રાજ્યપાલ, મુખ્યમંત્રી અને એઆઇસીટીઇના ઉપાધ્યક્ષની હાજરીમાં ભવ્ય સમારોહ….
ગુજરાત ટેકનોલોજીક યુનિવર્સિટી (જીટીયુ)નો સાતમો પદવીદાન સમારોહ રાજ્યપાલરી, મુખ્યમંત્રીશ્રી અને એઆઇસીટીઇના ઉપાધ્યક્ષની હાજરીમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સં૫ન્ન થયો હતો. સમારોહમાં આશરે ૫૦ હજાર ડિગ્રી અને ૨૦ હજાર ડિપ્લોમાં ધારકોને પદવી એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
જીટીયુના વાઇસ ચાન્સેલર પ્રો.(ડો) નવીન શેઠના માર્ગદર્શન હેઠળ બીજા વર્ષે યોજાઇ રહેલો આ પદવીદાન સમારોહ આ વખતે પ્રથમ વાર જીટીયુના કેમ્પસની બહાર ભવ્ય રીતે યોજવામાં આવ્યો છે. આ સમારોહમાં ચાલીસ વિદ્યાર્થીઓને ડોક્ટર ઇન ફિલોસોફી એટલે કે પીએચ.ડીની પદવી અર્પણ કરવામાં આવી છે. બીજી બાજુ ૧૯૮ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક પણ એનાયત થયા હતા. એક્સટર્નલ થિયરી પરિક્ષામાં જે વિદ્યાર્થીઓએ વધુમાં વધુ માર્કસ હોય એવા ૧૩૬ વિદ્યાર્થીઓ અને વિવિધ કોર્સમાં સૌથી વધુ સી.જી.પી.એ.કે સી.પી.આઇ મેળવ્યા હોય એવા ૬૨ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકો સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમારોહની વિશેષતા એ હતી કે સાલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચમાં ચાર વર્ષનો કોર્સ એક વર્ષમાં પૂરો કરીને ચારેય વર્ષની પરીક્ષા એક જ વર્ષમાં પાસ કરી દેનાર ૧૫ વર્ષના કિશોર (વંડર બોય) નિર્ભય ઠાકરને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પદવી એનાયત કરવામાં આવી હતી. તેણે આ પરીક્ષા ૮.૨૩ સીજીપીએ સાથે પાસ કરી હતી. આ અગાઉ તે ૮ થી ૧૨ ધોરણ એક જ વર્ષમાં પાસ કરી ચૂક્યો છે.