સુરત મહાનગરપાલિકા ઝીરો દબાણ નીતિ અંતર્ગત કામ કરી રહી છે. ત્યારે ઉધના પિયુષ પોઇન્ટ સર્કલથી હેડગેવાર ખાડી બ્રિજ સુધીમાં દુકાનદારો દ્વારા કરાતા દબાણોનો મુદ્દો સંકલનમાં ગાજ્યો હતો. ઉધના ઝોન-A દ્વારા 23 દુકાનોને આખરે સીલ મારી દાખલો બેસાડાયો હતો. વારંવાર નોટિસ આપવા છતાં દુકાનદારો કોઈ જવાબ આપતા ન હતા.તેથી ઝોનની ટીમે સવારથી જ રસ્તાની બંને બાજું સર્કલ સુધી દબાણ હટાવ કામગીરી હાથ ધરી હતી.
ત્યારે આં અંગે વાતચીત કરતા કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિએ કહ્યું કે, દુકાનદારો દુકાનોના બહારના ભાગે રસ્તાને લાગુ જગ્યામાં દબાણ કરતા હતા જેથી તમામ દબાણો દૂર કરાયાં હતાં. દબાણો નહીં કરવા અવાર નવાર તાકીદ તથા નોટિસ અપાઈ હતી, પરંતુ એક પણ દુકાનદારે દરકાર લીધી ન હતી તેથી એડિશનલ સિટી ઈજનેરની સૂચના બાદ 22 દુકાનોને સીલ મારી દેવાયાં હતાં. તેમજ આ દુકાનદારો સામે વહીવટી ચાર્જ વસૂલી બાંયધરીપત્રક પણ લેવામાં આવશે.