઈએ. નોલેજ ઈઝ પાવર હોવાથી યુવાનોને હંમેશા જ્ઞાનમાં વૃધ્ધિ કરવાની સલાહ તેમણે આપી હતી.
છત્તીસગઢમાં ચંદનચોર વિરપ્પનને ઠાર કરનાર વિજયકુમાર આ તકે હાજર ર્હયાં હતા. તેમણે કહ્યું હતું કે, જે વ્યક્તિ શક્તિશાળી હોય તેણે પોતાનું બળ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ નબળા વર્ગ માટે પણ ખર્ચવું જોઈએ. આ પ્રયાસ થકી નબળા વ્યક્તિઓ આગળ આવશે. ખરો શક્તિમાન એ જ છે જે પોતાના માટે નહીં બીજા માટે જીવે. તેમણે યુવાનોને યોગ કરવા સલાહ આપી હતી. તેમણે દેશને એકજુટ રાખવા સૈન્યના પ્રયાસોના વખાણ કર્યા હતા.
તટ રક્ષક દળના કમાન્ડર ઈકબાલ ચૌહાણે કહ્યું હતું કે, રાષ્ટ્રને એવા ભુજંગની જ‚ર છે જેનામાં બળ હોય. રામેશ્ર્વરથી શ્રીલંકાને જોડતો રામસેતુ એ ભગવાન શ્રી રામની સમુદ્ર પાર કરવાની દ્રઢ ઈચ્છા શક્તિનું પરિણામ હતું. વિનમ્રતા દ્વારા અર્જીત કરેલી શક્તિથી દેશને આગળ લઈ જવા યુવાનોને તેમણે આહવાન કર્યું હતું.
આ તકે હાજર રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના અર્થશાસ્ત્રી મોહનગુ‚ સ્વામીએ કહ્યું હતું કે, આપણે કોણ છીએ, કયાંથી આવ્યા છીએ અને કેવી રીતે બન્યા છીએ તે નૃવંશ શાસ્ત્રનો વિષય છે. જો આપણે આપણા પૂર્વ ઈતિહાસને જાણતા હોઈએ તો વર્તમાનમાં એવું કંઈક કરવું પડે જેનાથી આપણું ભવિષ્ય બદલી શકીએ.